Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

અછત ભલે હોય, અસરગ્રસ્‍તો માટે વરસવામાં સરકાર કચાશ નહિ રાખેઃ મુખ્‍યમંત્રીનું વચન

પાણી, ઘાસ માટે પુરતુ આયોજનઃ રૂપાણીની અકિલા સાથે વાતચીત : ૩૧ ઓકટોબર સુધીમાં અછતનો અહેવાલ કેન્‍દ્રમાં મોકલાશે

રાજકોટ તા.૨૩: મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજયના અછતગ્રસ્‍ત વિસ્‍તારોને ચિંતા નહિ કરવા હૈયાધારણા આપી છે. તેમણે સરકાર દ્વારા પાણી, ઘાસ સહિત સઘળી વ્‍યવસ્‍થા કરવાનું વચન આપ્‍યું છે.

મુખ્‍યમંત્રી શ્રી રૂપાણીએ ‘અકિલા' સાથેની વાતચીતમાં જણાવેલ કે રાાજય સરકારે ૫૧ તાલુકા અછતગ્રસ્‍ત જાહેર કર્યા છે તેને પાણી, ઘાસ, રોજગારી સહિત મળવાપાત્ર તમામ સરકારી લાભ અપાશે. ૩૧ ઓકટોબર સુધીમાં રાજય સરકારે અછતનો પ્‍લાન કેન્‍દ્ર સરકારમાં રજુ કરવાનો હોય છે. તે કરી દઇશું, અછતની પરિસ્‍થિતિને સરકાર પહોંચી વળશે લોકોએ ચિંતા કરવાની કોઇ જરૂરી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની અધ્‍યક્ષતામાં અછત અંગે લેવાયેલ નિર્ણય જાહેર કરતા ગઇકાલે  નાયબ મુખ્‍યમંત્રી શ્રી નીતિન પટેલે જણાવેલ કે રાજયમાં આ વર્ષે ૨૫૦ મી.મી. થી ઓછો વરસાદ થયો હોય અને ભારત સરકારના અન્‍ય ધારાધોરણોમાં સમાવિષ્‍ટ થઇ શકે તેવા ૫૧ તાલુકાઓને અછતગ્રસ્‍ત જાહેર કરવાનો નિર્ણય કરાયો છે. આ તાલુકા અછતગ્રસ્‍ત જાહેર થતાં આ તાલુકાના ગામોમાં ખેડૂતોએ જે વાવેતર કર્યું હોય અને જે ખર્ચ થયું હોય તેમાં ભારત સરકારના ધારાધોરણ મુજબ હેકટર દીઠ રૂા. ૬૮૦૦ સહાય આપવાનો નિર્ણય કર્યો છે. અને વધુમાં વધુ આ સહાય ર હેકટર સુધી ચુકવવામાં આવશે.

તેમણે ઉમેર્યું કે, આ અછતગ્રસ્‍ત તાલુકાઓમાં પશુપાલકોને પણ ઓછા વરસાદને કારણે ઘાસચારો મેળવવામાં મુશ્‍કેલી પડતી હોય છે અને પશુ સાચવવાનું મોંઘુ પડતું હોય છે તેથી આવા અબોલ પશુઓને સાચવવા અને પશુપાલકોને મદદરૂપ થવા જયા જયા ઢોરવાડા ઉભા કરવામાં આવશે તથા પાંજરાપોળ અને ગોૈશાળામાં જે પશુઓ રાખવામાં આવે છે તેમને સાચવવામા઼ મદદરૂપ થવા માટે ગુજરાત સરકાર દ્વારા પશુદીઠ રૂા. ૨૫ ની મદદ કરવામાં આવે છે તેમાં વધારો કરીને જયારે મોટા પ્રમાણમાં પશુઓને ઢોરવાડામાં મુકવામાાં આવે ત્‍યારે તેના સંચાલકોની માંગ આવ્‍યેથી બે મહિના માટે મોટા પશુદીઠ રૂા. ૭૦ની સહાય આપવામાં આવશે. જેના કારણે જે બે મહિના મોટા પ્રમાણમાં આ સંસ્‍થાઓ પશુઓને સાચવશે ત્‍યારે તેમને રૂા. ૭૦ની સહાય મળવાને કારણે તેમનું ભારણ ઘટશે. આ બે મહિના સિવાયના બાકીના સમયમાં હાલ જે રીતે પશુદીઠ રૂા. રપ ની સહાય આપવામાં આવે છે એ યથાવત ચાલુ રહેશે. અત્‍યારે જે પશુપાલકો પોતાના ઘરે ગાય-ભેંસ જેવા પશુઓ રાખે છે તેમને ર રૂપિયા કિલોના ભાવે જે ઘાસ આપવામાં આવે છે તે પ્રમાણે હવે આ અછતગ્રસ્‍ત જાહેર કરેલા ૫૧ તાલુકાઓમાં પણ પશુદીઠ રૂા. ર કિલોના ભાવે ઘાસ અપાશે. આ અછત રાહતનો અમલ તા. ૧-૧૨-૨૦૧૮થી કરવામાં આવશે. આ માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો, પશુપાલકો માટે રૂા. ૩૦૦૦ કરોડથી વધુ રકમનો ખર્ચ કરવામાં આવશે.

(1:12 pm IST)