Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

કંડકટરોને વિનાકારણ દંડ ફટકારાતો હોવાના આક્ષેપો સાથે...

સીટી બસના કંડકટરોએ હડતાલ પાડીઃ બસના પૈડા થંભાવ્યાઃ તંત્ર ઝૂકયુ નહીં: વિનામૂલ્યે સેવા શરૂ કરી દીધી

ટીકીટ મશીન ખામીવાળા હોવા છતા કંડકટરોને હજારોનો દંડઃ સસ્પેન્ડ કરી દેવાતા હોવાના આક્ષેપો સાથે ઉગ્ર રજૂઆત

તાજેતરમાં સીટી બસમાં અપાયેલ ટીકીટ મશીનને કારણે એક કંડકટરને  રૂ.૧૦ હજારની પેનલ્ટી આપવા સહિતનાં મુદ્દે ભારે રોષ વ્યકત કરી સવારથી તમામ ૯૦ રૂટ બંધ કરી દીધા હતા. સવારનાં ૧૦:૩૦ વાગ્યા સુધી સીટી બસ શરૂ નહિ થતા અનેક મુસાફરો હેરાન થયા હતા.તસ્વીરમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા કંડકટરો અને સીટી બસનાં થપ્પા  નજરે પડે છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૨૩ :. મ.ન.પા.ની રાજકોટ રાજપથ લી. કંપની સંચાલીત સીટી બસ સેવાના કંડકટરોએ આજે સવારે વિજળીક હડતાલ પાડી બસના પૈડા થંભાવી દેતા સવારે કલાકો સુધી સીટી બસ સેવા ઠપ્પ રહી હતી જેના કારણે રોજીંદા મુસાફરોને ભારે મુશ્કેલી સર્જાઈ હતી.

જો કે આ હડતાલને મ.ન.પા. તંત્રએ જરા પણ મચક આપી ન હતી અને બે થી ત્રણ કલાક બાદ સીટી બસ સેવા પુનઃ શરૂ કરી દીધી હતી અને કંડકટર વગર એટલે કે મુસાફરોની ટીકીટ લીધા વગર વિનામૂલ્યે બસ સેવા શરૂ કરાવી દેતા કંડકટરોની હડતાલનું સૂરસૂરિયુ થઈ ગયુ હતુ અને લોકોને રાહત થઈ હતી.

આ બનાવની વિગતો મુજબ સીટી બસના કંડકટરો ઘણા સમયથી ટીકીટ મશીન ખરાબ હોવાની ફરીયાદો કરી રહ્યા હતા અને તેના કારણે મુસાફરોને ટીકીટ આપવામાં મુશ્કેલીઓ થઈ રહી હતી. દરમિયાન મ.ન.પા.ના અધિકારીના ચેકીંગ દરમિયાન એક કંડકટરને ટીકીટમાં ગેરરીતિ સબબ ૧૦ હજાર જેટલો દંડ ફટકારી સસ્પેન્ડ કરી દીધાના આક્ષેપો સાથે આજે સીટી બસના કંડકટરોએ એક સંપ કરી સવારથી વિજળીક હડતાલ પાડી દીધી હતી અને કંડકટરોએ આ બાબતે ન્યાયિક પગલા લેવા તંત્ર વાહકો સમક્ષ રજૂઆત કરી હતી.

જેમા જણાવેલ કે ટીકીટના મશીન ખરાબ હોવાથી મુસાફરોને ટીકીટ આપી શકાતી નથી તેમ છતાં વિનાકારણે કંડકટરોને ૨૦૦નો દંડ ઓન રેકોર્ડ લેવાય છે અને પછી રૂ. ૧૦ હજાર વસુલી છૂટા કરી દેવાય છે. આ અત્યંત અન્યાયી છે માટે આ ઘટનામાં જવાબદારો સામે પગલા લઈ વગર વાંકે છુટા કરાયેલા કંડકટરોને પુનઃ ફરજ પર લેવા જોઈએ.

જો કે મ્યુ. કમિશ્નર અમિત અરોરાએ કંડકટરોના વાંકે મુસાફરોને હેરાનગતી ભોગવવી ન પડે તે હેતુથી કંડકટરો વગર વિનામૂલ્યે સીટી બસ સેવા શરૂ કરાવી અને બાદમાં કંડકટરોની સમસ્યાઓના નિકાલની કાર્યવાહી શરૂ કરાવી દીધી હતી.

(3:30 pm IST)