Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

શાપર (વે) માં ખોડલ હોટલ પાસે બાઇકની ઠોકરે ચડતાં શકિતસિંહ જાડેજાનું મોતઃ ૧૪ વર્ષના આર્યનને ઇજા

આર્યન તેના મિત્ર સાથે બાઇકમાં બેસીને જતો'તો ત્યારે ચાલીને જઇ રહેલા શકિતસિંહ ઠોકરે ચડી ગયાઃ સારવાર માટે રાજકોટ ખસેડાયા પણ જીવ બચી શકયો નહિઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૩: શાપરમાં ખોડલ હોટલ સામે સર્વિસ રોડ પર ચાલીને જઇ રહેલા ક્ષત્રિય  યુવાન ડબલ સવારીવાળા બાઇકની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું. બાઇકમાં બેઠેલા બે છોકરા પૈકી એકને ઇજા થતાં તેને સારવાર માટે દાખલ કરાયો છે.

જાણવા મળ્યા મુજબ શાપર વેરાવળમાં કૃણાલ ઇન્ડસ્ટ્રીઝ પાસે રહેતાં અને કારખાનામાં નોકરી કરતાં શકિતસિંહ ગોવુભા જાડેજા (ઉ.વ.૪૦) રાતે નવેક વાગ્યે શાપરમાં ખોડલ હોટલ પાસે સર્વિસ રોડ પર જઇ રહ્યા હતાં ત્યારે ડબલ સવારીવાળા બાઇક નં. જીજે૦૩સીકયુ-૫૩૪૩ની ઠોકરે ચડી જતાં ફંગોળાઇ જતાં ગંભીર ઇજા થઇ હતી.

બાઇક પર બેઠેલા બે છોકરા પૈકી શાપરના જ આર્યન સવજીભાઇ સિંધવ (વણકર) (ઉ.વ.૧૪)ને પણ ઇજા થઇ હતી. આ બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ શકિતસિંહ જાડેજાનો જીવ બચી શકયો નહોતો.

હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામા અને અનોપસિંહએ જાણ કરતાં શાપરના પીએસઆઇ કે. એ. ગોહિલે રાજકોટ પહોંચી મૃત્યુ પામનાર શકિતસિંહના ભત્રીજા રાજકોટ ૧૫૦ રીંગ રોડ ઉમિયા ચોક સરસ્વતિનગર-૧૦માં રહેતાં જયેન્દ્રસિંહ ખોડુભા જાડેજા (ઉ.વ.૩૧)ની ફરિયાદ પરથી બાઇક નં. જીજે૦૩સીકયુ-૫૩૪૩ના ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

શકિતસિંહ બે ભાઇમાં નાના હતાં અને અપરિણિત હતાં. તેઓ શાપરમાં નોકરી કરી ત્યાં જ રહેતાં હતાં. તેઓ રાતે ખોડલ હોટલ સામે સર્વિસ રોડ પર જતાં હતાં ત્યારે બાઇકની ઠોકરે ચડી ગયાની જાણ પોતાને થતાં અને કાકાને રાજકોટ લઇ ગયાનું જાણવા મળતાં પોતે સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતાં. પરંતુ ત્યારે કાકાને ડોકટરે મૃત જાહેર કરી દીધા હતાં.

બીજી તરફ બાઇક પર બેઠેલા બે ટાબરીયા પૈકીના આર્યન સિંધવને ઇજા થઇ હોઇ તેને રાજકોટ દાખલ કરાયો છે. તે નવમું ધોરણ ભણે છે. મિત્ર શૈલેષના બાઇક પાછળ બેસીને જતો હતો ત્યારે અકસ્માત નડ્યો હતો.

(10:39 am IST)