Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

યાર્ડ મગફળીની પુષ્કળ આવકોથી છલોછલઃ આવકો બંધ કરાઇ

ચાલુ વર્ષે ખેડૂતોને મગફળી - કપાસના ભાવમાં સરકારનો નહિ પણ બજારનો ટેકો! : લેવાલીના અભાવે દૈનિક ૧૫ હજાર ગુણીનું જ વેચાણ : તમામ મગફળી વેચાય બાદ નવી આવકો શરૂ કરાશે

રાજકોટ તા. ૨૩ : સૌરાષ્ટ્રના મુખ્ય પાક ગણાતા મગફળીની પુષ્કળ આવકોથી યાર્ડ છલોછલ થઇ જતાં યાર્ડના સત્તાધીશોને મગફળીની આવકો ફરજીયાત બંધ કરવી પડી છે.

રાજકોટ યાર્ડમાં ગઇકાલ સહિત બે દિવસમાં ૭૦ હજાર ગુણી (અંદાજે ૧.૨૨ લાખ મણ) મગફળીની આવકો થઇ હતી. યાર્ડમાં આજે મગફળી જાડી એક મણના ૬૮૦થી ૯૩૦ રૂપિયા રહ્યા હતા જ્યારે મગફળી જીણી ૮૫૦ થી ૯૫૦ રહ્યા હતા. તેવી જ રીતે કપાસ બીટી એક મણના ભાવ ૧૧૨૫થી ૧૨૨૫ રહ્યા હતા.

યાર્ડના સેક્રેટરી તેજાણીના જણાવ્યા મુજબ માર્કેટયાર્ડમાં છેલ્લા બે દિવસમાં મગફળીની ૭૦ હજાર ગુણીની આવકો થતાં આજથી યાર્ડમાં મગફળીની આવકો બંધ કરાઇ છે. યાર્ડમાં દૈનિક ૧૫ હજાર ગુણીનું વેચાણ થાય છે. લેવાલીના અભાવે મગફળીના જથ્થાનું પૂરતા પ્રમાણમાં વેચાણ થતાં ન હોય ફરજીયાત આવકો બંધ કરવી પડી છે. પડતર પડેલ મગફળીના તમામ જથ્થાનું વેચાણ થયા બાદ નવી આવકો શરૂ કરવા દેવામાં આવશે.

દરમિયાન ગત વર્ષે ખેડૂતોને કપાસ અને મગફળીના પૂરતા ભાવો ન મળતા ભારે ઉહાપોહ મચી ગયો હતો. સરકારે મગફળી એક મણનો ૯૦૦ રૂપિયાના ભાવે ભાવબાંધણુ કરી મગફળી ખરીદ કરી હતી. જોકે ચાલુ વર્ષે ખેડૂતોને સરકારનો નહિ પણ બજારનો ટેકો મળી રહ્યો છે. ખેડૂતોને મગફળી એક મણના ભાવ ૯૫૦ થી ૯૭૫ સુધી મળી રહ્યા છે. જ્યારે કપાસના ભાવ ૧૧૦૦થી ૧૨૦૦ રૂપિયા મળી રહ્યા છે.

મગફળીની પુષ્કળ આવકના પગલે સીંગતેલના ભાવમાં કડાકો બોલવો જોઇએ તે નથી થયો. સીંગતેલમાં સટોડિયાઓની  મજબૂત પકડ હોવાની વેપારી વર્તુળોમાં ચર્ચા થઇ રહી છે.

(4:19 pm IST)