Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

શાપર-વેરાવળનો ભરત ઉર્ફે તુરી કોળી પાંચ કિલો ગાંજાના જથ્થા સાથે પકડાયો

કોટડાસાંગાણીના અરડોઈમાં રૂરલ એસ.ઓ.જી.નો દરોડોઃ મહારાષ્ટ્રમાં ગાંજો લાવી ગોંડલ પંથકમાં વેચાણ કરતો'તોઃ ૧ કિલો ગાંજો ૫ હજારમાં લાવી ૧૦૦ રૂ.માં પડીકી વેચી તગડી કમાણી કરતો'તોઃ ભરત અગાઉ ત્રણ વખત ગાંજા સાથે પકડાઈ ચૂકયો છે

તસ્વીરમાં પકડાયેલ કોળી શખ્સ (નીચે બેઠેલ) સાથે રૂરલ એસઓજીનો કાફલો નજરે પડે છે

રાજકોટ, તા. ૨૩ :. કોટડાસાંગાણીના અરડોઈ ગામે રૂરલ એસ.ઓ.જી.એ દરોડો પાડી ૫ કિલો ગાંજાના જથ્થા સાથે શાપર-વેરાવળના કોળી શખ્સને ઝડપી લીધો હતો.

પોલીસ અધિક્ષક બલરામ મીણાની સૂચનાથી એસ.ઓ.જી. સ્ટાફ એસ.ઓ.જી.ને લગતી કામગીરીમાં હતા ત્યારે સાથેના પો. હેડ કોન્સ. ઉપેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે અરડોઈ ગામની સીમમાંથી ભરત ઉર્ફે તુરી રામજીભાઈ મેણીયા રે. શાપર-વેરાવળ રામદેવનગર, અમૃતીયા ટેઈલર્સ સામે હાલ અરડોઈ ગામની સીમ હનુમાનજીની ડેરી પાસે આવેલ ઓરડીમાં તા. કોટડાસાંગાણી, જીલ્લો રાજકોટવાળાની કબ્જા ભોગવટાની ઓરડીમાંથી બિનઅધિકૃત માદક પદાર્થ ગાંજાનો જથ્થો કુલ વજન ૫ કિલો ગ્રામ કિં. રૂ. ૩૫૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી કોટડાસાંગાણી પો. સ્ટે.માં એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પકડાયેલ ભરત ઉર્ફે તુરી કોળી આ ગાંજાનો જથ્થો મહારાષ્ટ્રમાંથી લાવી ગોંડલ અને કોટડાસાંગાણી પંથકમાં વેચતો હતો. ૧ કિલો ગાંજો ૫ હજાર રૂપિયામાં ખરીદી ૧૦૦ રૂ.ની પડીકી લેખે વેચી તગડી કમાણી કરતો હતો.

ગાંજા સાથે પકડાયેલ ભરત ઉર્ફે તુરી કોળી અગાઉ ગોંડલ, શાપર-વેરાવળ તથા આંધ્રપ્રદેશમાં ગાંજા સાથે પકડાઈ ગયો છે. પકડાયેલ ભરતને શાપર-વેરાવળ પોલીસે રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

આ કાર્યવાહીમાં રૂરલ એસ.ઓ.જી.ના હેડ કોન્સ. ઉપેન્દ્રસિંહ જાડેજા, વિજયભાઈ ચાવડા, સંજયભાઈ નિરંજની, જયવીરસિંહ રાણા, અતુલભાઈ ડાભી, રણજીતભાઈ ધાધલ તથા મયુરભાઈ વિરડા રોકાયા હતા.

(11:48 am IST)