Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

ગૌરીદડ IOC ડેપોમાં બોંબ ધડાકોઃ ભયાનક આગઃ ર૦ને બચાવાયા

ભયાનક આગને કારણે પસાર થતી બસ રોડ ડિવાઇડર સાથે અથડાઇઃ ર૦ને ઇજા પરંતુ NDRF ની ટીમ દ્વારા તમામને બચાવાયા : NDRF ફાયરબ્રિગેડ-રેડક્રોસના જવાનો દ્વારા સૂપર કામગીરી : કલેકટર તંત્ર દ્વારા તંત્રની સજ્જતા માટે મોકડ્રીલ : ભારતમાં પ્રથમ વખત રાજકોટમાં હેમ રેડીયોનો મોક ડ્રીલનો ઉપયોગ કરાયો : ર૮ થી વધુ ખાતાના ૩૦૦ થી વધુ કર્મચારી-અધીકારીઓ જોડાયા : મોકડ્રીલનું ઓપરેશન સીટી પ્રાંત-રની આગેવાનીમાં

રાજકોટ, તા. ૨૩ :  દેશ  રાજયમાં વિવિધ તબક્કે કોઈ મોટી હોનારત કે ખાના ખરાબી સર્જાય ત્યારે વહિવટી તંત્ર અને તેની વિવિધ એજન્સીઓ લોકોને હર હંમેશ લોકોની પખડે હાજર જ રહીને સુરક્ષા પ્રદાન કરતી  હોય છે. પરતું શાંતિના સમયમાં પણ તેઓ સતત કાર્યરત તથા અભ્યાસ કરતા રહેતા હોય છે. આવા જ એક અભ્યાસના ભાગરૂપે રાજકોટ વહિવટી તંત્ર દ્વારા મોરબી રોડ પર આવેલા ગૌરીદડ ગામ પાસે એક કવાયત યોજવામા આવી હતી.

જેમાં વાડીનારથી નીકળીને છેક પાણીપત સુધી પહોંચતી ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશનના ગૌરીદળ સ્થિત ડેપોમાંથી પસાર થતી પાઈપલાઈન પાસેના અવાવરૂ વિસ્તારમાંથી શંકાશ્પદ સુટકેસ કળી આવી હતી.  જે અંગે કંપનીને ગાર્ડ દ્વારા જાણ કરાઈ હતી. કંપનીના કંટોલરૂમ વડે પોલીસ અને જિલ્લા વહિવટી તંત્રના આપદા નિવારણ વિભાગને જાણ કરવામાં આવી હતી. આ સમયે પોલીસ વિભાગના બોમ્બ સ્કવોર્ડને જાણ કરાતા ગણતરીની મિનીટોમાં પહોંચીને તેણે બોમ્બ ડિકટેકટ કરીને તેને ડિફ્યુઝ કરી દેવામાં આવ્યો હતો. આ જ સમયે ડોગ સ્કવોર્ડની ટીમને બીજો બોાંબ મળી આવ્યો હતો. જેને બોમ્બ સ્કવોર્ડની ટીમે ડીફ્યુઝ કરવાની કોશિષ કરે તે પહેલા જ બોમ્બ બ્લાસ્ટ થઈ જતા જવાન ઘાયલ થયો હતો જેને રેડક્રોસની ટીમ દ્વારા તરત જ સલામત સ્થળે ખસેડીને સારવાર આપવામાં આવી હતી. આ અરસામાં બે ફાયર સ્ટેશન તથા ગેસ લિકેજ ટીમને સંદેશ મળતા જ સમયસર પહોંચીને પોતાની સુઝબુઝ અને સમયસુચકતા વાપરીને આગને કાબુમાં લીધી હતી. આગના કારણે ત્યાંથી જ પસાર થતી વિજ લાઈનમાં વિજ પુરવઠાને સ્થગીત કરી દેવામાં આવ્યો હતો. જેને કારણે કદાચીત  થતી જાનહાનીને અટકાવવામાં સફળતા મળી હતી. આ સમયે ગેસ પાઈપલાઈનમાં લાગેલી આગને ફાયર બ્રિગેડના કર્મચારીઓ ચપળતા અને સતર્કતાથી તાત્કાલીકમાં બુજાવી દેવામાં આવી હતી. ત્યાર બાદ પાઈપલાઈનમાં થયેલા લિકેજને પણ ગેસ લિકેજ ટીમે દ્વારા તાત્કાલિક અસરથી રીપેર કરી દેવામાં આવ્યું હતુ.

ગેસ પાઈપલાઈન હાઈવેની નજીકમાં જ હોવાથી મુસાફરી વખતે પસાર થનારી બસ આગથી બચવાના પ્રયાસના કારણે ડિવાઈડર સાથે અથડાઈ જતા તેમાં બેઠેલા મુસાફરો અકસ્માતનો ભોગ બન્યા હતા. આ સમયે આવી પહોંચેલી એન.ડી.આર.એફની ટીમે બસમાં બેઠેલા ૨૦ જેટલા મુસાફરોને બચાવીને સમયસર સારવાર પુરી પાડી હતી. આમ, કોઈપણ જાનહાની વિના સલામત રીતે પરિસ્થિતીને પુર્વવત કરવામાં જિલ્લા વહિવટી તંત્રના આપદા વિભાગ તથા અન્ય એજન્સીઓને સફળતા મળી હતી.  

આઈ.ઓ.સી, બીપીસીએલ, ગુજરાત ગેસ લીમીટેડ, જી.એસ.પી.સી, મેડીકલ, રેડક્રોસ, સ્પેશયલ પ્રોટેકશન ગુપ (પોલિસ) ટ્રાફિક, એન.ડી.આર.એફ, ફાયરબ્રીગેડ જેવી ૨૮ થી વધુ વિવિધ એજન્સીઓના અંદાજિત ૩૦૦ થી વધુ લોકોએ આ મોકડ્રિલમાં ભાગ લીધો હતો. અંદાજિત ૯૦ મિનીટ ચાલેલી આ મોકડ્રીલમાં કુલ ૨૫ થી વધુ લોકોની મહામુલી માનવ જિંદગી બચાવવાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

આ તકે હેમ રેડીયોની મદદથી સમગ્ર ભારતમાં પ્રથમ વખત રેડીયો સિગ્નલસનો ઉપયોગ કરીને ચિત્ર સંદેશ મોકલવામાં આવ્યો હતો. જે એક આગવી સિધ્ધી ગણવામાં આવી રહી છે.

આ સમયે આસિસ્ટન્ટ કલેકટર ડો ઓમપ્રકાશે જણાવ્યું હતું કે, આપદા વખતે સૌથી વધુ પડકારજનક બાબત છે દુર્ધટના સ્થળે પહોંચવું તથા ક્રાઉડ અને ટ્રાફિક મેનેજમેન્ટ કરવું જે ખુબ જ મુશ્કેલ છે. આવા સમયે આંખ અને કાન સતત ખુલ્લા રાખીને કાર્યરત રહેવું તે જ મહત્વની બાબત છે.

આ અંગે પોલીસ કંટ્રોલમાં જાણ થતા  પોલીસ કંટ્રોલ ઇન્ચાર્જે જાણ કરતા એસીપી ટંડેલ તથા એસ.ઓ.જી.ના પી.આઇ. આર. વાય. રાવલ સ્ટાફ સાથે તથા કુવાડવા રોડ પોલીસ મથકના પી.આઇ. પરમાર સ્ટાફ સાથે તથા બીડીડી એસ. ડોગ સ્કવોડ તેમજ કયુ.આર. ટીની ટીમ તાકીદ સ્થળ પર પહોંચી જુદી જુદી ટીમો બનાવી ટ્રાફિક નિયંત્રણ કરવા માટે રોડ બ્લોક કરી ટ્રાફિકને સલામત દીશામાં ડાયવર્ટ કરવામાં આવ્યો હતો અને અફરાતફરી સર્જાય અને કાયદો-વ્યવસ્થા જળવાય રહે તે માટે જુદી જુદી ટીમો બનાવી અને અસરગ્રસ્ત વિસ્તારને કોર્ડન કરી લોકોને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરી હતી અને ઇજાગ્રસ્તોને તાકીદે સારવાર માટે ખસેડાયા હતા. 

આ સમગ્ર મોકડ્રીલનું નિદર્શન પ્રાંત અધિકારીશ્રી જશવંત જેગોડાની આગેવાનીમાં કરાયું હતું તેમજ વિવિધ એજન્સીઓના વડાઓ જોડાયા હતા.

હાઈવે પરથી પસાર થનારા અનેક લોકોના મનમાં આ કાર્યવાહીએ ભારે કુતુહલ જન્માવ્યું હતું.

(3:14 pm IST)