Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

કોરોનાને ધ્યાને રાખી નિયમોનું પાલન કરી તહેવાર ઉજવવા પોલીસ કમિશનરનો અનુરોધ

દિવાળીના તહેવારમાં મુખ્ય બજારોમાં પોલીસની ખાસ ટીમોની ચોર ગઠીયાઓ પર રહેશે સતત ચાંપતી નજર

બેન્કો, આંગડીયા પેઢી, એ.ટી.એમ. કે અન્ય નાણાકીય સંસ્થા બહાર લૂંટ, પીક-પોકેટીંગ અને બેગ લિફિંટગના બનાવો ન બને તે માટે ખાસ પેટ્રોલીંગઃ દૂર્ગા શકિતની ટીમો પણ કરશે પેટ્રોલીંગઃ લોકોએ પોતે પણ સાવચેત રહેવા ડીસીપી મનોહરસિંહ જાડેજાની અપીલશોપીંગ મોલ, મલ્ટીપ્લેક્ષ, થીયેટરો, મોટી દુકાનો, ઓપન ર્પાકિંગ તથા બેઝમેંટ ર્પાકિંગમાં સંચાલકોએ ફરજીયાત સી.સી.ટી.વી. કેમેરા લગાવવા અને તેનું રેર્કોડિંગ રાખવા પોલીસ કમિશનરનું જાહેરનામુ

રાજકોટ તા. ૨૩: દિવાળીના તહેવારો દરમિયાન બજારોમાં ખરીદી માટે ખુબજ ભીડ રહેતી હોઇ જેનો લાભ લઇ અમુક અસામાજીક તત્વો ચોર-ગઠીયા-લૂંટારૂ દ્વારા મિલકત સબંધી ગુના આચારવાનો પ્રયાસ થવાની સંભાવના નકારી શકાય તેમ ન હોઇ શહેર પોલીસે બજારોમાં ખાસ નજર રાખવા એક સ્કીમ તૈયાર કરી છે. જે અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચની ટીમો ખાનગી ડ્રેસ તથા યુનીફોર્મમાં પેટ્રોલીંગ કરશે. તેમજ ફિકસ પોઇન્ટ પર બંદોબસ્ત જાળવશે ફૂટ પેટ્રોલીંગ, વાહન પેટ્રોલીંગ અને બીજો બંદોબસ્ત પણ સતત બજારોમાં રાખવામં આવશે.

દિવાળીના તહેવારોમાં મુખ્ય બજારો, મુખ્ય મંદિરો, બસ સ્ટેશનો, રેલ્વે-સ્ટેશનો પર વધુ ભીડ રહેતી હોય છે. જેથી લોકોને આવા સ્થળોએ પોતાના જાન-માલનું વધુ સારી રીતે રક્ષણ કરવાની અપીલ પોલીસ દ્વારા કરવામાં આવી છે.  જો કોઇ અઘટીત બનાવ બને તો તુરત જ પોલીસનો સંપર્ક કરવા -જાણ કરવા પણ અપીલ કરવામાં આવી છે.

તહેવારોમાં શોપીંગ મોલ, મલ્ટીપ્લેક્ષ, થીયેટરો, મોટી દુકાનો, ઓપન ર્પાકિંગ તથા બેઝમેંટ ર્પાકિંગમાં સંચાલકોએ ફરજીયાત સી.સી.ટી.વી. કેમેરા લગાવવા અને તેનું રેર્કોડિંગ રાખવા બાબતનું જાહેરનામું પોલીસ કમિશનરશ્રી દ્વારા બહાર પાડવામાં આવ્યું હોઇ તેનો છે ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. આ ઉપરાંત જાહેરનામા મુજબ મોલના સંચાલકોએ માલ સામાન ચેકિંગ કરવા અને કોઈ ગેરકાયદેસર કે સ્ફોટક પદાર્થો અંદર ન આવે તેની પણ વિશેષ તકેદારી રાખવાની રહેશ. આ કામગીરી બરાબર થાય છે કે નહિ તે અંગે પોલીસ દ્વારા સમયાંતરે વિશેષ ચેકીંગ કરવામાં આવશે.

દિવાળીના તહેવારોમાં લોકોને ખરીદી અને અન્ય કારણસર નાણાંની વિશેષ જરૂરીયાત રહેતી હોય છે. જેથી બેન્કો, આંગડીયા પેઢી, એ.ટી.એમ. કે અન્ય નાણાકીય સંસ્થા બહાર લૂંટ, પીક-પોકેટીંગ અને બેગ લિફિંટગના બનાવો ન બને તે માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા ખાનગી તથા યુનીફોર્મમાં સતત પેટ્રોલીંગ રાખવામા આવશે. તેમ છતાં જનતાને આવી જગ્યાઓ પર પોતાના નાણાની વિશેષ જાળવણી કરવા માટે અપીલ કરવામાં આવે છે.

બજારોમાં ચેન-સ્નેચિંગના બનાવો ન બને તે માટે પોલીસની દુર્ગા શકિત ટીમ સતત ખાનગી કપડાં તથા યુનીફોર્મમાં પેટ્રોલીંગમાં રહેશે. આ ઉપરાંત પોલીસ દ્વારા આવા બજારોમાં સઘન ફૂટ પેટ્રોલીંગ અને મોબાઈલ પેટ્રોલીંગ રાખવામા આવનાર છે. દિવાળીમાં ચાઇનીઝ તુક્કલ-લેન્ટર્નના વેચાણ તથા ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. છતાં કોઇ ઉપયોગ કરશે તો ગુનો નોંધવામાં આવશે.

દિવાળીના તહેવારમાં લોકો વતનમાં અથવા બહાર ગામ ફરવા જતાં હોય છે જેનો લાભ લઈ રહેણાક મકાનમાં ઘરફોડ ચોરીના બનાવો બનતા હોય છે. પોલીસ સમગ્ર શહેર વિસ્તારમાં કડક રીતે ડે-નાઈટ પેટ્રોલીંગ કરે છે. છતાં રાજકોટ શહેરની જનતાને આ બાબતે વિશેષ તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. જે લોકો લાંબા સમય માટે રહેણાંક મકાન બંધ કરી બહારગામ જનાર હોય તેઓએ લાગતા વળગતા સ્થાનીક પોલીસ સ્ટેશનમાં આ બાબતે નોંધ કરાવવા અનુરોધ કરાયો છે. જેથી પોલીસ ત્યાં વધુ નજર રાખી પેટ્રોલીંગ કરી ચોરીના બનાવો અટકાવી શકે.

કોરોના વાયરસની મહામારીમાં લોકો સ્વસ્થ અને સુરક્ષીત રહી તહેવાર ઉજવે તે માટે સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. તેમજ શહેર પોલીસે પણ જાહેરનામુ બહાર પાડ્યું છે. તેનું પાલન કરવા અને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમો પાળવા સ્વસ્થ સુરક્ષીત રહી તહેવાર ઉજવવા પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે અનુરોધ કર્યો છે. 

(4:27 pm IST)