Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

૩૫ હજાર મોતી ગુંથી તૈયાર કરી રાષ્ટ્રગાનની કૃતિ

રાજકોટના ખુશ્બુ દાવડાની અનોખી કલા : દેશભકિતની ભાવનાથી તૈયાર કરેલ મોતીનું પોસ્ટર સૌ પ્રથમ અમરનાથ દાદાને ધરાવ્યુ : વૈષ્ણોદેવી અને અમૃતસર ખાતે પણ પોષ્ટર સાથે દર્શન કર્યા : ૧૨ જયોતિર્લીંગને સ્પર્શ કરાવવા સંકલ્પ : વાઘા બોર્ડરની રોચક મુલાકાત

રાજકોટ તા. ૨૩ : કઇક નોખી જ કહી શકાય તેવી મોતીની કલા રાજકોટના ખુશ્બુબેન આકાશભાઇ દાવડાએ વિકસાવી છે.

'અકિલા' ખાતે વિગતો વર્ણવતા ખુશ્બુબેન અને આકાશભાઇએ જણાવેલ કે અમે દેશભાવનાથી એક આખુ રાષ્ટ્ર ગીત મોતીની ગુંથણી કરીને તૈયાર કર્યુ છે. પોસ્ટર ટાઇપની આ કૃતિ તૈયાર કરતા લગભગ દોઢથી બે માસ જેવો સમય લાગ્યો હતો. જેમાં ૩૦ થી ૩૫ હજાર જેટલા કાચના મોતીનો ઉપયોગ કર્યો છે. વિશેષતા એ છે કે આ મોતી અતિ નાના એટલે કે રાયના દાણાથી પણ નાના છે. એટલે થોડી મહેનત માંગી લ્યે તેવુ કામ હતુ. પરંતુ અમોએ ધગશ પૂર્વક દેશદાઝ બતાવવા હોંશે હોંશે પૂર્ણ કરી બતાવ્યુ.

એટલુ જ નહીં નેશનલ એન્થમ કહી શકાય તેવું 'જનગણ મન..' નું આખુ રાષ્ટ્રગીત મોતીથી કંડાર્યા બાદ મનોમન એવો સંકલ્પ કર્યો કે આ કૃતિ સાથે દેશભરના મહત્વના યાત્રા સ્થળો અને ૨૧ જયોતિર્લીંગના દર્શન કરવા છે.

બસ પછી અમોએ અમારી યાત્રાની શરૂઆત કરી અને બધેયથી ખુબ સારો પ્રતિસાદ અને સહકાર મળી રહ્યો છે.

કઠીન ગણાતી અમરનાથ યાત્રાની વાત કરીએ તો અમે જયારે બાલતાલ પહોંચ્યા ત્યારે અમરનાથ યાત્રા શ્રાઇન બોર્ડ અને રાજયપાલ દ્વારા ભાવભેર આદર સત્કાર કરાયો. અમને અમરનાથ ગુફા સુધી જવા માટે હેલીકોપ્ટરની સેવા પણ પ્રદાન કરવામાં આવી. પરંતુ અમે વિનમ્રભાવે તેનો અસ્વીકાર કરી ભાવથી પદયાત્રા કરીને જ દર્શને જવાનો નિર્ણય જાહેર કર્યો. અમરનાથ ગુફા પર પહોંચતા જ ત્યાં પુજારીઓએ અમને આવકાર્યા હતા. જે ચુંદડી અમરનાથ દેવને ચડાવવામાં આવે છે તે ચુંદડી અમારી કલાકૃતિને ચડાવી ત્યાં પવિત્ર જગ્યાને સ્પર્શ કરાવવામાં આવ્યો.  અહીં કબુતરના દર્શન તો કર્યા પરંતુ સાથો સાથ વળતી વખતે ત્યાંના ઠંડા પ્રદેશના મોટા ઉંદરને નજીકથી નિહાળવાની અલભ્ય તક પણ મળી હતી.

અમરનાથ યાત્રા સમયે આપાણા દેશના જવાનો ૨૪ કલાક ખડેપગે જે સેવા આપે છે તે કાબીલેદાદ, વંદનને પાત્ર હોવાનું આ દાવડા યુગલે જણાવ્યુ હતુ.

એજ રીતે વૈષ્ણો દેવી પણ આ મોતીની કૃતિ સાથે ગયા. ત્યાં પણ કટરાથી પદયાત્રા કરીને છેક ઉપર વૈષ્ણોદેવી માતાના દર્શને ગયા હતા.

અમૃતસર પંજાબમાં આવેલ સુવર્ણ મંદિરના દર્શનનો લ્હાવો પણ અમારા માટે યાદગાર બની રહ્યો. આવો જ અનુભવ  વાઘા બોર્ડરનો પણ રહ્યો. સેરેમની પરેડ નિહાળી. આ મોતીવર્કની રાષ્ટ્રગાન સાથેની કૃતિને જવાનોએ ભાવથી નમન કર્યા હતા.

આ પોસ્ટર ટાઇપની કૃતી લઇને ૧૨ જયોતિર્લીંગના દર્શનનો સંકલ્પ અમે કર્યો છે. જેમાંથી ઉજજૈન, મહાકાલેશ્વર, નાગેશ્વર, સોમનાથના દર્શન પૂર્ણ કરી લીધા છે. સમયાંતરે આખી યાત્રા સુખરૂપ પૂર્ણ કરીશુ.

ખુશ્બુબેને જણાવેલ કે આમતો છેલ્લા પાંચેક વર્ષથી મોતી વર્કમાં હું પરોવાઇ છુ. આ કલાને હજુ વિસ્તારવા જ માંગુ છુ. અમારી આ કલા સાથે રાષ્ટ્રભકિત પણ ગુંથાતી જાય છે. અમે આ પહેલા વિશ્વનો સૌથી મોટો કહી શકાય તેવો મોતી વર્કથી 'નેશનલ મેપ' ૭*૭ ફુટનો તૈયાર કરેલ. જેમાં રાષ્ટ્ર ધ્વજના ત્રણેય રંગોને આવરી લીધા અને વચ્ચે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની તસ્વીરને પણ સ્થાન આપ્યુ. આ પોસ્ટરને કાયમ માટે પી.એમ. હાઉસની દિવાલમાં સ્થાન મળ્યુ તે ઘણી મોટી વાત ગણાય.

એજ રીતે રાજકોટની આલ્ફ્રેડ હાઇસ્કુલની આખી ઇમારતની ઇમેજ ઉભી કરતી ફોટો કૃતિ મોતી વડે અમે તૈયાર કરેલ. જે હાલના ગાંધી મ્યુઝીયમમાં સ્થાન પામી છે. આ માટે મ્યુ. કમિશ્નર શ્રી દ્વારા પુરસ્કારરૂપે જે મોટી રકમ અપાઇ તે અમોએ જવાનોના ફંડમાં માનભેર અર્પણ કરી છે.

અમે જે રીતે દેશદાઝ દાખવીએ છીએ તે રીતે અમારા બાળકમાં પણ દેશભકિત ખીલે તેવા હંમેશા અમારા પ્રયાસો રહ્યા છે તેમ દેશભાવનાથી ગદગદીત થઇ ગયેલ આ યુગલે જણાવ્યુ હતુ.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા ખુશ્બુબેન દાવડા અને આકાશ મહેન્દ્રભાઇ દાવડા (મો.૯૪૨૮૨ ૦૨૦૩૩) નજરે પડે છે. અન્ય તસ્વીરો અમરનાથ દર્શન, વૈષ્ણોદેવી, અમૃતસર, વાઘા બોર્ડર સહીતના સ્થળોની તેઓએ લીધેલ યાદગાર મુલાકાત સમયની છે.

(3:39 pm IST)