Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

કમલ જયસ્વાલના આપઘાતની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાઇ

સટ્ટામાં મોટી રકમ ગુમાવ્યાની ચર્ચા અને સ્યુસાઇડ નોટ તેમજ ઓડિયો કલીપ વાયરલ થઇ હતીઃ જો કે હજુ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી

રાજકોટ તા. ૨૩: જામનગ રોડ પર કોપર સીટીમાં રહેતાં કમલ ઉર્ફ કાળુ જયસ્વાલ નામના યુવાને ગત તા. ૧૬ના રોજ આપઘાત કરી લીધો હતો. જે તે વખતે આ યુવાને તેના પત્નિના વિયોગમાં આ પગલું ભર્યાનું પરિવારજનોએ જણાવ્યું હતું. જો કે બાદમાં એક સ્યુસાઇડ નોટ મળી હતી અને આપઘાત પુર્વે આ યુવાને એક શખ્સ સાથે કરેલી વાતચીતની ઓડિયો કલીપ પણ વાયરલ થઇ હતી. સટ્ટામાં આ યુવાને મોટી રકમ ગુમાવતાં ધમકી મળ્યાની વાતો પણ વહેતી થઇ હતી. પરંતુ આ મામલે કોઇ સ્પષ્ટ કારણ આજ સુધી બહાર આવ્યું નથી. ત્યારે હવે આ બનાવની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવ્યાનું જાણવા મળ્યું છે. કમલ જયંતિભાઇ જયસ્વાલ (ઉ.૪૦)એ આપઘાત કર્યો એ દિવસે જ સોશિયલ મિડીયામાં તેની તસ્વીરો સાથે એવા મેસેજ વહેતા થયા હતાં કે તેણે એક બૂકીની ધમકીને લીધે આ પગલું ભરી લીધું છે. તેમજ બે-અઢી કરોડની રકમ કમલે સટ્ટામાં ગુમાવ્યાની વાતો પણ વહેતી થઇ હતી. પરંતુ પરિવારજનોએ પોતે આ બાબતે કંઇ જાણતા નહિ હોવાનું જે તે દિવસે કહ્યું હતું. બે દિવસ પછી એક સ્યુસાઇડ નોટ મળી હતી. તેમજ એક ઓડિયો કલીપ પણ વાયરલ થઇ હતી. ગાંધીગ્રામ પોલીસે એડી દાખલ કરી હતી. કમલએ ખરેખર કોઇના ત્રાસથી આપઘાત કર્યો કે કેમ? ત્રાસ હતો તો કોનો હતો? શું બાબતે ત્રાસ હતો? સહિતના સવાલો અણઉકેલ રહ્યા છે. દરમિયાન હવે ગાંધીગ્રામ પોલીસ પાસેથી આ તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવાનો હુકમ ઉચ્ચ અધિકારી મારફત થતાં આગામી દિવસોમાં કંઇક ધડાકા થાય તેવી શકયતા છે.

(4:30 pm IST)