Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

વોર્ડ નં.૧પનાં કુબલિયાપરામાં નર્ક સમાન ગંદકીઃ રોગચાળો ફેલાશે

રોગચાળો ફાટી નીકળશે તો જોયા જેવીઃ વિપક્ષી નેતા વશરામ સાગઠિયાની ચિમકીઃ ભૂગર્ભ ગટર- ખુલ્લો વોકળો-ખુલ્લા બોક્ષ ગટરનાં કામો થતા જ નથી

રાજકોટ, તા.૨૩: શહેરનાં વોર્ડ નં.૧પમાં આવેલ પછાત વિસ્તાર કુબલિયાપરામાં નર્ક સમાન ગંદકી હોવાનાં આક્ષેપો અહીંનાં કોંગી કોર્પોરેટરોએ કર્યા છે. અને જો અહીં સ્વચ્છતાનાં અભાવે રોગચાળો ફેલાસે તો જોયા જેવી થશે તેવી ચિમક વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠિયાએ ઉચ્ચારી છે.

આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૫ના કોંગ્રેસ પક્ષના કોર્પોરેટરોની યાદી જણાવે છે કે વોર્ડ માં આવેલ કુબલિયાપરા વિસ્તાર કે જે જગ્યા એ વ્યકિતને ચાલવું પણ મુશ્કેલ છે ગંદકીના અને કચરાના ગંજ જામી ગયા છે અને ચોતરફ ગંદકી છે ડ્રેનેજ સાફ કરેલ હોય પણ તેનો ગાળ પણ મનપાના તંત્ર દ્વારા ઉપાડવામાં આવેલ નથી થોરાળા પોલીસ સ્ટેશનથી ચાલુ કરી આજી નદી સુધીનો જે વોંકળો આવેલ છે તેમાં કાદવ કીચડ કુદરતી હાજતે જતા લોકોના મળના પણ ઢગલા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે આ વોંકળામાં છેલ્લા દ્યણા સમયથી વોંકળો બાંધવા માટેની ફાઈલ પણ ઈસ્ટ ઝોન ના સીટી ઈજનેર ચિરાગ પંડ્યાના ત્રાસથી આગળ ચાલતી નથી તેમજ ફાઈલ ઉપર નોંધ કર્યા મુજબ રૂબરૂ ચર્ચા કરવા માટે ડેપ્યુટી ઈજનેરને છેલ્લા ત્રણ મહીનાથી સમય આપતા નથી અને રૂબરૂ ચર્ચા થતી નથી.

તેવીજ રીતે વિજય નગર વિસ્તારમાં ડ્રેનેજ કામ પૂર્ણ થયાને દ્યણો સમય વિતીગ્યો હોવા છતાં આજે રસ્તામાં ચાલી શકાય તેવી પરિસ્થિતિ નથી તેમજ  વિજયનગર વોંકળામાં પણ બોક્ષ ગટરના ચાપણીયા તેમજ ચુનારાવાડના વોંકળાના ચાપણીયા ખસી જવાથી જો કોઈ વ્યકિત કે બાળક આમાં અંદર પડશે તો બહાર નીકળી શકાય તેવી સ્થતિ નથી અને જાનહાની થવાની પુરેપુરી શકયતા છે ભારત નગર વિસ્તાર રોડ રસ્તાની અને ગંજીવાડા વિસ્તારની  ડ્રેનેજની જે બે ફાઈલો કે જેના ઉપર કમિશ્નરએ મંજુરીની મહોર મારેલ હોય તેવી ફાઈલો પણ સીટી ઈજનેરશ્રી ગેરહાજર રહેવાને લીધે હાલ આ ફાઈલો કયાં છે? તે વોર્ડ ના ડેપ્યુટી ઈજનેર પણ ગોતાવી શકતા નથી.

આમ હવે આવી પરિસ્થિીતીઓ વચ્ચે વોર્ડ નં.૧૫ના ચારેય કોર્પોરેટર  વશરામભાઈ સાગઠીયા, મકબુલભાઈ દાઉદાણી, ભાનુબેન સોરાણી, માંસુબેન હેરભાની માંગણી છે કે આ વોર્ડના આ કામો જલ્દી પ્રગતિમાં નહી આવે તો ના છુટકે વોર્ડના લોકોને સાથે લઇ ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે જેની સંપૂર્ણ જવાબદારી લગતા વળગતા અધિકારીઓ અને પદાધિકારીઓની રહેશે. તેવી ચિમકી ઉચ્ચારી છે.

(3:43 pm IST)