Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

માદક પદાર્થ સાથે જુનાગઢ, રાજકોટના બે અને ૮ કિલો ગાંજા સાથે ગઢડાનો એક શખ્‍સ પકડાયો

ડ્રગ્‍સના ધંધાર્થીઓ પર રાજકોટ પોલીસના દરોડાઃ એસઓજી અને તાલુકા પોલીસે ત્રણને દબોચ્‍યા : એરપોર્ટ ફાટકથી ભોમેશ્વર તરફના રસ્‍તેથી એક્‍ઝાનનગરના સોયેબ મામટી અને જુનાગઢના મયુર જાડાને ફોર્ચ્‍યુનગર કારમાંથી એસઓજીએ કેથીનોના સમરૂપકો નામના ડ્રગ્‍સ સાથે દબોચ્‍યાઃ તાલુકા પોલીસે પ્રદ્યુમન ગ્રીનસીટી પાછળથી ગઢડા સ્‍વામીના ગામના યુનુસ સુમરાને ગાંજા સાથે પકડયો

ગાંજા સાથે પકડાયેલો યુનુસ અને ડ્રગ્‍સ સાથે પકડાયેલા બે શખ્‍સ સોયેબ તથા મયુર નજરે પડે છે
રાજકોટ તા. ૨૩: ડ્રગ્‍સના રવાડે ચડેલા યુવા ક્રિકેટરની ડ્રગ્‍સના પેડલર-ધંધાર્થીઓને જિંદગી બગાડી નાંખ્‍યાની  અને એ કારણે પુત્ર ઘર છોડીને જતો રહ્યાની માતાની રજૂઆત બાદ પોલીસે દરોડાનો દોર શરૂ કર્યો હતો. તેમજ જે ક્રિકેટર ગૂમ થયો હતો તેને રેસકોર્ષ રીંગ રોડની હોટેલમાંથી તેની પૂર્વ પત્‍નિ તથા અન્‍ય એક શખ્‍સ સાથે ડ્રગ્‍સનો નશો કરતાં પકડી લેવાયા હતાં. આ સાથે જ શહેર પોલીસે ડ્રગ્‍સના ધંધાર્થીઓ પર ધોંસ બોલાવાવનું શરૂ કર્યુ છે. શહેર એસઓજીની ટીમે એરપોર્ટ ફાટકથી ભોમેશ્વર તરફના રોડ પરથી રાજકોટ-જુનાગઢના બે શખ્‍સને કેથીનોના સમરૂપકો નામના ડ્રગ્‍સ સાથે ફોર્ચ્‍યુનર કારમાં નીકળતાં પકડી લીધા છે. તો બીજી તરફ તાલુકા પોલીસે બોટાદના સ્‍વામીના ગઢડા ગામના પેડલરને કાલાવડ રોડ પ્રદ્યુમન ગ્રીનસીટી પાછળથી ૮ કિલો ગાંજા સાથે દબોચ્‍યો છે. આ શખ્‍સ છએક મહિનાથી પેડલર તરીકે કામ કરતો હોવાનું ખુલ્‍યું છે.
શહેર એસઓજીની ટીમે એરપોર્ટથી ભોમેશ્વર ફાટક તરફના રોડ પરથી જીજે૧૧સીડી-૦૪૪૪ નંબરની ફોર્ચ્‍યુનર કારને આંતરી તલાશી લેતાં ગીયર બોક્‍સની બાજુના બોક્‍સમાંથી નશાકારક પદાર્થ કેથીનોના સમરૂપકો મળી આવતાં રૂા. ૪૫૦૦નો ૦.૪૫ ગ્રામ પદાર્થ કબ્‍જે કરી રૂા. ૨૫ લાખની ફોર્ચ્‍યુનર કાર સાથે જુનાગઢ બીલખા મેઇન બજાર પગથરીયા શેરીમાં રહેતાં મયુર દિલીપભાઇ જાડા (ખત્રી) (ઉ.૨૫) તથા રાજકોટ એરપોર્ટ રોડ એક્‍ઝાનનગર-૫ના ખુણે કલ્‍યાણનગર-૧ની સામે પત્રકાર સોસાયટી મેઇન રોડ પર મા ફરીદા નામના મકાનમાં રહેતાં સોયેબ યુનુસભાઇ મામટી (ઉ.૩૧)ને સકંજામાં લઇ તેની સામે ગાંધીગ્રામ પોલીસમાં ગુનો દાખલ કરાવ્‍યો છે. આગળની તપાસ ગાંધીગ્રામ પોલીસ કરશે. મયુર પેડલર તરીકે કામ કરતો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. જ્‍યારે સોયેબ બંધાણી હોવાનું ખુલ્‍યું છે.
પીઆઇ આર. વાય. રાવલ, પીએઅસાઇ એમ. એસ. અંસારી, એએસઆઇ ભાનુભાઇ સી. મિયાત્રા, સુભાષભાઇ વી. ડાંગર, આર. ડી. વાંક, હેડકોન્‍સ. કિશનભાઇ આહિર, મોહિતસિંહ જાડેજા, ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, અજયભાઇ ચોૈહાણે આ કામગીરી કરી હતી. આગળની તપાસ ગાંધીગ્રામ પોલીસ કરશે.
તાલુકા પોલીસની કાર્યવાહી
દરમિયાન તાલુકા પોલીસની ટીમ સ્‍કૂલ કોલેજ આસપાસ કોઇ પેડલર ડ્રગ્‍સનું વેંચાણ કરવા આવતાં હોય તો તેને શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતી ત્‍યારે સયાજી હોટેલ નજીક ચેકીંગ વખતે પ્રદ્યુમન ગ્રીનસીીટી પાછળ ઇલેક્‍ટ્રીક થાંભલા પાસેથી એક શખ્‍સ કબૂતરી કલરના શંકાસ્‍પદ થેલા સાથે નીકળતાં ત્‍ેને અટકાવી તલાશી લેતાં અંદરથી રૂા. ૫૬ હજારનો ૮ કિલોગ્રામ ગાંજો મળી આવતાં તે તથા મોબાઇલ ફોન કબ્‍જે કરાય હતો. પુછતાછમાં આ શખ્‍સે પોતાનું નામ  યુનુસ બહાદુરભાઇ સુમરા (સંધી) (ઉ.૨૯-રહે. સ્‍વામીના ગઢડા તા. ગઢડા જી. બોટાદ) જણાવતાં તેની સામે એનડીપીએસ એક્‍ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
તાલુકા પોલીસની ટીમે માદક પદાર્થની ગુનાખોરી ડામવા માટે પીઆઇ જે. વી. ધોળાની રાહબરીમાં ટીમો બનાવી કાર્યવાહી શરૂ કરી છે. સર્વેલન્‍સ ટીમને મદાક પદાર્થોનું વેંચાણ થતું હોય તેવા સ્‍થળો શોધી કાઢવા  તેમજ આવા પદાર્થના વેંચાણમાં અગાઉ પકડાયા હોય તેના પર વોચ રાખવા સુચના અપાઇ છે. આ ઉપરાંત માદક પદાર્થના વેંચાણમાં સામેલ શખ્‍સોની મોડસ ઓપરેન્‍ડી જાણી બહારના રાજ્‍યો-શહેરોમાંથી પદાર્થ લાવતાં હોય તો તેની માહિતી મેળવવા સુચના અપાઇ છે. સ્‍કૂલ-કોલેજો આસપાસ સખ્‍ત વોચ રાખી કોઇ છાત્રો માદક પદાર્થની લત્તે ચડી ગયા હોય તો તેને શોધી તેના પરિવારને જાણ કરી તેને આ કૂટેવમાંથી છોડાવવા મદદ કરવા ટીમોને સુચના અપાઇ છે.
ગાંજો પકડવાની કામગીરી પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ એન. ડી. ડામોર, એએસઆઇ આર. બી. જાડેજા, હેડકોન્‍સ. વિજયગીરી ગોસ્‍વામી, મોહસીનખાન મલેક, કોન્‍સ. અમીનભાઇ ભલુર, હરસુખભાઇ સબાડ, મનિષભાઇ સોંઢીયા, ધર્મરાજસિંહ રાણા, હર્ષરાજસિંહ જાડેજા, લાલજી હાડગડા સહિતે કરી હતી.
બંને કામગીરી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ડી. વી. બસીયા, એસીપી જે. એસ. ગેડમ સહિતના અધિકારીઓની સુચના અને રાહબરીમાં થઇ હતી.

ગઢડાનો યુનુસ છ માસથી રાજકોટ સહિત અન્‍ય જીલ્લામાં પેડલર તરીકે ચારેક વખત ગાંજો આપી ગયો'તો

અમદાવાદ, ઢસામાં શરીર સંબંધી બે ગુનામાં સંડોવણી : ઇલેક્‍ટ્રીક કામ કરતો હોઇ

તેના સાધનો થેલામાં ભરી રીપેરીંગમાં નીકળ્‍યાનો ઢોંગ કરી ગાંજાની સપ્‍લાય કરતો

રાજકોટઃ તાલુકા પોલીસે ગાંજા સાથે પકડેલા યુનુસ સુમરાએ પુછતાછમાં કબુલ્‍યુ છે કે પોતે ઇલેક્‍ટ્રીક કામ કરે છે અને છેલ્લા છએક મહિનાથી ગાંજાનું વેંચાણ પણ કરે છે. રાજકોટ તથા અન્‍ય જીલ્લામાં ત્‍ે ચારેક વખત પેડલર તરીકે માદક પદાર્થ આપી ગયો હતો. અગાઉ પોતે અમદાવાદ અને ઢસામાં શરીર સંબંધી ગુનામાં પકડાયો હતો. પોતે ઇલેક્‍ટ્રીકનું કામ કરતો હોઇ આ કામના સાધનો થેલામાં ભેગા રાખી રીપેરીંગમાં નીકળ્‍યાનો ઢોંગ કરે છે. તેની આડમાં ગાંજાનું વેંચાણ કરે છે. યુનુસે રાજકોટ સહિત અન્‍ય જીલ્લામાં કોને કોને કેટલો કેટલો ગાંજો આપ્‍યો? પોતે ક્‍યાંથી ગાંજો લાવે છે? એ સહિતના મુદ્દે તપાસ કરવાની હોઇ રિમાન્‍ડની તજવીજ થઇ રહી છે.

(2:58 pm IST)