Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

સહકાર સોસાયટીમાં રમાબેન જાદવના ઘરમાં ૬૫ હજારની ચોરીઃ બે શખ્સો સકંજામાં

બીજા બનાવમાં ગાંધીગ્રામના સહકારનગરમાં વૃધ્ધા જયાબેન કકકડ ઉંઘી રહ્યા'તા ત્યારે તસ્કર ૯૦ હજારની મતા ઉસેડી ગયો

રાજકોટ તા.૨૩: શહેરના કોઠારિયા રોડ પર સહકાર સોસાયટીમાં રહેતા ભરવાડ વૃધ્ધાએ કબાટની ડુપ્લીકેટ ચાવી બનાવવા માટે બે લાવેલા બે શખ્સો રૂ.૬૫ હજારની મતા ચોરી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ કોઠારિયા રોડ પર સહકાર સોસાયટી શેરી નં.૫માં રહેતા રમાબેન ભીખાભાઇ જાદવ (ઉ.વ.૬૫) (ભરવાડ) પાંચ દિવસ હનુમાનજીના મંદીરે દર્શન કરવા ગયા હતા. ત્યાં બે શખ્સો ચાવી બનાવતા હતા ત્યારે વૃધ્ધાએ બંને શખ્સોને પોતાના કબાટની ડુપ્લીકેટ ચાવી બનાવવાની વાત કરી બંને શખ્સોને ઘરે લઇ ગયા હતા. દરમ્યાન બંને શખ્સો ચાવી બનાવતી વખતે કબાટ ખોલ-બંધ કરી તેમાંથી સોનાની બુટી,સોનાની બરઘલી, ચાંદીનુ કડલુ મળી રૂ.૬૫૦૦૦ની મતા ચોરી ગયા હતા. થોડીવાર બાદ વૃધ્ધાએ કબાટ ખોલીને જોતા ઘરેણા ગાયબ જોતા ચાવી બનાવવા આવેલા બે શખ્સો ઘરેણા ચોરી ગયા હોવાનું  જાણવા મળતા વૃધ્ધાએ ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ પી.બી. જેબલીયાએ તપાસ હાથધરી છે આ બનાવમાં ક્રાઇમ બ્રાંચની ટીમે બે શખ્સોને સકંજામાં લઇ પૂછપરછ હાથ ધરી  છે.

જયારે બીજા બનાવમાં રૈયા રોડ આઝાદ ચોક પાસે સહકારનગર મેઇન રોડ પર રહેતા જયાબેન ગિરધરલાલ કકકડ (ઉ.વ.૬૭) ગત તા.૧૫/૭ના રોજ પોતાના બેડરૂમમાં સૂતા હતા. ત્યારે કોઇ અજાણ્યા શખ્સોએ ઘરમાં પ્રવેશ કરી બે રૂમમાંથી સોના અને ચાંદીના દાગીના મળી રૂ.૯૦ હજારની મતા ચોરી ગયા હતા. જયાબેન સવારે ઉઠયા ત્યારે બંને રૂમમાં સામાન વેરવીખેર જોતા ચોરી થઇ હોવાની ખબર પડી હતી. આ બનાવ અંગે જયાબેન કકકડે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા એએસઆઇ મહેશભાઇએ તપાસ હાથ ધરી છે.

(3:45 pm IST)