Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

PDU હોસ્‍પિટલ કેમ્‍પસમાં ૫૦ લાખના ખર્ચે સખી-વન સ્‍ટોપ સેન્‍ટર શરૂ : ૫ સેલ્‍ટર રૂમ -પેન્‍ટ્રી સહિતની સુવિધાઓ ઉપલબ્‍ધ

ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીના હસ્‍તે લોકાર્પણ : ૮ બહેનો ૫ દિવસ હંગામી નિવાસ મેળવી શકશે

પીડીયુ હોસ્‍પિટલ કેમ્‍પસમાં સખી વન સ્‍ટોપ સેન્‍ટરનું લોકાર્પણ કરતા ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી, બાજુમાં મેયર પ્રદિપ ડવ, સાંસદ રામભાઇ મોકરીયા તથા બહેનો સાથે વાર્તાલાપ કરતા ગૃહમંત્રી નજરે પડે છે.
રાજકોટ, તા. ૨૩ :મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત હિંસાથી પીડિત મહિલાઓને મદદરૂપ બનવા માટે અંદાજિત રૂ. ૫૦ લાખના ખર્ચે અદ્યતન સુવિધાયુક્‍ત ‘સખી'-વન સ્‍ટોપ સેન્‍ટર,રાજકોટના પી.ડી.યુ. હોસ્‍પિટલના કેમ્‍પસ ખાતે નવનિર્મિત બિલ્‍ડીંગનું લોકાર્પણ ગૃહ મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.
ગૃહ મંત્રીશ્રી હર્ષભાઈ સંધવી, સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા અને શ્રી રામભાઈ મોકરીયા, મેયરશ્રી પ્રદિપભાઈ ડવ, ધારાસભ્‍યશ્રી ગોવિંદભાઈ પટેલ, અગ્રણીશ્રી કમલેશભાઈ મીરાણી, કલેક્‍ટરશ્રી અરુણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, પ્રાદેશિક કમિશ્નરશ્રી નગરપાલીકા ધિમંતભાઇ વ્‍યાસ તથા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી જનકસિંહ ગોહિલ સહિતના ઉપસ્‍થિત મહાનુભાવોએ ‘સખી'-વન સ્‍ટોપ સેન્‍ટરના નવનિર્મિત બિલ્‍ડીંગની મુલાકાત લીધી હતી અને ઉપલબ્‍ધ સુવિધાઓનું જાત નિરીક્ષણ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, સખી વન સ્‍ટોપ સેન્‍ટરની શરૂઆત ૨૦૧૭ માં કરવામાં આવી છે, ત્‍યાર થી લઈને આજદિન સુધીમાં ૨૨૬૩ જેટલા કેસનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્‍યો છે. રાજકોટ સિવિલ હોસ્‍પિટલ ખાતે આ સેન્‍ટર પોસ્‍ટમોર્ટમ રૂમની બાજુમાં કાર્યરત હતું. પરંતુ હવે સંસ્‍થાને આંખોના વિભાગની બાજુમાં પોતાનું સ્‍વતંત્ર બિલ્‍ડીંગ સોંપવામાં આવ્‍યું છે. આ સેન્‍ટર આશરે રૂ.૫૦ લાખના ખર્ચે ૩૦૦ સ્‍ક્‍વેર મીટરમાં તૈયાર કરવામાં આવ્‍યું છે. સખી વન સ્‍ટોપ સેન્‍ટરમાં ૫ સેલ્‍ટર રૂમ, કાઉન્‍સિલિંગ રૂમ,ઓફિસ તથા સ્‍ટાફ રૂમ વોશરૂમ, પેન્‍ટ્રી સહિતની ઘર જેવી તમામ સુવિધાઓ ઉપલબ્‍ધ છે. મહિલાઓની સુરક્ષાને ધ્‍યાને રાખીને સીસીટીવી કેમેરાથી આ સેન્‍ટર સુસજ્જ કરવામાં આવ્‍યું છે. અહીં સાત થી આઠ બહેનો ૫ દિવસ સુધી હંગામી નિવાસ મેળવી શકે તેવી રહેવાની વ્‍યવસ્‍થા છે.આ તકે મંત્રીશ્રી હર્ષ સંધવીએ ઉપસ્‍થિત કાઉન્‍સીલર બહેનો સાથે ચર્ચા કરી કામગીરી અંગે વિગતો મેળવી  હતી.

 

(3:53 pm IST)