Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

આવતા અઠવાડીયે વરસાદના બે રાઉન્ડ આવશે

વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા.૨૬ ઓગષ્ટથી ૧ સપ્ટેમ્બર (સોમથી રવિ) સુધીની આગાહી : અલગ - અલગ વિસ્તારમાં અમુક દિવસે વરસાદ પડશે : સૌરાષ્ટ્રમાં આગાહીના સમયગાળા દરમિયાન કુલ ૩૦થી ૬૦ મી.મી. અને વધુ વરસાદવાળા સેન્ટરોમાં ૮૫ મી.મી. સુધી વરસી જાય : મધ્ય - પૂર્વ ગુજરાતમાં કટકે કટકે ૫૦ મી.મી. : વધુ વરસાદવાળા અમુક સેન્ટરોમાં ૧૨૫ મી.મી.થી પણ વધુ : દક્ષિણ ગુજરાતમાં ૫૦ થી ૭૫ મી.મી. : વધુ વરસાદવાળા સેન્ટરોમાં ૧૦૦ મી.મી. સુધી પહોંચે : મધ્ય - પૂર્વ ગુજરાતમાં કટકે કટકે ૫૦ મી.મી. : વધુ વરસાદવાળા અમુક સેન્ટરોમાં ૧૨૫ મી.મી.થી પણ વધુ

રાજકોટ, તા. ૨૩ : છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ વિરામ લીધા બાદ અને સાતમ - આઠમ બાદ આવતા અઠવાડીયાના પ્રારંભથી અંત સુધીમાં વરસાદના બે રાઉન્ડ આવી રહ્યાનું વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ છે. તેઓએ જણાવેલ કે, અલગ અલગ વિસ્તારમાં અમુક દિવસે વરસાદ પડશે. વરસાદની શરૂઆત સૌપ્રથમ ગુજરાતમાં પૂર્વ તરફથી થશે. જેની ૨૫મીના સાંજથી અસર દેખાવા લાગશે. સૌરાષ્ટ્રમાં આગાહીના સમયગાળા દરમિયાન કુલ ૩૦ મી.મી.થી ૬૦ મી.મી. અને વધુ વરસાદવાળા સેન્ટરોમાં ૮૫ મી.મી. સુધી વરસાદ પડશે.

તેઓએ જણાવેલ કે, ઘણા દિવસ પહેલા લો પ્રેશર હતું જે બિહાર, ઉત્તરપ્રદેશ આસપાસ હતું જે છેલ્લે ઉત્તર પૂર્વ એમ.પી. ઉપર અપરએર સાયકલોનીક સરકયુલેશન તરીકે હતું. ૩.૧ કિ.મી.ના લેવલ સુધી હતું જે આજે હવે ૧.૫ કિ.મી. સુધી ત્યાં છે. ચોમાસુધરીનો પશ્ચિમ છેડો હિમાલય તળેટીની નજીક છે અને પૂર્વ છેડો હાલ બરેલી, પટના, દીગા અને ત્યાંથી મધ્ય પૂર્વ બંગાળની ખાડી તરફ લંબાય છે. એક અપરએર સાયકલોનીક સરકયુલેશન ૧.૫ કિ.મી.થી ૪.૫ કિ.મી.ના લેવલ સુધી નોર્થ વેસ્ટ બંગાળની ખાડી જે ઓડીસ્સા અને પશ્ચિમ બંગાળના દરિયા કિનારા આસપાસ છે. જેની અસરથી ઓરીસ્સા આસપાસ એક લોપ્રેશર આવતા ૩૬ કલાકમાં થશે.

પૂર્વ વિદર્ભ અને આસપાસના વિસ્તારમાં ૩.૧ કિ.મી.થી ૫.૮ કિ.મી.ના લેવલ સુધી  અપરએર સાયકલોનીક સરકયુલેશન છે. એક અપરએર સાયકલોનીક સરકયુલેશન ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર અને લાગુ સૌરાષ્ટ્ર આસપાસ ૩.૧ કિ.મી.થી ૪.૫ કિ.મી. સુધી છે. હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નોર્થ પાકિસ્તાન અને આસપાસના વિસ્તારમાં ૩.૧ કિ.મી.ના લેવલે છે.

ચોમાસુધરીનો પશ્ચિમ છેડો આવતા દિવસોમાં ફરી નોર્મલ તરફ ગતિ કરશે. હાલમાં સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાત ઉપર ઉપલા લેવલે ભેજનું પ્રમાણ ઓછું છે. જો કે નીચેના લેવલમાં ભેજ સારો છે.

અશોકભાઈ પટેલે તા.૨૬ ઓગષ્ટથી ૧લી સપ્ટેમ્બર (સોમથી રવિ)ની આગાહી કરતા જણાવ્યુ છે કે આગાહીના સમયગાળામાં અલગ અલગ વિસ્તારમાં અમુક દિવસોમાં વરસાદ પડશે. આવતા સપ્તાહમાં બે રાઉન્ડ વરસાદની શકયતા છે. જેમાં વરસાદની શરૂઆત સૌપ્રથમ ગુજરાતના પૂર્વ તરફથી થશે. જેની અસર ૨૫મીથી દેખાવા લાગશે. મધ્ય - પૂર્વ ગુજરાતમાં કટકે - કટકે ૫૦ મી.મી., ભારે વરસાદના અમુક સેન્ટરોમાં સવા સો મી.મી.થી પણ વધુ વરસાદ પડી શકે. દક્ષિણ ગુજરાતમા ૫૦ થી ૭૫ મી.મી., વધુ વરસાદના સેન્ટરોમાં ૧૦૦ મી.મી. સુધી પહોંચે. ઉત્તર ગુજરાતમાં મધ્ય- પૂર્વ ગુજરાતને લાગુ વિસ્તારોમાં વધુ તેમજ પશ્ચિમ ભાગમાં માત્રા ઓછી રહેશે. ૨૫ થી ૭૫ મી.મી. અને અમુક ભારે વરસાદના સેન્ટરોમાં ૧૨૫ મી.મી.

જયારે સૌરાષ્ટ્રમાં ૩૦ થી ૬૦ મી.મી. વધુ વરસાદના સેન્ટરોમાં ૮૫ મી.મી.

જયારે કચ્છ માટે હાલમાં વરસાદની માત્રા મામલે અનિશ્ચિતતા છે. જેની અપડેટ બાદમાં આપવામાં આવશે તેમ જણાવાયુ છે.

(2:51 pm IST)