Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

મવડી રીંગ રોડ જશરાજનગરમાં અરવિંદભાઇ કડીયા અને સાળા પ્રકાશ રાઠોડ પર હુમલો

પ્લાટ વેંચાણની દલાલીના પૈસાની ઉઘરાણીના મામલે માથાકુટઃ કિશોર ચોટલીયા સહિતનાએ ઓફિસમાં ઘુસી મચ્છર મારવાના રેકેટથી અને ઢીકા-પાટુનો માર માર્યોઃ સામે કિશોરનો પુત્ર વિશાલ પણ સારવારમાં

રાજકોટ તા. ૨૩: મવડી રીંગ રોડ રાધે હોટેલ પાછળ જશરાજનગરમાં રહેતાં બાંધકામ કોન્ટ્રાકટર અને જમીન-મકાન લે-વેંચનું કામ કરતાં કડીયા યુવાન અરવિંદભાઇ મનજીભાઇ પરમાર (ઉ.૪૧) અને તેના સાળા પ્રકાશ નરેન્દ્રભાઇ રાઠોડ (ઉ.૧૯) રાત્રે ઘર પાસે પોતાની એસ્ટેટ બ્રોકરની ઓફિસમાં હતાં ત્યારે કિશોર ચોટલીયા અને તેની સાથેના ચાર શખ્સોએ આવી મચ્છર મારવાના રેકેટથી હુમલો કરી તેમજ ઢીકા-પાટુનો બેફામ માર મારતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

અરવિંદભાઇના કહેવા મુજબ તેણે એક પ્લોટનું વેંચાણ કરાવ્યું હતું. એ સોદામાં કિશોર ચોટલીયા વચ્ચે ન હોવા છતાં દલાલીના પૈસા માંગતો હોઇ તેને પાંચ હજાર આપ્યા હતાં. પણ વધુ ૪૦ હજારની તે ઉઘરાણી કરતો હતો. આ પૈસાની ઉઘરાણી કરવા રાતે બીજા શખ્સોને લઇ ઓફિસમાં ઘુસી હુમલો કર્યો હતો.

સામા પક્ષે કિશોરભાઇ ચોટલીયાનો પુત્ર વિશાલ ચોટલીયા (ઉ.૨૫-રહે. મવડી રીંગ રોડ ફોર્ચ્યુન હોટેલ પાછળ પ્રમુખ સોસાયટી-૧) પણ પોતાના પર અરવિંદ પરમાર સહિતનાએ લાકડીથી હુમલો કર્યાની રાવ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. વિશાલના કહેવા મુજબ પ્લોટના સોદાની દલાલીમાં પિતા કિશોરભાઇને ૪૦ હજાર લેવાના હોઇ તે રકમ લઇ જવા માટે બોલાવાયા હતાં. ચા-પાણી પીધા બાદ  હવે પૈસા નથી દેવા...તેમ કહી હુમલો કરાયો હતો. તાલુકા પોલીસ મથકના પીએસઆઇ જી. એસ. ગઢવીએ અરવિંદભાઇની ફરિયાદ નોંધી હતી. છરી બતાવી ધમકી અપાયાનું પણ તેમાં જણાવાયું છે. તસ્વીરમાં અરવિંદભાઇ અને વિશાલ જોઇ શકાય છે.

(11:47 am IST)