Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

લૂંટની ખોટી સ્ટોરી ઘડવાના ગુનામાં સંજય પછી તેના ભાઇ બિપીન ભિમાણીની ધરપકડ

કુલ ૨૬ લાખ કબ્જે થયાઃ બંને ભાઇઓને કોર્ટ હવાલે કરાયા

રાજકોટ તા. ૨૩: મવડી ૧૫૦ રીંગ રોડ પર બાલાજી હોલ પાસે આવેલી આંગડિયા પેઢીમાં કામ કરતાં કર્મચારી સંજય અંબાવીભાઇ ભિમાણીએ પેઢી સંચાલકના ભાઇએ આપેલો રૂ. ૩૦ લાખનો સેલ્ફનો ચેક વટાવી બેંકમાંથી આવેલા રૂપિયા શેઠને પેઢીમાં આપવાને બદલે મવડી કણકોટ રોડ પરથી બે અજાણ્યા શખ્સો આ રોકડનો થેલો લૂંટી ગયાની સ્ટોરી ઘડી હતી. આ રૂપિયા તેણે નવાગામ રહેતાં મિત્ર કેતન સદાદીયાને સાચવવા આપ્યા હોઇ પોલીસ પૈસા કબ્જે લેવા જતાં કેતને એસિડ પી લીધું હતું. સારવાર દરમિયાન કેતનનું મોત થયું હતું. આ ગુનામાં સંજય સાથે તેના પિત્રાઇ ભાઇનું પણ નામ ખુલતાં તેની ધરપકડ કરવામાં આવી છે.

તાલુકા પોલીસે સંજયને પકડી કોર્ટમાં રજૂ કરતાં બે દિવસના રિમાન્ડ મંજુર થયા હતાં. જે આજે પુરા થયા છે. બીજી તરફ તેની પુછતાછમાં લૂંટનો પ્લાન ઘડવામાં તેના પિત્રાઇ ભાઇ બિપીન હરજીભાઇ ભિમાણી (ઉ.વ.૪૫-રહે. કુવાડવા રોડ એલ. પી. પાર્ક-૧, મુળ ગામ અજામ તા. કેશોદ)ની પણ સંડોવણી હોવાનું કબુલતાં પોલીસે બિપીનને પકડી તેની પાસેથી ૩ લાખ કબ્જે કર્યા છે. અગાઉના ૨૩ લાખ અને બિપીન પાસેથી ૩ લાખ મળી ૨૬ લાખ કબ્જે કરાયા છે. બંને ભાઇઓને કોર્ટ હવાલે કરવા તજવીજ કરવામાં આવી છે. પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ એન. ડી. ડામોર, એએસઆઇ આર. બી. જાડેજા, વિજયગીરી, ભરતભાઇ વનાણી, હેડકોન્સ. મોહસીનખાન, કોન્સ. અમીનભાઇ, અરજણભાઇ હરસુખભાઇ, મનિષભાઇ, ધર્મરાજસિંહ અને હર્ષરાજસિંહે કાર્યવાહી કરી હતી. 

(3:02 pm IST)