Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

જમીન ધોવાણમાં 'વળતર'ની કોઇ જોગવાઇ નથી : અરૂણ મહેશબાબુ

આવી રજૂઆતો ગોંડલ - ધોરાજી - લોધીકા ક્ષેત્રમાંથી આવી છે : આ બાબતે રાજ્ય સરકારને સૂચનો કરાયા છે : લોધીકા માટે રાજ્ય સરકાર અલગથી પેકેજ જાહેર કરશે : લેન્ડને - પાકને કેટલુ નુકસાન તે અંગે હવે ફાઇનલ આંકડો હવે આવશે

રાજકોટ તા. ૨૩ : રાજકોટ જિલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશ બાબુએ આજે પત્રકારોને ભારે વરસાદ - પૂરને કારણે જિલ્લામાં થયેલ નુકસાન, ઘરવખરી, કેશડોલ્સ, પાકને નુકસાન અંગે વિગતો આપી હતી.

તેમણે જણાવેલ કે, લોધીકા ક્ષેત્ર માટે અમે ૧૦ કરોડની ગ્રાન્ટ માંગી છે, પરંતુ રાજ્ય સરકાર આ બાબતે અલગથી રાહત પેકેજ જાહેર કરવા જઇ રહી છે, આ બાબતે ટુંકમાં જાહેરાત થશે.

કલેકટરે ઉમેર્યું હતું કે, જિલ્લાના કુલ ૧૦૮ ગામોમાં રાહત પેકેજ, પાકને નુકસાન, ઘરવખરી સહાય, મકાનો પડી ગયા હોય, ઝુંપડા તણાયા હોય એ તથા કેશ ડોલ્સ સહાયની ચૂકવણી હવે નવા જી.આર. પ્રમાણે કરાશે.

જમીન ધોવાણ અંગે કલેકટરે સાફસાફ ઉમેર્યું હતું કે, જમીન ધોવાણ અંગે વળતરની કોઇ જોગવાઇ નથી, આથી આમ છતાં સરકારમાં અમે સૂચનો મોકલ્યા છે, જેમાં ઇરીગેશન, રેવન્યુ અને પંચાયત એમ ત્રણેયની સંયુકત ટીમો દ્વારા સર્વે કરાવી જમીન ધોવાણ અંગે વિગતો મેળવી શકાય છે. કલેકટરે જણાવેલ કે, જમીનો ધોવાણ અંગે અમને ગોંડલ, જેતપુર, લોધીકા પંથકમાંથી લોકોની રજૂઆતો મળી છે, પરંતુ હાલ તેમાં વળતર અંગે કોઇ જોગવાઇ ન હોય, સરકારની ગાઇડલાઇન મુજબ કાર્યવાહી કરાશે. પાકને કેટલું નુકસાન તે અંગે સર્વે પૂરો થયા બાદ ફાઇનલ આંકડો - વિગતો જાણી શકાશે તેમ તેમણે ઉમેર્યું હતું.

(3:36 pm IST)