Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

માધાપર ચોકડીથી મોરબી હાઇવેને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં: મરામતની માંગ

પ્રદેશ કોંગ્રેસ મંત્રી મનોજ રાઠોડ દ્વારા માર્ગ દર્શન વિભાગમાં રજુઆત

રાજકોટ તા.ર૩ : માધાપર ચોકડીથી મોરબી તરફ જતો હાઇવે આ વર્ષે થયેલા ભારે વરસાદને કારણે બિસ્માર બની ગયો છે. આ માર્ગની જો તાકીદે મરામત કરવામાં નહીં આવે તો ગમખ્વાર અકસ્માત સર્જાવાની ભીતી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી અને લોધિકા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મનોજ રાઠોડે વ્યકત કરી છે.

આ મુદ્દે તેઓએ માર્ગ મકાન વિભાગના સંબંધિત ઉચ્ચ અધિકારીઓને પત્ર લખી  બિસ્માર બની ગયેલા હાઇવેની તુરંત મરામત કરવા માંગણી કરી છે.

વાહન ચાલકોનો સમય અને ઇંધણ બચે તેવા શુભ આશયથી બનાવવામાં આવેલ આ હાઇવેનું આ વર્ષે થયેલા ભારે વરસાદને કારણે ધોવાણ થઇ ગયું છે. હાઇ-વે પરથી થતા વાહન ચાલકોને આ રોડ પરથી પસાર થતી વખતે ઉંટની પિઠ ઉપર સવારી કરતાં હોય તેવ અનુભવ થાય છે. આ માર્ગનો ઉપયોગ જામનગર રાજકોટથી મોરબી કે કચ્છ જિલ્લા તરફ જતા વાહન ચાલકો પુષ્કળ પ્રમાણમાં કરે છે.

આ બિસ્માર હાઇવે મહામુલી માનવ જિંદગીનો ભોગ લે તે પહેલા મરામત કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી અને લોધીકા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મનોજ રાઠોડે માંગણી ઉઠાવી છે.

(1:02 pm IST)