Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

ટ્રાફિક પોલીસ સ્ટેશન પાસે બપોરે પોણા ત્રણે બનાવ બન્યો, રાતે ભેદ ઉકેલાઇ ગયો

નાયબ મામલતદાર વી. બી. શીલુના ચેઇનની ચિલઝડપઃ પ્રદ્યુમનનગર પોલીસે બે ચિલઝડપકારને દબોચી લીધા

અગાઉ બે ગુનામાં પકડાઇ ચુકેલા આરટીઓ પાસેના શિવમનગરના બ્રાહ્મણ શખ્સ પ્રિતેશ ઉર્ફ કાલી આયાર્ય અને સગીરે ૫૦ હજારનો ચેઇન ખેંચી મુથુટ ફાયનાન્સમાં ગિરવે મુકી ૩૬ હજારની રોકડી પણ કરી લીધી'તીઃ ડીસીપી મનોહરસિંહ જાડેજાની રાહબરીમાં કોન્સ. અક્ષય ડાંગર અને મહાવીરસિંહ જાડેજાની બાતમી પરથી પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઇ કે. ડી. પટેલની ટીમની કાર્યવાહી

ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા અધિકારીઓ અને પ્ર.નગર પોલીસ સ્ટાફ તથા નીચેની તસ્વીરમાં ચિલઝડપકાર પ્રિતેશ અને બાજુમાં પોલીસ કબ્જે કરેલ સોનાનો ચેઈન અને બાઈક નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૨૩ :. શ્રોફ રોડ પર ટ્રાફીક પોલીસ સ્ટેશન પાસે નાયબ મામલતદાર વી.બી. શીલુના ચેઈનની ચીલઝડપ કરનાર બે શખ્સોને ગણતરીની કલાકમાં પ્ર.નગર પોલીસે પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શ્રોફ રોડ પર ગવર્મેન્ટ કોલોની બ્લોક નં. સી-૧/૯મા રહેતા નાયબ મામલતદાર વર્ષાબેન ભરતભાઈ શીલુ (ઉ.વ. ૪૭) ગઈકાલે બપોરે પોતાના ઘરે જમીને પોતાનું એકટીવા લઈને પોતાની ફરજ પર જતા હતા ત્યારે શ્રોફ રોડ પર નવી ટ્રાફીક પોલીસ સ્ટેશન પાસે પહોંચતા એક મોટર સાયકલમાં બે શખ્સો પાછળથી આવી વર્ષાબેનના ગળામાં ઝોંટ મારી રૂ. ૫૦ હજારની કિંમતનો સોનાનો ચેઈન ઝુંટવી બન્ને શખ્સો નાસી ગયા હતા. ત્યાર બાદ પોતે એકટીવા લઈને ઘરે આવી પતિને વાત કરતા તેમણે પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી. જાણ થતા ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા ક્રાઈમ બ્રાંચના એસીપી ડી.વી. બસીયાની સૂચનાથી પ્ર.નગર પોલીસ મથકના ઈન્ચાર્જ પી.આઈ. કે.એ. વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે.ડી. પટેલ, હેડ કોન્સ. દેવશીભાઈ ખાંભલા, વિજયરાજસિંહ જાડેજા, કોન્સ. કુલદીપસિંહ રાણા, અક્ષયભાઈ ડાંગર, મહાવીરસિંહ જાડેજા તથા અશોકભાઇ હુંબઇ સહિતે તાકીદે સ્થળ પર પહોંચી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. દરમ્યાન કોન્સ. અક્ષયભાઇ ડાંગર અને કોન્સ. મહાવીરસિંહ જાડેજાને બાતમી મળતા ચીલઝડપકાર પ્રીતેષ ઉર્ફે કાલી રાજુભાઇ આચાર્ય (ઉ.વ.ર૬) અને એક સગીર (રહે. બંને આર.ટી.ઓ. પાછળ શીવમનગર શેરી નં.૧)ને પકડી લીધા હતા પકડાયેલો પ્રિતેષ ઉર્ફે કાલી અને સગીર બંને ચેઇનની ચીલઝડપ કરી બાઇક પર ભાગ્યા બાદ તાત્કાલીક પેડક રોડ પર આવેલી મુથુત ફાઇનાન્સમાં ચેઇન આપીને ૩પ હજાર જેટલા રોકડા લઇ બંને ત્યાંથી નીકળ્યા બાદ બાઇક પર જતા હતા ત્યારે ગ્રીનલેન્ડ ચોકડી પાસે એક બંધ ટ્રક પાછળ ભટકાતા પ્રિતેષને હાથમાં ઇજા થઇ હતી. પોલીસે બાઈક અને ચેઈન કબ્જે કર્યા હતા.  પ્રિતેશ અગાઉ બી-ડીવીઝન અને યુનિવર્સિટી પોલીસ મથકમાં ચીલઝડપના ગુનામાં પકડાઇ ચુકયો  છે.(૨.૨૨)

પ્રિતેશ અને સગીરે ત્રણ વિસ્તારમાં ચીલઝડપનો પ્રયાસ કર્યો'તા

રાજકોટ : શ્રોફ રોડ પર થયેલી ચીલઝડપના બનાવમાં પકડાયેલા પ્રિતેશ ઉર્ફે કાલી આચાર્ય અને સગીર બંને શહેરના ત્રણ અલગ-અલગ વિસ્તારમાં ચીલઝડપનો પ્રયાસ કર્યો હતો. બાદ શ્રોફ રોડ પર ટ્રાફિક પોલીસ મથક પાસે ચેઇનની ચીલઝડપી કરી હતી.

(3:29 pm IST)