Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

આવા બાપુજી હોય તો સંતાનોને કોનો ડર?...જૂગારમાં પકડાયેલા પુત્રને પોલીસ સાથે ડખ્ખો કરી ભગાડ્યો!

ભગવતીપરામાં પોલીસે દરોડો પાડી ૬ને પકડ્યાઃ તે પૈકી દેવલ માલાને તેનો પિતા રમેશ માલા ભગાડી ગયોઃ મારા દિકરાને કોણે પકડ્યો?...કહી ડખ્ખો કર્યોઃ પોલીસે બંને સામે ફરજ રૂકાવટનો ગુનો નોંધી હોન્ડા કબ્જે લીધું

રાજકોટ તા. ૨૩: સંતાનો આડાઅવળા ધંધા ન કરે અને ગેરકાનુની કામો ન કરે તે માટે વાલીઓ, બાપુજીઓ, વડિલો તરફથી સતત સમજણ અપાતી રહેતી હોય છે. પરંતુ એક કિસ્સામાં જૂગાર રમતાં ઝડપાયેલા દિકરાને ઠપકો આપવાને બદલે તેના બાપુજી ઉલ્ટાના પોલીસ સાથે માથાકુટ કરી 'મારા દિકરાને કોણે પકડ્યો?' કહી પોલીસની ફરજમાં રૂકાવટ કરી દિકરાને ભગાડી જતાં પોલીસે બાપ-બેટા બંને સામે ગુનો નોંધ્યો છે. બેટા સામે જૂગારનો અલગથી ગુનો પણ દાખલ થયો છે.

બનાવ અંગે બી-ડિવીઝન પોલીસે ભગવતીપરામાં રહેતાં દેવલ રમેશભાઇ માલા અને તેના પિતા રમેશભાઇ માલા સામે આઇપીસી ૧૮૬, ૫૦૪, ૧૧૪ મુજબ પોલીસની ફરજમાં રૂકાવટ કવરાનો ગુનો નોંધ્યો છે. બી-ડિવીઝન પોલીસે રાત્રે દોઢેક વાગ્યે ભગવતીપરા-૧૭/૧૯માં જાહેરમાં જૂગાર રમી રહેલા છ શખ્સોને પકડી લીધા હતાં. આ છમાં એક શખ્સ દેવલ માલા હતો. પોલીસ અટકાયતની કાર્યવાહી કરી રહી હતી એ વખતે જ રમેશ માલા આવ્યો હતો અને 'મારા દિકરાને કોણે પકડ્યો?' કહી ધમાલ મચાવી હતી અને પોલીસમેન મહેશભાઇ ચાવડાને ગાળો દઇ ફરજમાં રૂકાવટ કરી હતી.

તેમજ પોલીસે પકડેલા પુત્ર દેવલ માલાને ભગાડી ગયો હતો. રમેશ પોતાનું હોન્ડા મુકીને દિકરાને ભગાડી ગયો હોઇ પોલીસે આ હોન્ડા કબ્જે કરી તેની અને દેવલની શોધખોળ હાથ ધરી છે. દેવલ સામે આ ગુનો ઉપરાંત જુગારનો એમ બે ગુના દાખલ થયા છે. પીએસઆઇ એમ.એફ. ડામોરે વધુ તપાસ હાથ ધરી છે.

(11:47 am IST)