Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

નામાંકિત હોસ્પીટલોમાં ડેંગ્યુ-મેલેરીયાના મચ્છરોઃ પ૪ હજારનો દંડ

હોસ્પીટલ બિલ્ડીંગોમાં મેલેરીયા તથા આરોગ્યની ટુકડીઓનાં દરોડાઃ મધુરમ, ગોકુલ, પી.ડી.યુ. મેડીકલ કોલેજ સહીતની હોસ્પીટલોમાં ચેકીંગઃ ફુવારા-અગાસી-છાજલીઓમાં મચ્છરોનાં ઘર

રાજકોટ, તા., ૨૩: મ્યુ. કોર્પોરેશન દ્વારા ડેંગ્યુ-મેલેરીયા વિરોધી માસની ઉજવણીનાં ભાગરૂપે આજે મેલેરીયા વિભાગ તથા આરોગ્ય વિભાગે શહેરની ૯૧ જેટલી હોસ્પીટલોમાં મચ્છરોની ઉત્પતી અંગે ચેકીંગ કરતા ૧પ જેટલી નામાંકીત હોસ્પીટલોમાં મચ્છરોનાં ઘર મળી આવતા આ તમામ હોસ્પીટલો પાસેથી કુલ પ૪ હજારનો દંડ વસુલ્યો હતો.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે આરોગ્ય શાખાનાં મેલેરીયા વિભાગ દ્વારા મચ્છર ઉત્૫તિ સબબ શહેરની ૯૧ હોસ્પિટલમાં ચેકીંગ કરવામાં આવ્યુ હતું. આ ચેકીંગમાં સ્ટર્લિંગ હોસ્પીટલ, ખોડિયાર ડાયગ્નોસિસ–સંત કબીર રોડ, મઘુરમ હોસ્પીટલ– રણછોડનગર, આસ્થા હોસ્પીટલ– મવડી ચોકડી, લોટસ હોસ્પીટલ - કોઠારિયા મેઇન રોડ, ખુશી આઈ હોસ્પીટલ - કોઠારિયા મેઇન રોડ, દેવસ્યા હોસ્પીટલ - રણછોડ નગર, ગોકુલ હોસ્પીટલ - કુવાડવા રોડ, મેઘાણી હોસ્પીટલ - કોઠારિયા રોડ, બી. ટી. સવાણી-યુનિવર્સિટી રોડ, સંજય ત્રિવેદી હોસ્પીટલ - કરણપરા, અમર્ત્ય સર્પમ બેંક - કનક રોડ કરણપરા,   જેનેસીસ હોસ્પીટલ- રૈયા રોડ,  ડો. સંદિ૫ પાલા હોસ્પીટલ– હનુમાન મઢી પાસે, સ્વામી નારાયણ ગુરુકુળની હોસ્પીટલ– ગોંડલ રોડ, બાંધકામ કોન્ટ્રાકટર - પી ડી યુ મેડીકલ કોલેજ કેમ્પસ, જામનગર રોડ ખાતેથી મચ્છર ઉત્પતિ મળી આવતા રૂ.૫૪,૦૦૦નો વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ છે.

હાલ વરસાદી ઋતુને કારણે હોસ્પીટલ/ પ્રિમાઇસીસોમાં અગાસી, છજજા તથા સેલર સહિત વગેરે જગ્યાઓમાં પાણીનો જમાવડો થાય છે. જેમાં ડેન્ગ્યુ ફેલાવતા એડિસ ઇજીપ્તી મચ્છરની ઉત્૫તિ થાય છે. રાજકોટ મહાનગર પાલિકાની આરોગ્ય શાખા દ્વારા ડેન્ગ્ય ુરોગ અટકાયતીના ભાગરૂપે આવી હોસ્પીટલ સહિત પ્રિમાઇસીસોમાં મચ્છર ઉત્૫તિ સબબ ચેકીંગ અભિયાન શરૂ કરવામાં આવેલ છે.

આ કામગીરી મ્યુનિ.  કમિશનર બંછાનિધિ પાનીની સૂચના અનુસાર  આરોગ્ય અધિકારી ડો. પી. પી. રાઠોડ, નાયબ આરોગ્ય અધિકારી ડો. મનીષ ચુનારા, નાયબ આરોગ્ય અધિકારી ડો. હિરેન વિસાણી તથા બાયોલોજીસ્ટ વૈશાલીબેન રાઠોડ તથા ઇસ્ટ ઝોન મેલેરિયા ઇન્સ્પેકટર દિલી૫દાન નાંધુ, વેસ્ટ ઝોન મેલેરિયા ઇન્સ્પેકટર બી. વી. વ્યાસ, સેન્ટ્રલ ઝોન મેલેરિયા ઇન્સ્પેકટર પિનાકીનભાઇ ૫રમાર તથા સુપિરીયર ફિલ્ડ વર્કર, ફિલ્ડ વર્કરો દ્વારા આ કામગીરી કરવામાં આવેલ હતી.

(3:14 pm IST)