Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

મોરબી રોડ ફાટકનો બ્રીજ બની ગયાને દોઢ વર્ષ થઇ ગયુ છતા એસ.ટી. બસ રૂટ પુર્વવત કેમ નથી કરાતો?

પહેલાની જેમ પારેવડી ચોક, જકાતનાકા રૂટ પર બસો દોડાવવા વિભાગીય નિયામકને રજુઆત : પંદર દિવસમાં ન્યાયી ઉકેલ ન આવે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી

રાજકોટ તા. ૨૩ : મોરબી રોડ ઉપર આવેલ રેલ્વે ફાટક પર ઓવરબ્રીજ બની ગયાને દોઢ વર્ષ વિતી ગયુ. હવે તો એસ.ટી. બસનો રૂટ પારેવડી ચોક તરફ પુર્વવત કરવા આ વિસ્તારના લોકોએ વિભાગીય નિયામકને રજુઆત કરી છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા આ વિસ્તારના લોકોના બનેલા એક પ્રતિનિધિ મંડળે જણાવેલ કે મોરબી રોડ પર આવેલ ફાટક પર ઓવર બ્રીજ બનાવવા માટે રાજકોટથી મોરબી અને કચ્છ તરફ જતી એસ.ટી. બસોનો રૂટ પારેવડી ચોક, જકાતનાકાના બદલે ફેરવીને માધાપર ચોકડી- બેડી તરફ ડાયવર્ટ કરાયો હતો. કામ ચાલતુ હતુ ત્યાં સુધી આ વાત બરાબર છે. પરંતુ હવે તો ઓવરબ્રીજ ચાલુ થઇ ગયાને દોઢેક વર્ષથી વધુ સમય વીતી ગયો છે. છતાય મુળ રૂટ પરથી એસ.ટી. બસો દોડાવવાને બદલે માધાપર ચોકડી તરફથી દોડાવાય રહી છે.જેના કારણે ભગવતીપરા, પારેવડી ચોક, રણછોડનગર સહીત કુવાડવા રોડ પરની સોસાયટીના લોકોને પારાવાર યાતના ભોગવવી પડે છે. જકાતનાકા તરફ રહેતા લોકોએ મોરબી જવા માટે છેક બેડી સુધી લાંબુ થવુ પડે છે. મોડી સાંજે ત્યાંથી રીક્ષાઓ પણ મળતી નથી.

જેથી મોરબી-કચ્છ તરફથી એસ.ટી. બસોને પહેલાની જેમ જ પારવડી ચોક, ૮૦ ફુટ રોડ, જકાતનાકા ચોકમાંથી દોડાવવા  આ વિસ્તારના લોકોએ માંગણી કરી છે.

વિજયભાઇ કુંભરવાડીયાના નેતૃત્વમાં ગત તા.૨૩-૨-૨૦૧૮ ના એસ.ટી.ના વિભાગીય નિયમકશ્રીને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી ન્યાયી કાર્યવાહી ન થતા ફરીથી ગઇ કાલે વિભાગીય નિયામકશ્રીને લેખિત રજુઆત કરાઇ છે.

જો દિવસ ૧૫ માં કોઇ ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આવેદનપત્રમાં ઉચ્ચારવામાં આવી છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા વિજયભાઇ કુંભરવાડીયા (મો.૯૯૧૩૩ ૭૭૭૦૫), રમેશભાઇ જીલરીયા, રામભાઇ જીલરીયા, કનુભાઇ ચાવડા, સંજયભાઇ કુંભરવાડીયા, રમેશભાઇ ડાંગર, રાજુભાઇ બાળા, વિરમભાઇ કાતડ, નાથાભાઇ સોઢીયા, જયદીપભાઇ કુંભરવાડીયા નજરે પડે છે.

(4:08 pm IST)