Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

મલ્હારમાં માનવ મહેરામણ : ૧ લાખ લોકો ઉમટયા

પ્રજા આનંદ વિભોરઃ આજે બપોરથી ગ્રામ્ય પ્રજા જમાવટ કરશેઃ ચકડોળ-ઝૂલા-મોતના કૂવા તરફ જબરી મેદની... : મેળાનું દબદબાભર્યું ઉદ્દઘાટનઃ શાંતિથી મેળો માણવા કલેકટરની અપીલઃ મેળાની રંગત નિહાળી વિજયભાઇ ખુશખુશાલ...

રાજકોટ તા. ર૩: પ્રથમ દિવસે જ ગઇકાલથી શરૂ થયેલ રેસકોર્સના મલ્હાર માનવ મેળામાં રાત્રે ૧ર વાગ્યા સુધી માનવ મહેરામણ ઉમટી પડયો હતો, ગઇકાલે સાંજે ૬ વાગ્યે રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ મેળાનું ઉદ્દઘાટન કર્યા બાદ, દબદબાભર્યો ૧ કલાકનો સાંસ્કૃતિક કાર્યક્રમ અને તે સાથે મેળામાં જમાવટ થઇ હતી.

મેઘરાજા પ દિ'થી થંભી ગયા હોય, ગારો-કાદવ-કીચડ- પાણી ભરાયાની કોઇ ફરિયાદ ન હોય રાજકોટની તહેવાર ઘેલી પ્રજા મોજમાં આવી ગઇ હતી, અને પ્રથમ દિવસે જ ૧ લાખ લોકો ઉમટી પડતા, મેળાની આ રંગત નિહાળી રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને ધર્મપત્ની અંજલીબેન રૂપાણી ખુશખુશાલ બની ગયા હતા.

આજે સાતમ છે, આજ બપોરથી ગ્રામ્ય પ્રજા જમાવટ કરશે, રાત્રે રાજકોટના નગરજનો મેળો મહાલશે.

આવતી કાલે સૌના પ્યારા ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિન છે, અને કાલે સવારે ૯ થી રાત્રીના ૧ર સુધી મેળામાં પગ મુકવાની જગ્યા નહિં હોય એ નકકી વાત છે, આવું જ રવિવારે બનશે.

મેળાનું આયોજન કરનાર કલેકટર ડો. રાહુલ ગુપ્તા અને તંત્રે પાંચ દિ' લોકોને શાંતિ પૂર્ણ મેળો માણવા અપીલ કરી છે.

ગઇકાલે પ્રથમ દિવસે જ તમામ રાઇડો ચાલુ થઇ જતા લોકોનું મુખ્ય આકર્ષણ ગગનને આંબતા ચકડોળ, ઝૂલા-મોતના કુવા તરફ સૌથી વધુ રહ્યું હતું, બાળકોને ફરવા લઇ આવનાર વાલીઓએ રમકડાના સ્ટોલ ઉપર મેદની જમાવી હતી.

આ ઉપરાંત નાની ચકરડીઓ, હેન્ડીક્રાફટ-ઇમીટેશન જવેલરી, અને અવનવી ખાણી પીણીની આઇટમો ઉપર પણ ધસારો હતો, તો મેળામાં ફરીને થાકી જનાર લોકોએ હૈયામાં ટાઢક કરવા આઇસ્ક્રીમના સ્ટોલ ઉપર પડાપડી કરી હતી.

(3:22 pm IST)