Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

નવાગામમાં ૧૧ વર્ષના સંદિપસિંગની ઝાડવે લટકતી લાશ મળીઃ પિતાએ શંકા દર્શાવી

મુળ યુપીના વિજયસિંગ ઠાકુરે કહ્યું-દિકરો જાતે આવું ન કરી શકેઃ પોલીસની પ્રાથમિક તપાસમાં તે ટ્યુશનમાં જતો ન હોઇ ઠપકો મળતાં પગલુ ભર્યાનું ખુલ્યું : પુત્રને શોધવા નીકળેલી મહિલાને ખબર પડી કે એક છોકરો લટકે છેઃ ત્યાં તપાસ કરતાં તેનો દિકરો જ હતો : પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ ઘટના આત્મહત્યાની હોવાનું સ્પષ્ટ થયું

૧૧ વર્ષના સંદિપસિંગનો મૃતદેહ અને વિગતો જણાવતાં પિતા વિજયસિંગ ઠાકુર (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૩: નવાગામ દિવેલીયાપરામાં રહેતાં મુળ યુપીના દંપતિનો ૧૧ વર્ષનો પુત્ર ગત સાંજે ઘર નજીક ઝાડવા પર લટકતો મળતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. દિકરાએ જાતે આપઘાત કર્યો કે કેમ? તે અંગે તેના પિતાએ શંકા દર્શાવી હતી. જો કે પોલીસની પ્રાથમિક તપાસમાં આ ટાબરીયો નિયમીત ટ્યુશનમાં જતો ન હોઇ પિતાએ ઠપકો આપતાં તેણે આ પગલુ ભર્યાનું બહાર આવ્યું છે.

જાણવા મળ્યા મુજબ નવાગામ દિવેલીયાપરામાં રહેતો સંદિપસિંગ વિજયસિંગ ઠાકુર (ઉ.વ.૧૧) સાંજે ઘરેથી પિતા પાસેથી પાંચ રૂપિયા લઇને નીકળ્યા બાદ મોડે સુધી પાછો ન આવતાં અને એ દરમિયાન તેની માતા કંકુબેન મજૂરી કામેથી ઘરે આવતાં તેણે પતિને દિકરો સંદિપસિંગ કયાં છે? તેમ પુછતાં તેણે તે રમવા ગયાનું કહ્યુ઼ હતું. મોડે સુધી દિકરો ઘરે ન આવતાં તેને માતા શોધવા નીકળી હતી. એ દરમિયાન એક છોકરાએ ઝાડમાં કાળા રંગના કપડા પહેરેલો એક છોકરો લટકે છે તેવી વાત કરતાં મહિલા ત્યાં પહોંચતા તેનો પુત્ર સંદિપસિંગ જ હોવાનું જણાતાં કલ્પાંત સર્જાયો હતો.

પિતા વિજયસિંગ વાસુદેવસિંગ ઠાકુરને જાણ થતાં તે પોલીસને જાણ કરવા ગયા હતાં. એ દરમિયાન લોકો લાશ ઉતારીને ઘરે લાવ્યા હતાં. પોલીસને જાણ થતાં પીએસઆઇ જે. કે. પાંડાવદરા તથા સંજયભાઇ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. મૃતક સંદિપસિંગ ત્રણ ભાઇ અને એક બહેનમાં વચેટ હતો અને ધોરણ-૬માં અભ્યાસ કરતો હતો. તેના પિતા વિજયસિંગ અને માતા કંકુબેન છુટક મજૂરી કરે છે.

પ્રારંભે સંદિપસિંગના પિતા વિજયસિંગે શંકા દર્શાવી કહ્યું હતું કે-મારો દિકરો દસ બાર ફુટ ઉંચાઇ ધરાવતાં ઝાડ પર જાતે લટકી શકે નહિ. તેને કોઇએ લટકાવી દીધો હોવો જોઇએ. જો કે પોલીસે તપાસ કરતાં એવી વિગતો ખુલી હતી કે કેટલાક દિવસથી સંદિપસિંગ નિયમીત શાળાએ અને ટ્યુશનમાં જતો ન હોઇ તે કારણે ઠપકો મળતાં તેણે આપઘાત કર્યો હતો. આમ છતાં પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી છે. પીઆઇ એન. એન. ચુડાસમાની રાહબરીમાં કાર્યવાહી થઇ હતી. જો કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ઘટના આપઘાતની જ હોવાનું સ્પષ્ટ થયું છે.

(11:44 am IST)