Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

રાજકોટ શહેર - જીલ્લાની સસ્તા અનાજની દુકાનોમાં ૩ દિ'થી સર્વરના ધાંધીયા : માલનું વિતરણ ઠપ્પ : દુકાનદારો અકળાયા : એકીસાથે ગમે ત્યારે રાજીનામા ફગાવશે

દુકાનદારો અને કાર્ડ હોલ્ડરો વચ્ચે અનેક સ્થળે ઘર્ષણના બનાવો : પુરવઠા નિગમના ગોડાઉનમાંથી સમયસર માલ નહિં મળતો હોવાની પણ ફરીયાદો

રાજકોટ શહેર - જીલ્લામાં સસ્તા અનાજની દુકાનો ઉપર ૩ દિવસથી ઓનલાઇન અપાતા અનાજના પુરવઠાના સર્વરમાં ભારે ધાંધીયા સર્જાતા તેમજ સર્વર સંપૂર્ણ ઠપ્પ અથવા તો ધીમુ ચાલતુ હોય દુકાનો ઉપરથી હાલ એનએફએસએના કાર્ડ હોલ્ડરોને પુરવઠો નહિં મળતા ભારે દેકારો મચી ગયો છે.

આ સ્થિતિને કારણે અનેક દુકાનો ઉપર દુકાનો અને ગ્રાહકો વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયા છે અને તેના પરિણામે દુકાનદારો પણ અકળાઈ ઉઠ્યા હોવાનું અને એકીસાથે રાજીનામા ફગાવી રહ્યાનું બહાર આવ્યુ છે. દરમિયાન આ બાબતે રાજકોટ ફેર પ્રાઈઝ એસોસીએશનના અગ્રણી માવજીભાઇ રાખસીયાએ અકિલાને જણાવ્યુ હતું કે અમે હવે કંટાળી ગયા છે. પુરવઠાના ધાંધીયા રાજકોટ પુરવઠા તંત્ર અને સરકાર દૂર કરતી નથી અનેક વખત રજૂઆતો કરી છે અને સર્વરના ધાંધીયા હોય ત્યારે ઓફલાઈન માંગ વિતરણ મંજૂરી અપાતી નથી. દરમિયાન કાર્ડ હોલ્ડરો અમારી સાથે તડાપીટ બોલાવે છે. સર્વર ધીમુ ચાલતુ હોય કે બંધ રહેવાનુ હોય બે દિવસ અગાઉથી જાણ કરવામાં આવે તો અમે કાર્ડ હોલ્ડરોને પણ જણાવી શકીએ. આ બાબતે રાજકોટ જીલ્લા પુરવઠા અધિકારીને કાલે અથવા તો એક થી બે દિવસમાં વિસ્તૃત રજૂઆતો કરાશે. જો નિવેડો નહિં આવે તો આંદોલન છેડાશે. હાલ તો તમામ દુકાનો ચાલુ હોવાનું તેમણે ઉમેર્યુ હતું. શ્રી રાખસીયાએ જણાવેલ કે સર્વર ઉપરાંત પુરવઠા નિગમના ગોડાઉનમાંથી સમયસર માલ પણ અપાતો નથી. ત્યાં પણ ધાંધીયા પ્રવર્તમાન છે. સરકાર બંને પ્રશ્નો અંગે ૨૪ કલાકમાં નિવેડો લાવે તે જરૂરી બની ગયુ છે. 

(3:35 pm IST)