Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

રાજકોટ જીલ્લામાં મારામારીના ૩ બનાવ

ગોંડલમાં વિજયસિંહ પર અન્ય ઉર્ફે ગનીનો છરીથી વનાળામાં અરૂણ ગોહેલ પર બે શખ્સોનો તથા દહીંસરામાં જેતુબેન કોળી પર ત્રણ શખ્સોનો હુમલો

રાજકોટ, તા. ૨૩ :. જીલ્લામાં અલગ અલગ ત્રણ મારામારીના બનાવ બન્યા છે. જેમાં ગોંડલમાં યુવાન પર છરીથી તથા જસદણના વનાળામાં યુવાન પર બે શખ્સોનો તથા દહીંસરામાં કોળી મહિલા પર ત્રણ શખ્સોએ હુમલો કરતા ફરીયાદ થઈ છે.

મળતી વિગત મુજબ ગોંડલના ભગવતપરામાં હરભોલે સોસાયટીમાં રહેતા વિજયસિંહ ભરતસિંહ જાડેજા (ઉ.વ. ૩૨) પરમ દિવસે એસ.આર.પી. ગ્રુપની વાડી પાસે મિત્રો સાથે બેઠા હતા અને વાતો કરતા હતા ત્યારે અજય ઉર્ફે ગની વિનુ (રહે. ભગવતપરા) પણ સાથે બેઠો હતો. વાતો કરતા કરતા અજય ઉર્ફે ગનીએ ગાળો આપતા વિજયસિંહ તેને ગાળો આપવાની ના પાડતા અજયે ઉશ્કેરાઈને છરી વડે માથામાં તથા પડખામાં ઘા ઝીંકી દીધા હતા. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઈ જતા અજય ઉર્ફે ગની ભાગી ગયો હતો. બાદ વિજયસિંહ જાડેજાને સારવાર માટે હોસ્પીટલે ખસેડાયા હતા. આ અંગે ગોંડલ સીટી પોેલીસે વિજયસિંહની ફરીયાદ પરથી અજય ઉર્ફે ગની વિરૂદ્ધ ગુનો નોંધી એએસઆઈ આર.સી. માલવીયાએ તપાસ હાથ ધરી છે.

જ્યારે બીજા બનાવમાં જસદણના વનાળા ગામમાં સ્મશાનની સામે રહેતો અરૂણ મનસુખભાઈ ગોહેલ (ઉ.વ. ૨૪) પરમ દિવસે પોતાના ઘર પાસે હતો ત્યારે અગાઉ અરૂણના કાકી સાથે મહેશ ગોહેલ અને નરેશ ગોહેલને પૈસાની લેતી દેતી બાબતે ઝઘડો થયેલ હોય તે બાબતે મહેશે અરૂણની કાકીને જોઈને ગાળો બોલતા હોય તેથી અરૂણે તેને ગાળો બોલવાની ના પાડતા મહેશ બધા ગોહેલ અને નરેશ ડાયા ગોહેલએ ઝઘડો કરી ઉશ્કેરાઈ જઈ અરૂણને પાઈપ તથા લાકડી વડે હુમલો કરી ઈજા કરી હતી અને ઈંટનો છુટ્ટો ઘા કરતા અરૂણની ભત્રીજી પાયલને ડાબા હાથના ભાગે ઈજા થઈ હતી. આ અંગે અરૂણે જસદણ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા હેડ કોન્સ. આર.એ. વકાતરે તપાસ આદરી છે.

જ્યારે ત્રીજા બનાવમાં જસદણના દહીંસરા ગામમાં રહેતા જેતુબેન વિહાભાઈ ચાવડા (ઉ.વ. ૫૧) ગઈકાલે પોતાના ઘરે હતા ત્યારે તેનો પૌત્ર જયેશ બે મહિના પહેલા દારૂના કેસમાં પકડાયો હોય જેમાં આ દારૂ યોગેશ પાસેથી લીધો હોવાનું પોલીસ સમક્ષ કબુલાત આપતા પોલીસે યોગેશની ધરપકડ કરી જામીન મુકત કર્યો હતો. આ મામલે યોગેશ કાઠી, અજીત કાઠી અને એક અજાણ્યો શખ્સ જેતુબેન પાસે આવી જામીન પર છુટેલ તેના ખર્ચના રૂપિયા માંગતા જેતુબેને ના પાડતા યોગેશે છરી અને અજીતે પાઈપ લઈ જેતુબેનને મારવા માટે દોડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને જેતુબેનની સાથેના એક વ્યકિતને ઢીકાપાટુ તથા પાઈપ વડે હુમલો કર્યો હતો અને ઘરનું બારણુ તથા ખાટલો તોડી નુકશાન કર્યુ હતુ. આ અંગે જેતુબેન ચાવડાએ ભાડલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:44 pm IST)