Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

રાજકોટમાં બાઇક પાર્કિંગની સમસ્યા ઉકેલવા નવી'રોટરી પાર્કિંગ' સીસ્ટમની શોધ કરતાં રાજકોટનાં યુવાનો

માત્ર ૬૭ વાર જગ્યામાં પ૪ બાઇક પાર્ક થઇ શકશેઃ મ્યુ. કોર્પોરેશનનાં સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડ સમક્ષ પ્રોજેકટનું પ્રેઝન્ટેશન કરતાં યુવા ઇજનેરો-કૃણાલ બોરીચા, ભાયા ખીમાણીઃ શહેરનાં મુખ્ય ચોકમાં ૧પ લાખની રોટરી પાર્કિંગ સીસ્ટમ અપનાવવાં તંત્રનો હકારાત્મક અભિગમઃ હેલ્મેટ લોકરની પણ સુવિધા

રાજકોટ તા. ર૩: શહેરમાં રસ્તાઓ પર વાહન પાર્કિંગની સમસ્યા વિરાળ બની છે. આ મુદ્દે અવાર નવાર તંત્ર અને નાગરિકો વચ્ચે ઘર્ષણો થાય છે ત્યારે આ વિકરાળ સમસ્યાનો સરળ ઉકેલ રાજકોટનાં બે યુવા ઇજનેરોએ શોધી અને નવી રોટરી પાર્કિંગ સીસ્ટમની શોધ કરી છે. જેનું પ્રેઝેન્ટેશન આજે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઇ કાનગડ સમક્ષ પ્રેઝેન્ટેશન કર્યું હતું.

બાઇક પાર્કિંગની સમસ્યા ઉકેલવા લક્ષ્ય ઓટોમેશન સેફ એન્ડ સિકયોર ઓટોમેશન દ્વારા હાલના ચિલાચાલુ પાર્કિંગમાં જેટલા બાઇક પાર્ક થઇ શકે તેનાથી ત્રણ ગણા વધુ બાઇક પાર્ક થઇ શકે તેવું રોટરી પાર્કિંગ સ્ટ્રકચર બનાવવામાં આવે છે. સામાન્ય રીતે ૧૮ર વાર જગ્યામાં પ૪ બાઇક પાર્ક થઇ શકે, જયારે આ નવી સિસ્ટમમાં ફકત ૬૭ વાર જગ્યામાં પ૪ બાઇક પાર્ક થઇ શકે તેવું સ્ટ્રકચર બનાવવામાં આવે છે. ર૪*ર૪ ફૂટના આ સ્ટ્રકચરમાં પ૪ બાઇક પાર્ક થઇ શકે છે. તેનું મેન્ટેનન્સ સાવ ઓછું આવે છે. જરૂરત પડયે તેમાં સી.સી.ટી.વી. કેમેરા મૂકી શકાય છે. અને ઉપરના ભાગે સિકયુરિટી રૂમની પણ વ્યવસ્થા થઇ શકે છે. સંપૂર્ણપણે ઇકોફ્રેન્ડલી સિસ્ટમ હોવાથી પર્યાવરણને કોઇપણ જાતની અસર કરતા નથી. ફકત ર૦ સેકંડમાં બાઇક લોડ અનલોડ થઇ શકતા હોવાથી સમયની ઘણી બચત થાય છે. આ સ્ટ્રકચર સ્થાયી સ્ટ્રકચર ન હોવાથી જયારે પણ જરૂર પડે ત્યારે એક સ્થળેથી બીજા સ્થળે સરળતાથી બે થી ત્રણ દિવસમાં ફેરવી શકાય છે. એરપોર્ટ, જાહેર સ્થળો, મોલ, સરકારી કચેરીઓ, શાળા-કોલેજ, હોસ્પિટલ વિગેરે સ્થળોએ સરળતાથી ઉભું કરી શકાય છે. ભારતમાં બાઇકની સંખ્યા અન્ય વાહનોની સરખામણીમાં ખુબ જ વધારે હોવાથી બાઇકના પાર્કિંગની સમસ્યાના નિવારણ માટે આ એક ખુબ જ ઉપયોગી અને પાર્કિંગ સિસ્ટમ છે. ભારતભરમાં આ સીસ્ટમ પ્રથમ વખત અમલમાં મૂકી છે.

રાજકોટનાં યુવા ઇજનેરો કૃણાલ બોરીચા અને ભાયા ખીમાણિયા એ આ નવી રોટરી પાર્કિંગ સીસ્ટમ અંગે વિસ્તૃત જાણકારી આપતાં જણાવેલ કે, હાલમાં અમદાવાદ તેમજ ચાઇનામાં આ સીસ્ટમ આ યુવાનોએ આપી છે ત્યારે રાજકોટમાં મ્યુ. કોર્પોરેશન દ્વારા માત્ર રૂ. ૧પ લાખનાં ખર્ચે બનતી આ રોટરી બાઇક પાર્કિંગ સીસ્ટમ મુકવા માટે તંત્ર પણ હકારાત્મક અભિગમ દર્શાવેલ છે.

આ અંગે શ્રી કાનગડે જણાવેલ કે ''આગામી દિવસોમાં આ રોટરી પાર્કિંગ સીસ્ટમ પ્રાયોગીક ધોરણે મુકવા માટે મેયર, મ્યુ. કમિશ્નર સહિતનાં અધિકારીઓ યોજનાં અમલમાં મુકવા ચર્ચા-વિચારણા કરશે.

(3:47 pm IST)