Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

સંજયગીરી ગોસ્વામી ચોરીમાં પકડાયો

બુલાતી હૈ પર જાને કા નહિ...ખબર હતી કે ન જવાય, છતાં ચોરી કરવા ગયો... : માલવીયાનગર પોલીસે ચોરાઉ ગેસના બાટલા અને ટ્રકની બેટરી સાથે પકડ્યો

રાજકોટ તા. ૨૩: બુલાતી હૈ મગર જાને કા નહિ...એવા સ્લોગનવાળુ ટી-શર્ટ પહેરીને ફરતાં આશાપુરાનગર-૩ના સંજયગીરી ચમનગીરી ગોસ્વામી (ઉ.વ.૩૬)ને ખબર હતી કે ચોરી કરવા ન જવાય છતાં બે સ્થળે હાથફેરો કરવા પહોંચી જતાં અને ચોરાઉ ચીજવસ્તુ વેંચે એ પહેલા પોલીસના હાથે પકડાઇ જતાં લોકઅપમાં પહોંચવું પડ્યું હતું. માલવીયાનગરના કોન્સ. ભાવેશભાઇ ગઢવી અને હરપાલસિંહ જાડેજાની બાતમી પરથી સંજયગીરીને ખોડિયારનગર પાવર હાઉસ પાસે ૧૫૦ રીંગ રોડ પરથી ગેસના બાટલા અને ટ્રકની બેટરી સાથે પકડી લેવાયો હતો. પહેલા તો પોતાની જ વસ્તુ હોવાની વાત તેણે કરી હતી. આકરી પુછતાછ થતાં બેટરી રોલેક્ષ કારખાના પાસે ટ્રકમાંથી અને બાટલો ખોડિયારનગરમાંથી ચોરી કર્યાનું કબુલ્યું હતું. ઘર બહાર પડેલી છુટક ચીજવસ્તુઓ ચોરી વેંચીને રોકડી કરી લેવાની તે ટેવ ધરાવે છે. ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમની રાહબરીમાં પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ વી. કે. ઝાલા, હેડકોન્સ. મશરીભાઇ, યુવરાજસિંહ, ભાવીનભાઇ, દિગ્પાલસિંહ, રોહિતભાઇ, મહશેભાઇ સહિતે આ કામગીરી કરી હતી.

(3:02 pm IST)