Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

કયા પક્ષને જાહેર સભા કે રેલીની મંજુરી અપાઇ? કોને ન અપાઇ ?

કોંગ્રેસ અગ્રણી મહેશ રાજપુતે માહીતી અધિકાર હેઠળ વિગતો માંગી : પોલીસ તંત્રએ ઇન્કાર કરતા હવે અપીલમાં જશે : હાઇકોર્ટ સુધી લડવાની તૈયારી

રાજકોટ તા. ૨૩ : કોંગ્રેસ અગ્રણી મહેશ રાજપૂતે માહીતી અધિકાર હેઠળ કયા પક્ષને જાહેર સભા કે રેલી માટે મંજુરી આપી અને કોને ન આપી તેની વિગતો પોલીસ તંત્ર પાસે માંગી હતી. પરંતુ પોલીસ તંત્રએ આવી વિગતો આપવા ઇન્કાર કરી દીધાનું તેઓએ એક યાદીમાં જણાવેલ છે.

તેઓએ આક્રોશભેર જણાવેલ છે કે રાષ્ટ્ર હિતને નુકશાન પહોંચતુ હોય તેવી માહીતી ન આપવામાં આવે તો વ્યાજબી ગણાય. પરંતુ જગજાહેર વિગતો છુપાવવા આવે તે કોઇ કાળે ચલાવી ન લેવાય. અમે પોલીસ પાસે રાજકોટમાં છેલ્લા ૩ વર્ષમાં કયા રાજકીય પક્ષને જાહેર સભા કે રેલીની મંજુરી આપી અને કોને આવી મંજુરી ન આપી તેની વિગતો માંગી હતી. પરંતુ આવી વિગતો આપવા ઇન્કાર કરવામાં આવ્યો છે. શું આવી વિગતો આપવામાં પણ વ્હાલા દવલાની નીતિ ચલાવવાની?

અમે ચુપ બેસી નહીં રહીએ. આ મુદ્દે હાયર ઓથોરીટી પાસે જઇશુ. જરૂર પડયે હાઇકોર્ટના દ્વાર પણ ખખડાવીશું તેમ યાદીના અંતમાં મહેશ રાજપૂત (મો.૯૮૨૪૪ ૦૮૦૦૪)એ જણાવ્યુ છે. 

(3:00 pm IST)