Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

આજી જીઆઈડીસી પાસે ટ્રકે એકટીવાને હડફેટે લેતા કારખાનેદાર વિજયભાઈ ફળદુનું મોત

કારખાનેદાર સવારે આજી ડેમ ચોકડી પાસે સ્ક્રેપ જોવા માટે જતા'તાઃ પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવતા ફળદુ પરિવારમાં શોક

રાજકોટ, તા. ૨૩ :. આજી નદીના પૂલથી આગળ આવેલી જીઆઈડીસીની સામે ટ્રકે એકટીવાને ઉલાળતા કારખાનેદાર યુવાનનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ મવડી મેઈન રોડ પર આવેલા ગ્રીનપાર્કમાં રહેતા અને વાવડીમાં એલ્યુમિનીયમ ઓગાળવાનું કારખાનુ ધરાવતા વિજયભાઈ નરસીભાઈ ફળદુ (ઉ.વ. ૪૩) આજે સવારે પોતાનું જી.જે. ૩ જે.એન. ૮૨૫૯ નંબરનું એકટીવા લઈને આજી ડેમ ચોકડી પાસે સ્ક્રેપ જોવા જતા હતા ત્યારે આજી નદીના પૂલથી આગળ જીઆઈડીસીની સામે પહોંચતા જ જીજે ૧૦ ઝેડ ૬૮૭૭ નંબરના ટ્રકના ચાલકે પૂરઝડપે આવી એકટીવાને ઉલાળતા વિજયભાઈ ફંગોળાઈ જતા ટ્રકનું આગળનું વ્હીલ ફરી વળતા માથાના ભાગે ગંભીર ઈજા થવાને કારણે તેનુ ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતું. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને કોઈએ પોલીસ કંટ્રોલમાં જાણ કરતા આજી ડેમ પોલીસ મથકના એએસઆઈ વી.બી. સુખાનંદી સહિતના સ્ટાફે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી અને પોલીસે મૃતક વિજયભાઈના સાળા લાલજીભાઈ વલ્લભભાઈ રામાણી (રહે. મવડી મેઈન રોડ, રાણીપાર્ક)ની ફરીયાદ પરથી ટ્રક ચાલક વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવતા ફળદુ પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

(4:30 pm IST)