Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

મનીલેન્ડ એકટના ગુનામાં આરોપીના આગોતરા જામીન મંજુર

રાજકોટ તા.ર૩ : ભકિતનગર પોલીસ સ્ટેશનના આઇ.પી.સી. ૩૮૭, પ૦૬ (ર) તથા મનીલેન્ડ એકટની કલમ ૪૦, ૪ર ના ગુનામાં આરોપીની આગોતરા જામીન અરજીને સેસન્સ કોર્ટે મંજુર કરી હતી.

લક્ષ્મીવાડી શેરીનંબર ૯ ખાતે રાધાકૃષ્ણ એપાર્ટમેન્ટ બી-૧૦૯ ખાતે રહેતા મનસુખ ભગવાનજી પાટડીયાએ રાજકોટના જયેશ એમ. સંજવા સામે એ મતલબની ફરીયાદ ભકિતનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ કે તેના દિકરા જીજ્ઞેશને ધંધાના કામે રૂપિયાની જરૂરીયાત ઉભી થતા જુદા જુદા લોકો પાસેથી વ્યાજે નાણા લીધેલા અને તેનું  વ્યાજ સમયસર ચુકવી શકતો ન હોવાથી ઘરેથી ગઇ તા.૭-૬-ર૦૧૯ના રોજ જતો રહેલ છે. અને તે એવી વાત કરતો કે જયેશ એમ. સંજવા રાજકોટ વાળા તેને પોતે આાપેલ રકમ અને તેના પર પાંચ ટકા વ્યાજ સહિતની તમામ રકમ આપી દેવા ઉઘરાણી કરતો અને પૈસા ન આપે તો ધાક ધમકી આપતો અને મારી નાખવાની પણ ધમકીઓ આપતો જેથી જયેશ એમ. સંજવાની ધમકીથી ડરીને જ મારો દિકરો ઘર છોડીને જતો રહેલ છે. મતલબની ફરીયાદ મનસુખ ભગવાનજી પાટડીયાએ ભકિતનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ. જેથી આરોપી જયેશ એમ. સંજવાએ સેસન્સ કોર્ટમાં ઉપરોકત ફરીયાદ અન્વયે પોતાની ધરપકડ સામે આગોતરા જામીન અરજી દાખલ કરેલ.

ધારાશાસ્ત્રીની મુદાસર દલીલો ગ્રાહય રાખી એડીશનલ સેશન્સ જજે આરોપી જયેશ એમ. સંજવાના આગોતરા જામીન મંજુર કરેલ હતા. આરોપી તરીકે રાજકોટના ધારાશાસ્ત્રી જયેન્દ્ર ગોંડલીયા, કે.સી. વ્યાસ, મૌનીશ જોશી રોકાયા હતા.

(3:40 pm IST)