Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

જંકશનરેલ્વે સ્ટેશનમાં મુખ્ય ટિકીટ કાર્યાલયમાં છતનું મોટુ પોપડુ પડ્યું: હેડ ટિકીટ ચેકર ઘવાયા

દોઢ બે વર્ષ પહેલા જ આ કાર્યાલયનું બાંધકામ થયું છેઃ બીજા એક હેડ ટીસીને પણ નજીવી ઇજા

તસ્વીમાં જ્યાંથી મોટુ પોપડુ પડ્યું એ છત, ટેબલ ખુરશી પર પોપડાનો કાટમાળ અને ઘાયલ થયેલા હેડ ટીસી જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૩: જંકશનના રેલ્વે સ્ટેશનમાં આવેલા મુખ્ય ટિકીટ કાર્યાલયમાં આજે બપોરે અચાનક છતમાંથી મોટુ પોપડુ તૂટી પડતાં આ ઓફિસમાં બેઠેલા હેડ ટિકીટ ચેકરને માથામાં ઇજા થતાં લોહીલુહાણ થઇ ગયા હતાં. બીજા એક હેડ ટીસીને પણ નજીવી ઇજા થઇ હતી. આ બનાવથી નાશભાગ મચી ગઇ હતી અને રેલ કર્મચારીઓમાં ભય ફેલાઇ ગયો હતો. હજુ દોઢેક વર્ષ પહેલા જ આ કાર્યાલયનું બાંધકામ કરવામાં આવ્યું હોવાનું રેલ્વે વર્તુળો દ્વારા જાણવા મળ્યું છે. ત્યારે અચાનક છતમાંથી મસમોટુ પોપડુ તૂટી પડતાં કર્મચારીઓમાં બાંધકામમાં પોલમપોલ થયાની ચર્ચાઓ શરૂ થઇ ગઇ હતી.

જાણવા મળ્યા મુજબ દેહરાદૂનના વતની અને હેડ ટિકીટ ચેકર તરીકે ફરજ બજાવતાં ધનંજય ચતુર્વેદી આજે બપોરે રેલ્વે સ્ટેશનના પ્રધાન ટિકીટ કાર્યાલયમાં પોતાના ટેબલ પર બેઠા હતાં ત્યારે અચાનક છતમાંથી મોટુ પોપડુ તૂટી પડતાં તેમને માથામાં ઇજા થતાં લોહી નીકળવા માંડ્યા હતાં. બીજા એક હેડટીસી રાનાને પણ સામાન્ય ઇજા થયાનું જાણવા મળે છે. ઘાયલ ટીસી શ્રી ચતુર્વૈદીને તાકીદે સારવાર અપાવાઇ હતી. તેમજ સીટી સ્કાન માટે લઇ જવામાં આવ્યા હતાં.

રેલ્વે વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ જ્યાં આ ઘટના બની એ કાર્યાલયનું બાંધકામ દોઢેક વર્ષ પહેલા જ થયું છે. નવા જ ગણી શકાય એવા બાંધકામમાં આવડુ મોટુ પોપડુ તૂટી પડતાં કર્મચારીઓમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ મુખ્ય ટિકીટ કાર્યાલય ખાતે દોડી ગયા હતાં. બનાવને પગલે બીજા રેલ કર્મચારીઓ અને મુસાફરો પણ દોડી આવ્યા હતાં.

(3:21 pm IST)