Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

બસ સ્ટેશન પાછળ હોટેલમાં ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ ૪ શખ્સો દારૂની પાર્ટી કરતાં અને બે આઇપીએલનો સટ્ટો રમતાં પકડાયા

નામચીન બુટલેગર હર્ષદ મહાજનનો સાગ્રીત ચંદ્રેશ ઉર્ફ કાળુ સહિત ચાર પીધેલા અને ધર્મેશ તથા મેહુલ સટ્ટો રમતાં પકડાયાઃ ચંદ્રેશ પર દારૂના ૨૫ ગુનાઃ ૭ વખત પાસામાં જઇ આવ્યો છે : પીએસઆઇ વી. જે. જાડેજા અને ટીમનો દરોડો

રાજકોટ તા. ૨૩: આઇપીએલની સિઝન આ વખતે કોરોનાને કારણે મોડી મોડી શરૂ થઇ હોઇ અને પ્રેક્ષકો વગર છેક દુબઇમાં મેચ રમાતાં હોઇ ચાહકોમાં ખાસ ઉત્સાહ નથી. આમ છતાં આઇપીએલ પર સટ્ટો રમનારા, રમાડનારા ગેલમાં છે. પોલીસે આવા જૂગારના દરોડા ચાલુ કરી દીધા છે. કેટલાક તો ઘરમાં પકડાય નહિ એ માટે હોટેલોમાં રૂમ રાખીને રમતાં હોય છે. શહેર ક્રાઇમ બ્રાંચે એસટી બસ સ્ટેશન પાછળની હોટેલના રૂમમાં દરોડો પાડી બે શખ્સોને સટ્ટો રમતાં અને તેની સાથેના ચાર શખ્સોને દારૂની મહેફીલ પણ માણતા પકડી લીધા છે. આ ચારમાં એક નામચીન ચંદ્રેશ ઉર્ફ કાળુ બૂટલેગર હર્ષદ મહાજનનો સાગ્રીત છે અને અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે. એક ગુનામાં વોન્ટેડ પણ હોઇ ભકિતનગર પોલીસને જાણ કરાઇ હતી.

જુના બસ સ્ટેશન પાછળ આવેલી વાત્સલ્ય હોટેલના રૂમ નં. ૪૦૧માં કેટલાક શખ્સો આઇપીએલની મેચ પર સટ્ટો રમતાં હોવાની અને સાથે દારૂ પણ પી રહ્યાની બાતમી એએસઆઇ જયેશભાઇ પી. નિમાવત અને હેડકોન્સ. મહેન્દ્રસિંહ જાડેજાને મળતાં દરોડો પાડવામાં આવતાં ચાર શખ્સો વિપુલ છબીલદાસ ધોળકીયા (ઉ.વ.૪૬-રહે. ધ્રુવનગર-૧, રૈયા રોડ), ચંદ્ર ઉર્ફ કાળુ જગદીશભાઇ ચાંઉ (ઉ.વ.૩૪-રહે. રાધેશ્યામ સોસાયટી-૬ કોઠારીયા રોડ), જીજ્ઞેશ કિશોરભાઇ ગોહેલ (ઉ.વ.૨૮-રહે. કોઠારીયા કોલોની, સાગર પ્રોવિઝન સામે) અને જયેન્દ્રસિંહ ખુમાનસિંહ પરમાર (ઉ.વ.૩૦-રહે. કોઠારીયા કોલોની કવાર્ટર નં. ૩૫૧) દારૂ પીતા મળી આવતાં ધરપકડ કરી હતી.

જ્યારે અન્ય બે શખ્સો ધર્મેશ દેવેન્દ્રભાઇ રાણપરા (ઉ.વ.૩૧-રહે. એવરેસ્ટ પાર્ક-૨ જડ્ડુસ હોટેલ પાછળ) અને મેહુલ મોહનભાઇ ગોહેલ (ઉ.વ.૨૫-રહે. સુભાષનગર-૩/૫, સોનલ એપાર્ટમેન્ટ) આઇપીએલના મેચ પર સટ્ટો રમતાં મળી આવતાં છએયની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે રૂ. ૨૯૫૦૦ના ૮ મોબાઇલ ફોન, રૂ. ૭૨૦ રોકડા, દારૂની ૨૫૦ મીલીની બોટલ, સાંકેતિક ભાષામાં લખાણ કરેલી એક ચિઠ્ઠી કબ્જે કરી હતી.

પકડાયેલાઓમાં વિપુલ ધોળકીયા વિરૂધ્ધ અગાઉ એ-ડિવીઝન, માલવીયાનગર, ગાંધીગ્રામમાં દારૂ-જૂગાર-જાહેરનામા ભંગના ચાર ગુના નોંધાયા હતાં. તેમજ ૨૦૦૯માં પાસામાં પણ જઇ આવ્યો છે. જ્યારે ચંદ્રેશ ઉર્ફ કાળુ દારૂના ૨૫ જેટલા ગુનામાં પકડાઇ ચુકયો છે અને ૭ વખત પાસાની હવા ખાઇ આવ્યો છે. હર્ષદ મહાજનનો તે સાગત્રી છે. લિસ્ટેડ બુટલેગર તરીકે છાપ ધરાવે છે.

પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા અને પીઆઇ વી. કે. ગઢવી તથા આર.વાય. રાવલની રાહબરીમાં પીએસઆઇ વી. જે. જાડેજા, એએસઆઇ જયેશભાઇ પી. નિમાવત, રાજદિપસિંહ ગોહિલ, હેડકોન્સ. હિતેન્દ્રસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ જાડેજા, કોન્સ. અમીનભાઇ ભલુર, હિરેન્દ્રસિંહ પરમાર, સ્નેહભાઇ ભાદરકા, સુર્યકાંતભાઇ જાદવ સહિતે આ કામગીરી કરી હતી.

(12:51 pm IST)