Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

ગોંડલ રોડ સમૃધ્ધી ભવન પાસે ટ્રાફિક દંડ બાબતે વેપારી પિતા-પુત્રની પોલીસ સાથે દોઢેક કલાક બઘડાટીઃ ટોળેટોળા ઉમટ્યા

સફેદ પટ્ટાની બહાર પાર્ક કરાયેલા એકટીવાનો ટ્રાફિકને અડચણરૂપનો દંડ ફટકારવામાં આવતાં પટેલ પિતા-પુત્રએ દંડ ભરી દીધા બાદ પોલીસની ટોઇંગવેનના ડ્રાઇવરનું લાયસન્સ માંગ્યુ, તેણે સીટ બેલ્ટ કેમ નથી બાંધ્યો?...તેનો પણ દંડ વસુલો તેમ કહી ભારે દેકારો મચાવ્યો : એસીપી ટ્રાફિક, ભકિતનગર, એ-ડિવીઝન પીઆઇ અને ટૂકડીઓ પહોંચીઃ વેપારી પિતા-પુત્ર સહિત પાંચને પોલીસ મથકે લઇ આવવામાં આવ્યા

જ્યાં ડખ્ખો થયો તે ગોંડલ રોડ સમૃધ્ધી ભવન પાસેનો રોડ, લોકોના ટોળેટોળા, ટોઇંગ વેન, પોલીસ અધિકારીઓ તથા માથાકુટ કરનારા પૈકીના એકને લઇ જતાં પોલીસ અધિકારી વી. કે. ગઢવી સહિતનો સ્ટાફ, પોલીસની ગાડીઓ  જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૩: ટ્રાફિક અંગેના નવા કાયદાઓ અમલમાં આવ્યા પછી પોલીસ સતત કોઇને કોઇ કારણોસર વાહન ચાલકો પાસે દંડ વસુલી રહી છે. હાલ પુરતું ૧૬મી ઓકટોબર સુધી હેલ્મેટ અને પીયુસીના દંડ લેવાનું બંધ છે. પરંતુ ટ્રાફિકને અડચણરૂપ વાહનો પાર્ક થયા હોઇ, રોંગ સાઇડ હોય કે અન્ય કારણોસર ટ્રાફિક નિયમોનો ભંગ થતો હોઇ તો પોલીસ કાર્યવાહી કરી રહી છે. તે અંતર્ગત બપોરે ગોંડલ રોડ પર સમૃધ્ધી ભવન પાસે પોલીસે રોડ પર પીળા-સફેદ પટ્ટાની બહાર એક એકટીવા પાર્ક કરાયું હોઇ તેને ટોઇંગ કરતાં પટેલ વેપારી પિતા-પુત્ર આવ્યા હતાં અને દંડ ચુકવી દીધા બાદ  ટોઇંગ વેનના ચાલકનું લાયસન્સ બતાવવા, તેણે સીટ બેલ્ટ ન બાંધ્યો હોઇ તેને દંડ ફટકારવાનું કહી બેફામ ઝઘડો શરૂ કરતાં ભારે ગરમા-ગરમી થઇ ગઇ હતી. 'લોહા ગરમ હૈ માર દો હથોડા' એ મુજબ ભારેખમ દંડ, હેલ્મેટ સહિતના કાયદાની વિરૂધ્ધમાં રહેલા લોકો પણ આ માથાકુટમાં કુદી પડ્યા હતાં અને પોલીસની સામે થઇ ગયા હતાં. આ કારણે ટ્રાફિકજામ થઇ ગયો હતો. વધારાની પોલીસ બોલાવવી પડી હતી. દોઢ-પોણા બે કલાક સુધી લોકો અને પોલીસ વચ્ચે ભારે ધાંધલ-ધમાલ સર્જાઇ હતી. પોલીસે ટોળા વિખેર્યા હતાં અને પાંચ લોકોને પુછતાછ માટે પોલીસ મથકે પહોંચાડ્યા હતાં.

જાણવા મળ્યા મુજબ ગોંડલ રોડ સમૃધ્ધી ભવન પાસે ટ્રાફિક પોલીસની ટોઇંગ વેન ટ્રાફિક નિયમન માટે પહોંચી હતી. આ રોડ પર સતત વાહનો પીળા-સફેદ પટ્ટાની બહાર પાર્ક કરવામાં આવતાં હોઇ તેના કારણે ટ્રાફિક જામ થતો હોવાની ફરિયાદો આવતી હતી. પોલીસે કેટલાક વાહનો પટ્ટાની બહાર હોઇ તેના ચાલકોને બોલાવી કાયદેસરની કાર્યવાહી કરી દંડ ફટકાર્યા હતાં. એક એકટીવા ડિટેઇન કરી ટોઇંગ વેનમાં ચડાવતાં તેના માલિક પટેલ વેપારી આવ્યા હતાં. પાછળથી તેમનો પુત્ર પણ આવી ગયો હતો. બંનેએ પહેલા તો દંડ ભરી દીધો હતો, પણ બાદમાં ખોટી રીતે કાર્યવાહી થતી હોવાનું અને પોતે તો દંડ ભરી દેશે પણ જે લોકો ગરીબ છે તેની હાલત શું થશે? તેમ કહી દેકારો મચાવતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં.

આ બંનેએ બીજા ઘણા વાહનો ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કરાયા છે તેને કેમ ડિટેઇન નથી કરતાં? તેવા સવાલો કરી ભારે દેકારો મચાવતાં વધુને વધુ લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. આ વખતે ટોળામાંથી પણ મોટા ભાગના વાહન ચાલકોએ વેપારીઓનો પક્ષ લઇ પોલીસ સાથે ઉગ્ર અવાજે જીભાજોડી

શરૂ કરી હતી. આથી ટોઇંગવેનના કર્મચારીએ પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરતાં એસીપી ટ્રાફિક, ભકિતનગર પી.આઇ., એ-ડિવીઝન પી.આઇ., બંને પોલીસ મથકનો ડી-સ્ટાફ, ટ્રાફિક બ્રાંચનો બીજો કાફલો સહિત સાતેક ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. અધિકારીઓ સાથે પણ વેપારી પિતા-પુત્ર અને બીજા વાહન ચાલકોએ ચડભડ ચાલુ રાખી હતી. ટોઇંગવેનના ચાલક પાસે ડ્રાઇવીંગ લાયસન્સ છે કે કેમ? તેણે સીટ બેલ્ટ કેમ નથી પહેર્યો? તેનો દંડ કોણ વસુલશે? સહિતના સવાલોની લોકોએ જડી વરસાવી હતી. રોડ વચ્ચે જ ટોળા ભેગા થઇ ગયા હોઇ ટ્રાફિક જામ થઇ ગયો હતો. દોઢેક કલાક બાદ ટોળા વિખેરાયા હતાં. ફરજ પર રહેલા ટ્રાફિક પોલીસ કર્મચારીઓ અને બીજા સ્ટાફ સાથે માથાકુટ કરનારા પાંચેક વ્યકિતને પુછતાછ માટે પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતાં.

માથાકુટના દ્રશ્યો જોવા લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. નવા ટ્રાફિક નિયમો અંતર્ગત મસમોટા દંડ વસુલવાની કાર્યવાહી સામે પહેલેથી જ ભારે વિરોધ થઇ રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં હેલ્મેટ-પીયુસીમાં દંડ નહિ વસુલવાની મુદ્દત પુરી થયે ફરીથી વાહન ચાલકો અને પોલીસ વચ્ચે ચકમક જરવાની શકયતા છે.

(3:36 pm IST)