Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

કાલાવડ રોડ રવિ પાર્કમાં પુર્વ પ્રેમિકાની ગોળી મારી હત્યા કરવાના ગુનામાં આરોપીની જામીન અરજી નામંજુર

રાજકોટ તા. ર૩: ઘરમાં ઘુસી ગોળી મારી પુર્વ પ્રેમીકાની હત્યા કરવાના ગુન્હામાં હથીયાર આપનાર આરોપીની જામીન અરજી રદ કરવાનો સેસન્સ કોર્ટે હુકમ કર્યો હતો.

ગઇ તા. ર૭-૭-ર૧ના રોજ કાલાવડ રોડ ઉપર આવેલ રવિ પાર્ક બ્લોક નં. ૧૧૯/ર માં ઘરમાં ઘુસી ગોળી મારી પુર્વ પ્રેમીકાની હત્યા નિપજાવનાર આરોપી આકાશ રામાનુજ મૌર્ય તથા તેને હથીયાર તમંચો, આપનાર આરોપી વિશાલ રજીત ગૌડ કહાર બન્ને રહે. ગોરખપુર ઉત્તર પ્રદેશ વાળાને પોલીસે પકડી જેલ હવાલે કરેલ.

જેલમાંથી આરોપી વિશાલ રજીત ગૌડ કહાર એ જામીન ઉપર છુટવા સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા હાજર રહી જામીન અરજીનો વિરોધ કરતા રજુઆત કરેલ કે આરોપી સામે હત્યાનો ગંભીર કેસ છે.

આરોપી આવા ગેર કાયદેસરના હથીયારો રાખી સમાજને નુકશાન પહોંચાડે છે અને જો તેને જામીન આપવામાં આવશે તો ફરી આવા ગુન્હા કરશે અને લોકોના જીવ જોખમમાં મુકશે આવા આરોપીની જામીન અરજી રદ કરવા રજુઆત કરેલ તે રજુઆતને ધ્યાને લઇ સેસન્સ જજ શ્રી યુ. ડી. દેશાઇ એ જામીન અરજી રદ કરેલ છે.

આ કામમાં સરકાર તરફે એ.પી.પી. મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા. 

(2:55 pm IST)