Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

હૈદ્રાબાદ-તેલંગણામાં યુવા ભાજપનું રાષ્ટ્રીય અધિવેશન

પ્રદેશ ભાજપ મહામંત્રી ડો. નેહલ શુકલની આગેવાનોમાં સ્પેશ્યલ ટ્રેન દ્વારા યુવા ભાજપના કાર્યકર્તાઓ પ્રસ્થાન કરશે

રાજકોટ તા. ર૩: આગામી તારીખ ર૬ ઓકટોબરથી ર૮ ઓકટોબર તેલંગણા-હૈદ્રાબાદ ખાતે સમગ્ર ભારતનું ભારતીય જનતા યુવા મોરચાનું રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. અધિવેશનમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમીતભાઇ શાહ ખાસ ઉપસ્થિત રહેવાનાં છે. યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમતી પૂનમ મહાજનના માર્ગદર્શન નીચે પુરજોશથી યુવા મોરચાની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

ગુજરાતમાંથી યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો. ઋત્વીજ પટેલ તેમજ મહામંત્રી ડો. નેહલ શુકલ, પિંકલ ભાટીયાની આગેવાનીમાં ર સ્પેશીયલ ટ્રેન દ્વારા ભાજપના કાર્યકરો ભાગ લેવા માટે જનાર છે. ત્યારે તા. રપ ગુરૂવારના ડો. નેહલ શુકલ, વિજય ભગતની આગેવાની નીચે સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લા, રાજકોટ શહેર, મોરબી, અમરેલી, જામનગર, જૂનાગઢ, દ્વારકા, પોરબંદર, ગીર-સોમનાથના પ્રમુખશ્રીઓ અનુક્રમે પ્રશાંત કોરાટ, પ્રદીપ ડવ, રવિ સનાડવા, આનંદ ભટ્ટ, સુરેશ વસરા, મનીષ કટારીયા, ચિરાગ રાજાણી, ચેતન ગજેરા, પરબત ભાદરકા, અજય બાપોદરા, વિશાલ વોરા અને મૃગેશ રાઠોડ તેમના કાર્યકરોની ટીમ સાથે જોડાશે તેમજ અમદાવાદ ખાતેથી ત્યાંના કાર્યકરોની ટીમ જોડાશે.

બીજી ટ્રેનમાં દ. ગુજરાત, વડોદરા અને સુરતના યુવા મોરચાના આગેવાનો અને કાર્યકરો નીકળવાના છે. તા. રપમી સવારે રેલ્વે સ્ટેશન ખાતેથી યુવા મોરચાના સમગ્ર સૌરાષ્ટ્રના કાર્યકરોને વિદાય આપવા રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા, મ્યુની. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, શ્રીમતી અંજલીબેન રૂપાણી, સુરેન્દ્રનગરના પ્રભારી નિતીનભાઇ ભારદ્વાજ, રાજકોટ શહેર જિલ્લા ભાજપના પ્રમુખ ડી. કે. સખીયા અને કમલેશભાઇ મિરાણી, રાજકોટ શહેરના ધારાસભ્ય સર્વશ્રી ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી તેમજ લાખાભાઇ સાગઠીયા અને ભાનુબેન બાબરીયા ઉપસ્થિત રહેશે.

(3:26 pm IST)