Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

ઓનલાઇન શિક્ષણનાં ગતકડા બંધ થયાઃ મહિલા કોંગ્રેસની મોટી જીત

પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની આગેવાનીમાં ઓનલાઇન શિક્ષણ બંધ કરાવવા જબ્બર સહી ઝુંબેશ હાથ ધરાયેલ

રાજકોટ, તા., ૨૩: શહેર મહિલા કોંગ્રેસ સમીતી પ્રદેશ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની સુચના અનુસાર અને રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ મનીષાબા વાળાની આગેવાનીમાં ખાનગી શાળાઓ દ્વારા વાલીઓ પાસેથી જબ્બરજસ્તી પુર્વક  ફીના ઉઘરાણા બંધ કરવા તેમજ ઓનલાઇન શિક્ષણના ગતકડા બંધ કરી જનતાને રાહત આપવા રાજકોટ શહેરમાં મહિલા કોંગ્રેસ દ્વારા બધા વોર્ડમાં સહી ઝુંબેશ કરી હતી. જેને અભુતપુર્વ સફળતા મળી છે.

હાલ કોરોનાની મહામારીના લીધે સરકારશ્રીના આદેશ અનુસાર સંપુર્ણપણે દેશમાં લોકડાઉન હતુ જેને લઇને અર્થ વ્યવસ્થા સંપુર્ણપણે ખોરવા ગયેલ હતી. આમ છતાં ખાનગી સ્કુલો પોતાના લાભ માટે ઓનલાઇન શિક્ષણ આપવાનું આપમેળે નક્કી કરી વાલીઓ પાસેથી ફીની પઠાણી ઉઘરાણી કરેલ જેને લઇને રાજકોટ શહેર કોંગ્રેસ મહિલા સમીતી તથા ગુજરાત પ્રદેશના પ્રમુખ ગાયત્રીબા વાઘેલાના આદેશથી અને રાજકોટ શહેર મહિલા પ્રમુખ મનીષાબા વાળાની આગેવાનીમાં ગત તા.રર જુને રાજકોટ જીલ્લા કલેકટરશ્રી તેમજ રાજકોટ ડીઇઓ ને આવેદન તેમજ લેખીત ફરીયાદ કરી હતી તેમ છતા ખાનગી શાળાના ઓનલાઇન શિક્ષણ તેમજ ફીના ઉઘરાણા કરવાનું બંધ ન કરતા છેવટે રાજકોટ શહેર કોંગ્રેસ મહિલા  આગેવાનોએ સાથે રાખીને શિક્ષણ તેમજ ફીની ઉઘરાણી બંધ કરવા માટે સહી ઝુંબેશ ચલાવી ત્યાર બાદ દરરોજ સવાર-બપોર અલગ-અલગ વોર્ડમાં થઇ આ ઝુંબેશ ચલાવતા લોકોનો સારો સાથ-સહકાર મળતા આજરોજ હાઇકોર્ટ જયાં સુધી શાળાઓ નહી ખુલે ત્યાં સુધી ફી નહી લેવી તેવી જાહેરાત કરતા રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ સમિતિની એક મોટી જીત મળેલ છે. આ જીતમાં મોટા ફાળો આમ જનતાનો તેમજ વાલીઓનો છે. ભાજપ સરકાર માટે આ બાબત ટકોર સમાન છે. કે આવા શિક્ષણ માફીયાઓને છાવરતા બંધ કરે તેમજ રાજયનાં સ્કુલ-કોલેજો ભાજપના મળતીયાઓની ભાગીદારી હોય તેવો રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખનો આ તકે સીધો આક્ષેપ છે. તેઓએ રાજકોટના વાલીઓનો ખુબ ખુબ આભાર માન્યો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુજરાત પ્રદેશ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા તથા રાજકોટ શહેર પ્રમુખ અશોકભાઇ ડાંગર, ગુજરાત ઉપપ્રમુખ હેમાંગભાઇ વસાવડા તથા કોંગ્રેસના પૂર્વ મંત્રી મુકેશભાઇ ચાવડા તથા રાજકોટ એન.એસ.યુ.આઇ. પ્રમુખ નરેન્દ્ર સોલંકી, સોશ્યલ મીડીયાના જીજ્ઞેશભાઇ વાગડીયા તથા પ્રદેશ ઓ.બી.સી. મહામંત્રી મોહનભાઇ સિંધવ તથા કોંગ્રેસ પરિવારના તમામ કાર્યકરો તથા તમામ હોદ્દેદારો, મહિલા કોંગ્રેસની બહેનોએ સફળ જહેમત ઉઠાવી હતી.

(2:51 pm IST)