Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

સમસ્‍ત નાગર જ્ઞાતિજનો માટે નવરાત્રિમાં માતાજીનું સ્‍થાપન

આજ ગગનથી ચંદન ઢોળાય રે સહિયર મને આસોના ભણકારા થાય...:હાટકેશ્વર પાટોત્‍સવ સમિતિ તથા શ્રી અનંતજી વડનગરા નાગર બોર્ડિંગ હાઉસ ટ્રસ્‍ટ દ્વારા નવરાત્રિ મહોત્‍સવનું અવિરત આયોજનઃ સોમવારે વરણાંગી- શોભાયાત્રાઃ દરરોજ સવાર- સાંજ મહાઆરતીઃ જ્ઞાતિજનોને દર્શનનો લાભ લેવા અનુરોધ

રાજકોટઃ શ્રી હાટકેશ્વર પાટોત્‍સવ સમિતિ તથા શ્રી અનંતજી વડનગરા નાગર બોર્ડિંગ હાઉસ ટ્રસ્‍ટના સંયુકત ઉપક્રમે સમસ્‍ત નાગર જ્ઞાતિજનો માટે સતત ૧૯માં વર્ષે હોબી સેન્‍ટર ખાતે નવરાત્રિમાં એક અલૌકિક વાતાવરણમાં માતાજીના સ્‍થાપનનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. આ વર્ષે આ નવરાત્રિમાં માં ના ચરણોમાં અલૌકિક દર્શનનો લાભ તમામ જ્ઞાતિજનો લઈ શકે તે હેતુથી ડો.હેમાંગભાઈ વસાવડા, જે.ટી.બક્ષી, મનહરભાઈ વૈષ્‍ણવના માર્ગદર્શન હેઠળ ૫૦થી વધુ જ્ઞાતિજનોની વિવિધ કમિટિ બનાવી અને કામ કરી રહી છે. જેના કારણે દરેક જ્ઞાતિજનોને દર્શન- આરતી- પ્રસાદનો લાભ લઈ શકશે.

સમગ્ર નાગર જ્ઞાતિજનોના સાથ સહકારથી આ ભવ્‍ય નવરાત્રિ મહોત્‍સવનું દરવર્ષની માફક આ વર્ષે પણ નવરાત્રિનું સ્‍થાપન હોબી સેન્‍ટર, એરપોર્ટ ફાટક પાસે ખાતે કરવામાં આવેલ છે. દરવર્ષની જેમ આ વર્ષે પણ પરંપરા મુજબમાં જગદંબાની વરણાગી- શોભાયાત્રા તા.૨૬ સોમવારે સવારે ૮ કલાકે શ્રી સુ.વ.શ્રી વંદનાબેન વિરેન્‍દ્રભાઈ બુચના નિવાસસ્‍થાન ‘શકિત' એરપોર્ટ રોડ પાસેથી પ્રસ્‍થાન કરી હોબી સેન્‍ટર જવા રવાના થશે.

શ્રી ભરતભાઈ આચાર્યના આચાર્ય પદે નવલા નોરતાના વધામણાં, પૂજા- અર્ચના, રાસગરબા હર્ષોલ્લાસથી ઉજવવામાં આવશે. માં જગદંબાની ગરિમા, સ્‍થાપનની મર્યાદા જળવાઈ રહે તે હેતુ સબબ પૂજાનાર્થે, આરતી અર્થે કે દર્શનાર્થે સ્‍થાપન પાસે સ્‍ટેજ ઉપર આવનાર જ્ઞાતિજનો પૈકી ભાઈઓએ મુગ્‍ટા- અબોટિયું કે ધોતી તથા બહેનોએ સાડી પરિધાન કરવું ફરજિયાત છે. તેમ યાદીમાં જણાવાયું છે.

દીપમાળા- આરતી- પ્રસાદી તથા હવન યજમાન માટે શ્રી મનહરભાઈ વૈષ્‍ણવ (મો.૯૮૨૫૨ ૮૦૧૪૭) ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

તસ્‍વીરમાં મનહરભાઈ વૈશ્‍ણવ, જે.ટી. બક્ષી, નૈષધભાઈ ધોળકીયા, જગદીશભાઈ બુચ, શીરીષભાઈ કચ્‍છી, અભયભાઈ અંજારીયા, ઓજશભાઈ માંકડ, વિપુલભાઈ પટેલ, અશોકભાઈ માંકડ, જયદીપભાઈ વસાવડા નજરે પડે છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:34 pm IST)