Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

પરિણીતાએ પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા પ્રેમી રવિએ ધમકી આપી પોતાના માથામાં બાટલી ફોડી

જામનગર રોડ એકતા સોસાયટી કવાર્ટરમાં બનાવઃ બીક લાગતા પરિણીતાએ લીકવીડ પી લીધું રવિ લાલવાણી સામે ગુન્હો

રાજકોટ તા. ર૩ : જામનગર રોડ પર એકતા સોસાયટીના કવાર્ટરમાં રહેતી પરિણીતાએ પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા પ્રેમીએ 'તુ મારી સાથે લગ્ન કરી લે નહીંતર તારા પતિને મારી નાખીશ' કહી પોતાનાજ માથામાંં બાટલી ફોડી ધમાલ મચાવતા બીક લાગતા પરિણીતાએ લાદી સાફ કરવાનું લીકવીડ પી લેતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ એકતા સોસાયટીમાં રહેતા આલ્યાબેન ઇકબાલભાઇ શેખએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, પોતે પતિ અને પુત્ર સાથે રહે છે.

ચારેક મહિના પહેલા પોતે સ્ટર્લીંગ હોસ્પિટલમાં હાઉસ કીપીંગમાં નોકરી કરતા હતા ત્યારે છએક મહિના પહેલા પોતાને રવિ બીજલભાઇ લાલવાણી સાથે સંપર્કમાં આવ્યા બાદ બન્ને વચ્ચે મીત્રતા થઇ હતી. બાદ બન્ને રીલેશનશીપમાં પણ હતા અને અઢી મહિના પહેલા બન્ને વચ્ચે અણબનાવ થતા પોતે રવિ સાથે રીલેશન રાખવાની ના પાડી દીધી હતી. ગત તા.ર૦ ના રોજ પોતે હોસ્પિટલમાં નોકરી પર હતા ત્યારે રવિનો ફોન આવેલ અને કહેલ કે, હું બહાર ઉભો છું જેથી પોતે ના પાડતા તેણે કહેલ કે 'તુ બહાર નહી આવેતો હુંઅંદર આવીશ.' તેમ કહેતા પોતાને બીક લાગતા બહાર ગયા ત્યારે રવિએ કહેલ કે 'તને બોલાવા છતા કેમ બહાર નહોતી આવતી તેમ કહી ઝઘડો કરી બે લાફા મારી દીધા હતા જેથી ત્યાં આસપાસના લોકો ભેગા થઇ જતા રવિ ત્યાંથી જતો રહ્યો  હતો સાંજે પોતે ઘરે આવ્યા બાદ રાત્રે ઘરે હતા અને પતિ બહાર આટો મારવા ગયા હતા ત્યારે રવિ બાઇક લઇને આવેલ અને પોતાને તેની પાસે બોલાવેલ પોતે બીકના કારણે તેની પાસે ન જતા રવિએ પોતાની પાસે રહેલી બોટલ પોતાના જ માથામાંં ફોડી જોર જોરથી બોલવા લાગેલ અને કહેવા લાગે કે તુ મારી સાથે લગ્ન કરી લે નહીતર તારા પતિને હું મારી નાખીશ' તેમ બુમાબુમ કરતા આસપાસના લોકો એકઠા થતા રવિ ત્યાંથી જતો રહ્યો હતો બાદ આ સંબંધની જાણ પોતાના પતિને થઇ જશે તે બીક લાગતા પોતે લાદી સાફ કરવાનું લીકવીડ પી લીધું હતું. પોતે બેભાન થઇ જતા પાડોશી ઘરે આવતા પોતાને બેભાન હાલમાં જોઇ તાકીદે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આ બનાવની જાણ પોલીસને થતા ગાંધીગ્રામ પોલીસ મથકના પી.એસ.આઇ.એચ.વી.સોમૈયા સહિતે હોસ્પિટલે પહોંચી પરિણીતાની ફરીયાદ પરથી રવિ બીજલભાઇ લાલવાડી વિરૂધ્ધ આઇપીસી ૩ર૩, પ૦૬ (ર) ની કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(3:50 pm IST)