Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

પૂ. શાંતિબાપુ દ્વારા ૧૫૦૦ પીપળાનું રોપણ

નવી નાગાજાર ખાતે સત્તાધાર આશ્રમ સામે

રાજકોટઃ. નવી નાગાજાર કાલાવડ પાસે આવેલા સત્તાધાર આશ્રમ સામે યોગાચાર્યજી પૂ. શાંતિબાપુ દ્વારા સેવકગણના સહયોગથી વૃક્ષારોપણ થયુ હતું. પૂ. બાપુના હસ્તે ૧૫૦૦ પીપળાના વૃક્ષો અને અન્ય વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યુ હતું. અન્ય વૃક્ષોમાં રાવણા, લીમડા, બોરસલીના વૃક્ષોનો સમાવેશ થાય છે.

આયુર્વેદના ગહન અભ્યાસુ પૂ. શાંતિબાપુ કહે છે કે, મહામારી સમયે તાજેતરમાં પ્રકૃતિએ આપણને ઓકિસજનનું મહત્વ સમજાવી દીધું છે. ઓકિસજન વગર જીવ માત્ર તરફડિયા મારવા લાગે છે. પીપળાનું વૃક્ષ દિવ્ય છે અને ૨૪ કલાક ઓકિસજન આપે છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કહ્યુ છે કે, વૃક્ષોમાં હું પીપળો છું. દરેક ગામમાં પીપળાના વૃક્ષોનું વન બનવું જોઈએ.

પૂ. શાંતિબાપુએ આશ્રમમાં પીપળાના ૮૦૦ વૃક્ષો ઉછેર્યા છે. હવે આશ્રમ સામે પીપળાના ૧૫૦૦ વૃક્ષો ઉછેરવાનું અભિયાન શરૂ કર્યુ છે. આ અભિયાનમાં મુકેશભાઈ ડાંગરિયા, જયસુખભાઈ કોહિયા, બટુકભાઈ તથા કિશોરભાઈ ડાંગરિયા અને નિતેશભાઈ પટેલ તથા ગ્રામજનો જોડાયા છે.(૨-૨૧)

(3:48 pm IST)