Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

દિવાળી પછી જેના લગ્ન થવાના હતાં તેવા ત્રણ બહેનના એક જ ભાઇનો ફાંસો ખાઇ આપઘાત

મેળા બંદોબસ્તમાં રહેલા પોલીસ કોન્સ. બહેનને 'હું મારી રીતે મરું છું, મારાથી ભુલ થઇ ગઇ, હું તમને દુઃખી કરવા માંગતો નથી' એવો ભાઇનો મેસેજ મળ્યો : રામનાથપરા પોલીસ લાઇનમાં રહેતાં કિરણ વઘેરાએ જિંદગી ટૂંકાવી લેતાં પરિવારજનોમાં કલ્પાંતઃ મુળ વતન રાજસમઢીયાળામાં અંતિમવિધી

રાજકોટ તા. ૨૨: રામનાથપરા પોલીસ લાઇન બી-૩/૨૮માં રહેતાં અને મહિલા પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં કાજલબેન વઘેરાના ભાઇ કિરણભાઇ સુખદેવભાઇ વધેરા (ઉ.૨૪)એ ઘરમાં પંખામાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. ત્રણ બહેનના એકના એક ભાઇ અને માતા-પિતાના આધારસ્તંભ એવા કિરણભાઇની અમદાવાદ ખાતે સગાઇ થઇ હતી અને દિવાળી પછી લગ્ન થવાના હતાં. પોલીસ કોન્સ્ટેબલ બહેન કાજલબેન સાંજે લોકમેળા બંદોબસ્તમાં હતાં ત્યારે ભાઇનો મેસેજ મળ્યો હતો કે-હું મારી રીતે મરુ છું, મારાથી ભુલ થઇ ગઇ, હું તમને દુઃખી કરવા માંગતો નથી'...આ મેસેજ વાંચતા જ તે હતપ્રભ થઇ ગયા હતાં અને પિતાને ફોન કરી તપાસ કરવા કહેતાં ભાઇએ ગળાફાંસો ખાઇ લીધાની ખબર પડી હતી.

કાજલબેનને મોબાઇલમાં મેસેજ આવતાં જ પિતા સુખદેવભાઇ વધેરાને ફોન કરતાં તેઓ ઘરેથી ફાકી ખાવા નીકળ્યાનું અને પત્નિ દક્ષાબેન તથા બીજી બે બહેનો મોટાબાપુના ઘરે ગયાનું અને પુત્ર કિરણભાઇ ઘરે એકલો હોવાનું કહ્યું હતું. કાજલબેને તુરત જ ઘરે જઇ તપાસ કરવાનું કહેતાં સુખદેવભાઇ ઘરે પહોંચ્યા ત્યાં દિકરો લટકતો મળતાં તેને તાકીદે નીચે ઉતારી ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યાનું તબિબે જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો.

આપઘાત કરનાર કિરણભાઇ ત્રણ બહેનનો એકનો એક મોટો ભાઇ હતો અને કારખાનામાં કામ કરતો હતો. તેની અમદાવાદ સગાઇ થઇ હતી અને દિવાળી પછી લગ્ન થવાના હતાં. વધેરા પરિવાર મુળ રાજસમઢીયાળાનો વતની હોઇ મૃતદેહને અંતિમવિધી માટે ત્યાં લઇ જવાયો હતો. તેના બહેન કાજલબેન એક વર્ષથી જ પોલીસમાં જોડાયા છે. એ-ડિવીઝનના એએસઆઇ રાજેશભાઇ સોલંકીએ જરૂરી કાર્યવાહી કરી હતી. પીએસઆઇ સાખરા વધુ તપાસ કરે છે.

(1:39 pm IST)