Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

મલ્હાર લોકમેળામાં ૧૪ બાળકો વિખુટા પડ્યાઃ પોલીસે વાલીઓ સાથે મિલન કરાવ્યુઃ ૧૦ ખિસ્સા કાતરૂ પકડાયા

ટ્રાફિકને અડચણરૂપ ૧૪૦ વાહનો ડિટેઇનઃ ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાની રાહબરીમાં સતત પોલીસની ટૂકડીઓનું મેળામાં પેટ્રોલીંગ

રાજકોટ તા. ૨૩: શહેરમાં રેસકોર્ષ મેદાન ખાતે યોજાયેલા મલ્હાર લોકમેળામાં લોકો શાંતિપૂર્વક હર્ષોલ્લાસથી મજા માણી શકે તે માટે શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર અજયકુમાર ચોૈધરીની સીધી દેખરેખ હેઠળ ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એસીપી, પીઆઇ, પીએસઆઇ તથા હથીયારધારી જવાનોનો કાફલો સતત પેટ્રોલીંગ, બંદોબસ્ત જાળવી રહ્યો છે. ગઇકાલે મેળાનું ઉદ્દઘાટન થયું એ સાથે જ લોકો ઉમટી પડ્યા હતાં. આજે સાતમની સવારથી જ માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. મેળાના પહેલા દિવસે જ પોલીસે વાલીઓથી વિખુટા પડેલા ૧૫ બાળકોને આઇકાર્ડને આધારે વાલીઓ સાથે પુનઃ મિલન કરાવ્યું હતું. આ ઉપરાંત ખિસ્સા કાતરૂઓને પણ પકડી લીધા હતાં. ડીસીપી મનોહરસિંહ જાડેજાએ પરમ દિવસે જ બધા એસીપી, પ્ર.નગર પીઆઇ તથા અન્ય પીઆઇ તથા બંદોબસ્તમાં જોડાયેલા તમામ સ્ટાફને સુચનો આપી રોડ માર્ચ યોજી હતી. દરમિયાન પ્રથમ દિવસે જ ૧૪ બાળકો વિખુટા પડતાં તેમને એન્ટ્રી ગેઇટ પરથી જ પોલીસે આઇકાર્ડ આપ્યા હોઇ તેના આધારે તુર્ત જ વાલીઓને શોધી મિલન કરાવાયું હતું. આ ઉપરાંત પોલીસે ૧૦ ખિસ્સા કાતરૂ કે જેઓ અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચુકયા હતાં તેને શોધી કાઢી રાઉન્ડઅપ કરી લીધા હતાં. મેળા ફરતે રીંગ રોડ પર ટ્રાફિકને અડચણરૂપ ૧૪૦ વાહનો ટ્રાફિક એસીપી બી.એ. ચાવડા અને ટીમ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા હતાં. મેળા અંદર અને બહારના ભાગે મનોહરસિંહ જાડેજાની રાહબરીમાં સતત અધિકારીઓ,  કર્મચારીઓની ટૂકડીઓ પેટ્રોલીંગ કરી રહી છે.

(3:23 pm IST)