Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

જંગલેશ્વર રાધાકૃષ્ણનગરમાં શોચાલયની સફાઇ મામલે રજૂઆત વખતે કાર્યકર વિફર્યા

'તમે ભાજપના...છો, એના કોર્પોરેટરના કામ જ કરો છો'કહી બસપા આગેવાનની સેનેટરી સબ ઇન્સ્પેકટર પર ધોકાવાળી

આરએમસીના સેને. સબ ઇન્સ.એઝાઝખાન પઠાણની ફરજમાં રૂકાવટ અંગે કાર્યકર રઝાક કુરેશી અને તેના ભત્રીજા સામે ગુનોઃ રઝાક કુરેશીએ પણ પોતાના પર હુમલો થયાની રાવ સાથે હોસ્પિટલમાં સારવાર લીધી

રાજકોટ તા. ૨૩: જંગલેશ્વરમાં રહેતાં બસપા આગેવાન અને સામાજીક કાર્યકર રઝાક કુરેશીએ પોતાના વોર્ડ નં. ૧૬-બના સેનેટરી સબ ઇન્સ્પેકટરને વિસ્તારના જાહેર શોૈચાલયો બાબતે રજૂઆત કરી રૂબરૂ તપાસ કરવા બોલાવી મા સમી ગાળો ભાંડી ધોકાથી માર મારતાં અને 'તમે ભાજપના....છો, એના કોર્પોરેટરના કામ જ કરો છો' કહી મારી નાંખવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કરતાં વાત પોલીસ સુધી પહોંચતાં ગુનો નોંધાયો છે. કાર્યકર પોતાના પર પણ સેનેટરી સબ ઇન્સ્પેકટરે હુમલો કર્યાની રાવ સાથે સિવિલમાં દાખલ થઇ ગયો હતો.

આ બનાવમાં ભકિતનગર પોલીસે રૈયા રોડ સુભાષનગર-૬માં રહેતાં અને મ્યુ. કોર્પોરેશનમાં સેનેટરી સબ ઇન્સ્પેકટર તરીકે નોકરી કરતાં એઝાઝખાન ફિરોઝખાન પઠાણ (ઉ.૪૧)ની ફરિયાદ પરથી જંગલેશ્વર ૨૪માં રહેતાં બસપાના આગેવાન અને સામાજીક કાર્યકર રઝાક દાઉદભાઇ કુરેશી તથા તેના ભત્રીજા સામે આઇપીસી ૩૩૨, ૧૮૬, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪, ૧૩૫ મુજબ ફરજમાં રૂકાવટ કરી ગાળો દઇ મારકુટ કરી ધમકી આપવાનો ગુનો નોંધ્યો છે.

એઝાઝખાન પઠાણે ફરિયાદમાં જણાવ્યું છે કે હું આરએમસીમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં સેનેટરી સબ ઇન્સ્પેકટર તીરકે નોકરી કરું છું. મારી ફરજ વોર્ડ નં. ૧૬-બમાં છે. આ વિસ્તારમાં કોર્પોરેશનના સફાઇ કામદારો મારફત મારે સફાઇ કામ કરાવી અપાવવું અને તેનું સુપરવિઝન કરવાનું હોય છે. જાહેરમાં ગંદકી કરનારને દંડ કરવાની તેમજ કચરાના ટીપર વાહન અને રૂબરૂ તેમજ ટેલિફોનીક તેમજ ઓનલાઇન સફાઇની ફરિયાદોનું નિરાકરણ કરવાની પણ મારી જવાબદારી છે. આ ઉપરાંત આ વિસ્તારના જાહેર શોૈચાલયોનું સુપરવિઝન અને આ વિસ્તારના આરએમસીના સફાઇ કામદારો મારફતે સફાઇ કરાવી આપવાની પણ મારી ફરજ છે.

શુકવારે હું મારા વાર્ડ ૧૨-બમાં નોકરી પર હતો ત્યારે અમરા સફાઇ કામદાર ભાનુભાઇએ ફોન કર્યો હતો. જે મેં રિસીવ કરતાં વાત કરનારે પોતે સમાજીક કાર્યકર રઝાકભાઇ કુરેશી બોલે છે તેમ કહી રાજકોટ કોર્પોરેશનને તેમજ કોર્પોરેશનના અધિકારીઓને અને મને ગાળો દીધી હતી. તેમજ વિસ્તારમાં શ્રમશ્રધ્ધા ચોકથી ખ્વાજા ચોક વચ્ચે ન્યુસન્સ પોઇન્ટ પર કામ કરતાં સફાઇ કામદારોને કામ કરતાં અટકાવી દીધા હતાં. એ પછી રજાક કુરેશીએ તેના મોબાઇલ ફોનમાંથી  મારા મોબાઇલમાં ફોન કરી તમે કયાં છો, હું ત્યાં આવું છું, તેમ કહી મા સમાણી ગાળો દીધી હતી અને મારા પર ફરિયાદ કરવી હોય તો કરી દેજો, માથાકુટ કરવી જ છે તેમ કહ્યું હતું.

ત્યારબાદ મને બુધ્ધનગરમાં બોલાવતાં હું ત્યાં ગયો હતો. પણ તે ત્યાં નહોતો. એ પછી ફરીથી મને ફોન કરી કહેલું કે હું જંગલેશ્વર-૨૫ના છેડે શોૈચાલય ખાતે છું. આથી હું ત્યાં ગયો હતો. પરંતુ ત્યાં પણ રઝાકભાઇ મળ્યો નહોતો. એ પછી હું જંગલેશ્વર-૨૮ની આડી શેરીના શોૈચાલય ખાતે ગયેલો ત્યાં પણ તે નહોતો. ત્યારબાદ  ફરી ફોન કરતાં રાધાકૃષ્ણનગર-૨/૪ના ખુણે આવેલા શોૈચાલયે બોલાવતાં હું ત્યાં જતાં રઝાકભાઇ હાજર હતો. તેણે મને માર મારવા જ બોલાવ્યો હોય તેમ ત્યાં જતાં જ ગાળાગાળી કરી તમે ભાજપના...છો તેના કોર્પોરેટર કહે એ જ કરો છો તેમ કહી ગાળો દીધી હતી.

મેં તેને આજીજી કરતાં તે વધુ ઉશ્કેરાયો હતો અને લાકડાના ધોકાથી મને માર માર્યો હતો અને ધોકો પણ તૂટી ગયો હતો. મને ગોઠણ, પેડુ પર ઇજા થઇ હતી. એ પછી તેણે મને મોઢા-છાતી પર મુક્કા મારી ગાળો દઇ મારી નાંખવાની ધમકી દીધી હતી. મેં પણ સ્વબચાવમાં ત્યાં પડેલા તૂટેલો ધોકો લઇ ફેરવ્યો હતો જે તેને માથામાં લાગી ગયો હતો. એ પછી હું ત્યાંથી જતો રહ્યો હતો અને પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પહોંચ્યો હતો.

એ પછી રઝાકભાઇના ભત્રીજાનો ફોન આવ્યો હતો અને આવી રીતે રઝાકભાઇને મરાય નહિ તેમ કહી મને બોલાવ્યો હતો. પણ હું ગયો નહોતોઉ અગાઉ પણ રઝાકભાઇએ વોર્ડ નં. ૧૬-બના સફાઇ કામદારોને મારકુટ કરી હતી. ત્યારે અમે ફરિયાદ કરી નહોતી. આ વખતે ફરીથી તેણે મારી ફરજમાં રૂકાવટ કરી બેફામ ગાળો દઇ મારકુટ કરી ધમકી આપી હોઇ અંતે ફરિયાદ કરવી પડી છે. તેમ વધુમાં એઝાઝ ખાને જણાવતાં એએસઆઇ એન. જી. ભદ્રેચાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બીજી તરફ રઝાકખાન દાઉદભાઇ કુરેશી (ઉ.૪૪) પણ પોતાને રાધાકૃષ્ણનગર-૪ના શોૈચાલય પાસે એઝાઝખાને ધોકાથી મારકુટ કર્યાની રાવ સાથે સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. તેણે આક્ષેપો સાથે કહ્યું હતું કે પોતે બસપાના આગેવાન અને સામાજીક કાર્યકર છે. વિસ્તારમાં શોૈચાલયોમાં સફાઇ થતી ન હોઇ અને બે શોૈચાલય બંધ હોઇ સેનેટરી ઇન્સ્પેકટરને રૂબરૂ આવી તપાસ કરવા રજૂઆત કરતાં તેના સહિત ત્રણ જણે આવી મારકુટ કરી હતી.

(2:55 pm IST)