Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

બે મામાએ ભાણેજને ઘરે બોલાવ્યો, દારૂ પીવડાવી મોજ કરાવી, પછી ધોકાવી ભોં ટાંકામાં નાંખી દીધો!

બંને હાથ ભાંગી ગયા...બડબડીયા બોલવા માંડતા મગન મામાએ બહાર કાઢી લીધોઃ નરસિંહ નગરના સગર યુવાન કમલેશ લાખાણીની ભગીરથ સોસાયટીમાં મામાએ ધોલાઇ કર્યાની કોઇએ પત્નિને જાણ કરતાં હોસ્પિટલમાં પહોંચાડાયો : વર્ષો પહેલા કૌટુંબીક મામા જીણા અને મગન સાથે ઝઘડો થયો હોઇ તેનો ખાર ઉતારાયાનું કમલેશનું કથન

રાજકોટ તા. ૨૩: મામાનો પ્રેમ ભાણેજડાઓ માટે હમેંશા ઉભરાતો રહેતો હોય છે. પરંતુ એક કિસ્સામાં આરટીઓ પાછળ નરસિંહ નગરમાં રહેતાં સગર યુવાનને તેના બે કૌટુંબીક મામાએ પોતાની ઘરે ભગીરથ સોસાયટીમાં બોલાવી પહેલા દારૂ પીવડાવી મોજ કરાવ્યા પછી જુના મનદુઃખને કારણે પાવડાના હાથાથી માર મારી બંને હાથ ભાંગી નાંખી ફળીયાના ભોં ટાંકામાં નાંખી દીધો હતો!...બડબડીયા બોલવા માંડતા એક મામાને દયા આવતાં બહાર કાઢી લીધો હતો. દરમિયાન આ યુવાનના પત્નિ અને પુત્ર કોઇ મારફત જાણ થતાં આવી જતાં તાકીદે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો.

જાણવા મળ્યા મુજબ આરટીઓ પાછળ નરસિંહ નગરમાં રહેતો અને આઇશરના ફેરા કરી ગુજરાન ચલાવતો કમલેશ બાબુભાઇ લાખાણી (ઉ.૪૦) નામનો સગર યુવાન રાત્રે દસેક વાગ્યે સંત કબીર રોડ પર પંચશીલ સ્કુલ પાછળ ભગીરથ સોસાયટી જેરામ ચોકમાં પોતાના કૌટુંબીક મામા જીણાભાઇ ભગત-સગર અને મગનભાઇ સગરને ત્યાં હતો ત્યારે બંનેએ મળી પાવડાના હાથાથી બેફામ માર મારી બાદમાં પોતાના ઘરના ફળીયાના ભોં ટાંકામાં નાંખી દીધો હતો.

ધોકાના ઘાથી હાથ ભાંગી ગયા હોઇ કમલેશ જાતે ટાંકામાંથી બહાર નીકળી ન શકતાં અને બડબડીયા બોલવા માંડતા મગન મામાએ તેને ખેંચીને બહાર કાઢી લીધો હતો. ધમાલ મચી જતાં કમલેશના પરિચીત ભરવાડ યુવાને કમલેશના પત્નિ જયશ્રીબેનને બનાવની જાણ કરતાં તે પુત્ર અક્ષય સાથે ભગીરથ સોસાયટીમાં પહોંચ્યા હતાં અને પતિ કમલેશને હોસ્પિટલે ખસેડ્યા હતાં.

કમલેશને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. તેના કહેવા મુજબ રાતે પોતે આઇશરના સ્ટેન્ડ પર યાર્ડ પાસે હતો ત્યારે કૌટુંબીક મામાઓએ પોતાની ઘરે પીવા માટે બોલાવ્યો હતો. પોતે બાઇક લઇને ત્યાં ગયો હતો. મામાઓએ પહેલા પોતાને મોજથી પીવડાવ્યો હતો અને પછી અચાનક 'તે કેમ અમારી સાથે અગાઉ ઝઘડો થયો ત્યારે સીન કર્યા હતાં?' તેમ કહી ધોકાથી માર માર્યો હતો અને બાદમાં ભોં ટાંકામાં નાંખી દીધો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરતાં કમલેશનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. કમલેશે કહ્યું હતું કે વર્ષો પહેલા બંને મામા સાથે નજીવી વાતે ઝઘડો થયો હતો. એ બાબતનું મનદુઃખ રાખી ખાર ઉતારાયાો હતો. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:40 am IST)