Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

રૈયા સ્માર્ટ સીટીમાં ૨૨ બગીચાઓ અને ૬ આવાસ યોજનાઓ

રાજયની સૌથી મોટી ૩૬૮ હેકટર જમીનની રોલ મોડલ ડ્રાફટ ટી.પી. સ્કીમની યુધ્ધના ધોરણે મંજુરી બાદ હવે આખરી મંજુરીની પ્રક્રીયાઃ ૧પ લાખ ચો.મી. જમીન તંત્રને મળીઃ રૈયા સ્માર્ટ સીટી હરીયાળું બનશેઃ ર૦૦ ફુટ પહોળો રોડ બનશેઃ સ્પોર્ટસ એરેના અને અટલ સરોવર સહિતનાં તળાવો

રાજકોટ, તા. ૨૨ :. શહેરના રૈયા હિલ વિસ્તારમાં રૈયા સ્માર્ટ સીટી ડેવલપમેન્ટનો જબરો પ્રોજેકટ મ્યુ. કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. આ માટે ખાસ ટી.પી. સ્કીમ નં. ૩૨નું યુધ્ધના ધોરણે આયોજન કરેલ છે. આ ડ્રાફટ ટી.પી. સ્કીમને સરકારે મંજુર કરી છે. હવે રાજકોટ ખાતેનાં સરકાર નિયુકત ટી.પી.ઓ દ્વારા આ સ્કીમનાં વાંધા-સુચનોની કાર્યવાહી કરી સરકારની આખરી મંજુરીની કાર્યવાહી થશે.

આ ટીપી સ્કીમ હેઠળ રૈયા સ્માર્ટ સીટીમાં કુલ ૨૦૮૪૨૨ ચો.મી. જમીનમાં ૨૨ બગીચાઓ બનશે તથા ૮૬૯૬૫ ચો.મી. જમીનમાં ૬ જેટલી આવાસ યોજનાઓ બનાવાશે. જેમાં ગરીબ-મધ્યમ વર્ગના લોકોને ફલેટ અપાશે.

જ્યારે ૯૦૫૬૮ ચો.મી. જમીનમાં પાંચ પ્લોટમાં રહેણાંક સોસાયટીઓ બનાવાશે. જેનુ વેચાણ થશે અને ૧૪૧૮૬૩ ચો.મી. જમીનમાં ૭ જેટલા કોમર્શીયલ કોમ્પલેક્ષો બનશે જેનુ પણ વેચાણ થશે.

આ ઉપરાંત આ ટી.પી. સ્કીમ મુજબ રેસકોર્ષ (૨)ના અટલ સરોવર સહિતના તળાવો પણ ડેવલોપ કરાશે.

જ્યારે ૪૬૭૨૧૧ ચો.મી. જમીનમાં ૭ સ્થળોએ વિશાળ સ્પોર્ટસ એરેના, મલ્ટી એકટીવીટી સેન્ટર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવાશે.

આ અંગે સતાવાર પ્રાપ્ત માહીતી મુજબ રાજકોટના રૈયા હીલ વિસ્તારને આવરી લઇ કુલ ૩૬૮ હેકટર જમીનમાં રાજયની સૌથી મોટી અને રોલ મોડેલ સમાન ટી.પી. સ્કીમ નં. ૩રનું આયોજન મ્યુ. કોર્પોરેશનના ટાઉન પ્લાનીંગ વિભાગે કર્યુ છે. આ ટી.પી. સ્કીમમાં ૧પ લાખ ચો.મીટર જમીન તંત્રને મળશે અને આ સ્કીમમાં કુલ ૬૩ જેટલા ખેડુતોની જમીન ૩પ થી ૪૦ ટકા કપાતમાં લેવાનું આયોજન છે.

આ તમામ ખેડુત ખાતેદારો સાથે બેઠક યોજી તેઓના વાંધા-સુચનોનો નિકાલ કરી દેવામાં આવ્યો છે અને ટીપી સ્કીમના ડ્રાફટ મુજબ આ વિસ્તારનો મુખ્ય રોડ  ૨૦૦ ફુટ પહોળો બનાવાશે તથા અન્ય રસ્તાઅ ૬૦ ફુટ, ૪પ ફુટ, ૪૦ ફુટ, ૩૬ ફુટ, ૩૪ ફુટ અને ૧૮ મીટરની પહોળાઇવાળા બનાવવામાં આવશે.

આ ઉપરાંત રૈયા સ્માર્ટ સીટીમાં આકર્ષક સ્પોર્ટસ એરેના, કન્વેન્સન સેન્ટર, ચારે તરફ હરીયાળી, ડ્રેનેજ, પાણી અને ગેસની આધુનિક સુવિધાઓ સહિતનું ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપ કરી અને આ સ્માર્ટ સીટી સિંગાપોર જેવું બને તેવું આયોજન છે.(૨-૨૨)

(3:36 pm IST)