Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને ૭ લાખનું વળતર ફરીયાદીને એક માસમાં ચૂકવી આપવા હુકમ

આરોપીએ અનેક લોકોના નાણા ડુબાડી આપેલ ચેક રિટર્ન થયા હતાં

રાજકોટ, તા. ર૩ : રાજકોટ શહેરમાં અનેક લોકો પાસેથી નાણા મેળવી તે નાણા પરત કરવા ચેકો ઇસ્યુ કરી આપી અનેક ચેકો રીટર્ન થતાં તે સબંધે ચાલી રહેલ જુદા જુદા ચેક રિટર્ન કેસો પૈકી ફરીયાદી અશ્વિનભાઇ જીવનભાઇ ટાંકને રકમ રૂ. ૭,૦૦,૦૦૦/- ચૂકવવા આરોપી દિનેશ ભનાભાઇ ગરસરે ઇસ્યુ કરી આપેલ ચેક રિટર્ન થતાં કેસ ચાલી જતા કેસ સાબિત માની રાજકોટના એડી ચીફ જયુડી. મેજી.એ આરોપીને એક વર્ષની સજા તથા રૂ.૭,૦૦,૦૦૦/- ફરીયાદીને વળતર પેટે એક માસમાં ચૂકવવા અને તેમાં કસુર કર્યે વધુ છ માસની સજાનો હુકમ ફરમાવવામાં આવેલ છે.

કેસની હકીકત જોઇએ તો, ફરીયાદી શ્યામ સ્ટેશનરીના નામે સોરઠીયાવાડી સર્કલ ખાતે ધંધો કરતા હોય તેની પાછળ જ તહોમતદારનું હાર્દિક બફ નામનું કારખાનુ આવેલ હોય અને તહોમતદાર વર્ષોથી ફરીયાદી સાથે સબંધ ધરાવતા હોય તહોમતદારે ધંધા માટે સબંધના દાવે રૂ.૭,૦૦,૦૦૦/- ફરીયાદી પાસેથી મેળવી પ્રોમીસરી નોટ લખી આપી ચેક ઇસ્યુ કરી આપી ચેક પાસ થઇ જવા આપેલ વચન, વિશ્વાસ અને ખાત્રી મુજબ ન વર્તી ચેક રિટર્ન થતા આરોપી વિરૂદ્ધ રાજકોટની અદાલતમાં ફરીયાદ દાખલ કરવામાં આવેલ હતી.

કોર્ટે રેકર્ડ પરના રજુ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓને સમગ્રપણે ધ્યાને લેતા ફરીયાદ પક્ષની હકીકતોને સોગંદ પરના પુરાવાથી દસ્તાવજો પુરાવાને સંપૂર્ણપણે સમર્થન મળે છે, ફરીયાદવાળો ચેક આરોપીએ કાયદેસરના દેવાની ચૂકવણી પેટે આપેલ હતો તેવી હકીકત રેકર્ડ ઉપરના પુરાવાથી પુરવાર થયેલ છે તેમજ ચેક રિટર્ન થયા બાદ નોટીસ આપ્યા બાદ કે કેસ દાખલ થયા બાદ પણ વિવાદી ચેકની રકમ ફરીયાદીને ચૂકવેલ હોવાનું પુરવાર થતું નથી. ફરીયાદીએ એન.આઇ. એકટના તમામ આવશ્યક તત્વો પુરવાર કરેલ છે.

હાલના આરોપી પૂરતુ બેલેન્સ ન હોવા છતાં ખોટા ચેકો આપવા ટેવાયેલા હોવાનું સ્પષ્ટ જણાય છે તેમ માની આરોપીને એક વર્ષની સજા ઉપરાંત ચેકની રકમ એક માસમાં ફરીયાદીને વળતર પેટે ચૂકવવા અને તેમાં કસુર કર્યે વધુ છ માસની સજા ફરમાવતો સમાચીન્હરૂપ ચૂકાદો ફરમાવવામાં આવેલ.

ઉપરોકત કામમાં ફરીયાદી અશ્વિનભાઇ ટાંક વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા રોકાયેલ હતાં.

(3:51 pm IST)