Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

સીટી બસ સેવા રાબેતા મુજબ શરૂ કરાવતા અમિત અરોરાઃ કંડકટરોના પ્રશ્ને એજન્સી સાથે પરામર્શ

કોન્ટ્રાકટર એજન્સી નવી આવતા આ સમસ્યા સર્જાયાનું તારણ

રાજકોટ, તા. ૨૩ :. મહાનગરપાલિકાની 'આર. એમ. ટી. એસ.'ની  સીટી બસ સેવામાં આજે સવાર કંડકટરોના પ્રશ્ને થોડા સમય માટે વિક્ષેપ સર્જાયો હતો, પરંતુ ત્યારબાદ તૂર્ત જ વરિષ્ઠ અધિકારીશ્રીઓએ ટીકીટ ફેર (ટીકીટ ભાડુ) કલેકશન એજન્સી સાથે આવશ્યક સંકલન અને પરામર્શ કરી તમામ સીટી બસ પુનઃ દોડતી કરી હતી.

તમામ ડ્રાઈવરો બસ ચલાવવા માટે તૈયાર જ હતા પરંતુ કેટલાક કંડકટરોએ તેમની સામે લેવાયેલા શિક્ષાત્મક પગલા અનુસંધાને અન્ય કંડકટરોને બસ સેવા ખોરવવા પ્રેર્યા હતા પરંતુ રાજકોટ મહાનગરપાલિકાએ તાત્કાલીક અસરથી કંડકટર વગર જ તમામ સીટી બસ તેના રૂટ પર દોડાવવાનું ચાલુ કરી લોકોને મુશ્કેલી ના પડે તેની કાળજી લીધી હતી. એજન્સી સાથે ચર્ચા વિચારણા કરી કંડકટરોને પુનઃ કામ પર લગાવવામાં આવી રહ્યા છે. વિશેષમાં જે બસમાં જ્યાં સુધી કંડકટર ઉપલબ્ધ નહી હોય ત્યાં સુધી તે બસ કંડકટર વગર જ રૂટ પર દોડાવવામાં આવી રહી છે તેમ મ્યુનિ. કમિશનર શ્રી અમિત અરોરાએ જણાવ્યુ હતું.

દરમિયાન સીટી બસ સેવા બાબતના મુખ્ય અધિકારી શ્રી કુકડિયાએ જણાવ્યુ હતુ કે 'મેનપાવર કોન્ટ્રાકટર એજન્સી બદલાઈ જતા થોડી ગેરસમજો હતી જેનુ નિરાકરણ લાવવા કંડકટરો સાથે ચર્ચા-વિચારણા કરી સીટી બસ સેવા ચાલુ રહે તે માટે ઘનિષ્ઠ પ્રયાસો કરાયા હતા.

(3:30 pm IST)