Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

ખાટરિયા વખતની કારોબારીના વિવાદનો અંતઃ વિપક્ષી નેતાએ અરજી પાછી ખેચી !

ર૧ જુલાઇના નિર્ણયોના અમલનો માર્ગ ખૂલ્લોઃ 'સુખદ' સમાધાન

રાજકોટ તા. ર૩ : જિલ્લા પંચાયતમાં અર્જુન ખાટરિયા કારોબારી ચેરમેન હતા તે વખતે ર૧ જુલાઇએ મળેલી કારોબારી સમિતિની બેઠકના ઠરાવોના અમલ સામે વિપક્ષી ભાજપના નેતા ધ્રુપદબા કુલદીપસિંહ જાડેજાએ હાઇકોર્ટની ડબલ બેંચમાંથી સ્ટે. મેળવેલ. આજે સુનાવણી વખતે તેમણે પોતાની અરજી પાછી ખેંચી લેતા કારોબારીમાં મંજુર થયેલ બિનખેતીના પ૯ કેસ સહિતના નિર્ણયોના અમલનો માર્ગ મોકળો થયો છે. પંચાયતના અટકેલા વિકાસ કામો ફરીથી ચાલુ કરાવવાના સત્તાવાર કારણથી સમાધાન થઇ ગયું છે. સમાધાનમાં બિનખેતીના અમૂક અરજદારોએ ભૂમિકા ભજવ્યાનું ચર્ચાઇ રહ્યું છે. બે જુથો વચ્ચે ચોક્કસ મુદ્દે મેળ થઇ જતા કારોબારીના વિવાદનો અંત આવ્યો છે. જિલ્લા પંચાયતમાં શરૂ થયેલા સમાધાનકારી વલણને રાજકીય વર્તુળો સૂચક માની રહ્યા છે.

જે તે વખતે કારોબારી બેઠક સામે આગલી રાત્રે વિકાસ કમિશનરે સ્ટે. આપતા અર્જુન ખાટરિયાએ બીજા દિવસે સવારે હાઇકોર્ટમાં દોડી જઇ સ્ટે.રદ કરાવેલ અને બપોર બાદ તાબડતોબ કારોબારી બેઠક યોજી હતી. તેની સામે ભાજપે હાઇકોર્ટમાં અરજી કરી નિર્ણયોનો અમલ રોકવા માંગણી કરેલ હાઇકોર્ટ તે માંગણી ફગાવી દેતા ધ્રુપદબા જાડેજાએ હાઇકોર્ટની ડબલ બેંચમાં અરજી કરી સ્ટે. મેળવેલ. તેની આજે મુદત હતી. સુનાવણીના સમયે અરજદારે પોતાની અરજી પાછી ખેચી લેતા કેસ પૂરો થઇ ગયો છે.

હવે વહીવટી તંત્ર તે વખતની કારોબારીના ઠરાવના અમલ તરફ આગળ વધશે. કાનૂની વિવાદનો અંત આવતા સબંધિત સૌએ રાહત અનુભવી છે.

(4:18 pm IST)