Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

ભાગવત એ પુરૂષાર્થનું ફળ નથી, પ્રભુકૃપાનું ફળ છે

કાંતિલાલ શેઠ પરિવાર આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં મીરાબેન ભટ્ટને સાંભળવા શ્રીજી ગૌશાળાએ ભાવિકો ઉમટી પડયા

રાજકોટઃ અહિંના શ્રી કાંતિલાલ મોહનલાલ શેઠ પરિવાર (મો. ૯૪૨૭૨ ૬૯૨૮૬) દ્વારા શહેરની ભાગોળે આવેલ શ્રીજી ગૌશાળા ખાતે સુપ્રસિધ્ધ કથાકાર પૂજય મીરાબેન ભટ્ટ (મો. ૯૮૨૫૮ ૨૭૧૦૦) ના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહનું સુંદર આયોજન થયું હતુ.

શ્રીનાથજીથી બાવાની અસીમકૃપા અને શ્રી પીઠડમાતા અને સુરાપુરા બાપાના આર્શીવાદ સાથે શેઠ પરિવાર  તરફથી પિતાશ્રી સ્વ. મોહનલાલ કલ્યાણજી શેઠ, માતુશ્રી સ્વ. ચંદનગૌરી મોહનલાલ શેઠ, ભાભીશ્રી સ્વ. મધુરીકા વ્રજલાલ શેઠ તથા સમસ્ત પિતૃઓના આત્મકલ્યાણાર્થે તા.૧૪ થી ૨૦ ઓગષ્ટ સુધી ભકિતપૂર્ણ આયોજન સંપન્ન થયું હતુ.

કથામૃત પોતાની મધુરતાવાણીમાં રસપાન કરાવતા દેશ-વિદેશમાં ભારે નામના - ચાહના ધરાવતા સુપ્રસિધ્ધ કથાકાર પૂજય મીરાબેન ભટ્ટે કથા દરમિયાન જણાવેલ કે ભાગવત એ પુરૂષાર્થનું ફળ નથી પ્રભુકૃપાનું ફળ છે.

જન્મ જન્માંતરના પુન્યનો ઉદય થાય ત્યારે સત્સંગ અને સત્સંગ રૂપી સુર્ય જયારે ઉગે ત્યારે મોહ અને અજ્ઞાનરૂપી અંધકાર નષ્ટ થઇ જાય અને મોહનો ક્ષય એટલે જ મોક્ષ.

પૂજય મીરાબેને કહેલ કે સંપતિ જયારે સતકર્મમાં વપરાય ત્યારે જ એ સંપતિ શુધ્ધ બને છે. અને ત્યારે એ વ્યકિત શ્રીમંત કહેવાય.

 ભલે ને આપણા બંગલા સોનાના હોય પણ એ સોનાનો બંગલો દ્વારીકા જેવો હોવો જોઇએ, લંકા ન બની જાય એ સાવધાની રાખવી. કારણ કે આપણા આદર્શ તો ભગવાન દ્વારકેશ હોય, લંકેશ રાવણ નહિ.

પૂજય મીરાબેને કહેલ કે લક્ષ્મી જયારે નારાયણ સહિત આવે ત્યારે જીવન પરમાર્થી બને.

શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ દરમિયાન પૂજય મીરાબેન ભટ્ટની ભાગવતમય પવિત્ર વાણી ઉપસ્થિત મોટી સંખ્યામાં ભાઇ-બહેનોએ આદર પૂર્વક માણી હતી. અકિલાના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રાએ કથા દરમિયાન પુ. મીરાબેનનું અભિવાદન કર્યું હતુ. તેમની નિશ્રામાં રામધુન, સુંદરકાંડ અને શ્રીનાથજી સત્સંગના પ્રસંગો આનંદ-ઉલ્લાસથી ઉજવાયા હતા. કપિલ પ્રાગટ્ય, નૃસિંહ પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય, રામજન્મ, કૃષ્ણ જન્મોત્સવ, ગોર્વધન લીલા, અન્નકુટ દર્શન અને રામલીલા, શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ, દશાંસ હવન અને શ્રી સુદામા ચરિત્ર સહિતના મંગલ પ્રસંગો ખુબ જ ભાવપૂર્વક ઉજવાયા હતા. અને કથા સંપન્ન થયેલ. (૪૦.૧૧)

(1:39 pm IST)