Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

સ્પેશ્યલ પ્રોટેકશન ગૃપના નેશનલ એવોર્ડથી ડી.સી.પી. મનોહરસિંહજી જાડેજા સન્માનિત

પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીજીની અમદાવાદ મુલાકાત વખતે 'બ્લ્યુ બુક' મુજબ આંતરરાષ્ટ્રીય ઢબે જાળવેલા બંદોબસ્તની એસ.પી.જી. ડાયરેકટર દ્વારા નોંધ લેવાઇ : ગુજરાત પોલીસ વિભાગ માટે ગૌરવરૂપી શિરમોર સમુ સન્માન : તાજેતરમાં વિધાનસભા ગૃહમાંથી ગૃહમંત્રી પ્રદિપસિંહજી જાડેજા દ્વારા કોરોના વોરીયર્સ તરીકે પણ શ્રી જાડેજાની પ્રસંશા કરવામાં આવી હતી

રાજકોટ, તા. ર૩ :  શહેરના ડી.સી.પી. ઝોન-ર તરીકે ફરજ બજાવતા શ્રી મનોહરસિંહજી જાડેજાને નેશનલ લેવલના સ્પેશ્યલ પ્રોટેકશન ગૃપ એવોર્ડની સન્માનીત કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસના અધિકારીઓ માટે શિરમોરસમુ આ સન્માન યુ.એસ. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અમદાવાદ મુલાકાત સમયે શ્રી જાડેજાએ જાળવેલા બંદોબસ્ત બદલ કરવામાં આવ્યું છે.

ગુજરાત પબ્લીક સર્વીસ કમીશન દ્વારા લેવાયેલી ર૦૧૧ ની એકઝામમાં ગુજરાતભરમાં પ્રથમ ક્રમાંકે રહેલા મનોહરસિંહજી જાડેજા ડીવાયએસપી તરીકે પોલીસ વિભાગમાં જોડાયા ત્યારથી આજ દિવસ સુધીમાં અનેક સન્માન મેળળ્યા છે. આ પહેલા સેન્ટ્રલ આઇ.બી.ના નેશનલ એવોર્ડથી પણ તેમને નવાજવામાં આવ્યા હતા.

સ્પેશ્યલ પ્રોટેકશન ગ્રૃપ દ્વારા જવલ્લે જ થતુ સન્માન શ્રી મનોહરસિંહજી જાડેજાને ફાળે આવ્યું છે. મોટેરા સ્ટેડીયમ ખાતે યુએસ પ્રેસીડેન્ટ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની મુલાકાત સમયે તેમણે આંતરરાષ્ટ્રીય કક્ષાનો 'બ્લ્યુ બુક' મુજબનો સજ્જડ બંદોબસ્ત જાળવી સ્પેશ્યલ પ્રોટેકશન ગૃપના ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન ખેંચ્યું હતું. એસપીજીનું  પ્રશંસા સર્ટીફીકેટ ૧પ-૬-ર૦ના શ્રી જાડેજાને આપવામાં આવ્યું જેનાથી રાજકોટ-સૌરાષ્ટ્રને પણ ગૌરવ મળ્યું છે.

કોરોના વોરીયર્સ અધિકારી તરીકે પણ તેમની કામગીરી કાબીલેદાદ રહી છે. તાજેતરમાં વિધાનસભા ગૃહમાં ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ તેમની પ્રસંશા કરી હતી. વિદ્યાર્થીકાળથી શ્રી જાડેજાની કારકીર્દી ઝળહળી રહી છે. આજે ઉચ્ચ પોલીસ અધિકારી પદે તેમના દ્વારા બજાવાતી ફરજ પણ સતત નોંધપાત્ર રહી છે. જવલ્લે જ અપાતો એસપીજી એવોર્ડ ડીસીપી શ્રી જાડેજાને ફાળે આવતા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સહીતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ તેમને અભિનંદન આપવામાં આવ્યા હતા.

(3:34 pm IST)